ડેરિવેટિવ્ઝ સેટલમેન્ટના નિયમોમાં અમુક ફેરફારની શકયતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ક્લોઝિંગ ઓક્શન સેશન : ૨૦,૦૦૦થી વધુ સૂચનો
ડેરિવેટિવ્ઝ સેટલમેન્ટના ભાવ નક્કી કરવા માટે ક્લોઝિંગ ઓકશનનો ઉપયોગ એક વર્ષ માટે મોકૂફ રહી શકે છે
મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ડેરિવેટિવ્ઝ સેટલમેન્ટના ભાવ નક્કી કરવા માટે ક્લોઝિંગ ઓકશનનો ઉપયોગ ઓછામાં ઓછા એક વર્ષ માટે મોકૂફ રાખે એવી શકયતા છે. આ અંગેની જાણકારી ધરાવતા સૂત્રોએ આ માહિતી આપી હતી. ડેરિવેટિવ્ઝના સેટલમેન્ટ માટે છેલ્લી ૩૦ મિનિટના ટ્રેડિંગના વોલ્યુમ-વેઈટેજ સરેરાશ ભાવ અપનાવવામાં આવી શકે છે. જ્યારે ઓછી તરલત ધરાવતા શેરો માટે ક્લોઝિંગ ઓક્શન યથાવત રાખવામાં આવી શકે છે.
આ પગલું સેબી દ્વારા શેરોના અને ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટના અંતિમ ભાવ નક્કી કરવા માટે તાજેતરમાં અમલમાં મૂકવામાં આવેલી નવી વ્યવસ્થામાં આંશિક ફેરફાર સમાન હશે. સેબીએ ઓગસ્ટમાં એવા શેરો માટે ક્લોઝિંગ ઓકશન સેશન (સીએએસ) મેકેનિઝમ શરૂ કર્યું હતું, જેના પર ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ ઉપલબ્ધ છે. આ વ્યવસ્થા હેઠળ ટ્રેડિંગ દિવસના અંતે ટૂંકા સમય માટે યોજાતા ઓક્શન દ્વારા શેરનો ક્લોઝિંગ ભાવ નક્કી કરવામાં આવે છે. અમેરિકા અને હોંગકોંગ સહિતના કેટલાક વૈશ્વિક બજારોમાં પણ આ પ્રકારની પદ્વતિનો ઉપયોગ થાય છે.
પરંતુ નવી વ્યવસ્થાને કારણે ડેરિવેટિવ્ઝની એક્સપાયરીના દિવસે ભાવમાં મોટા પ્રમાણમાં વધઘટ જોવા મળી હતી. જેના પરિણામે સેબીએ સમગ્ર પદ્વતિની સમીક્ષા કરી હતી. સેબીએ સપ્તાહના અંતે સોશ્યલ મીડિયા એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, નિયમોમાં ફેરફાર અંગે જાહેર કરાયેલા પરામર્શ ડોક્યુમેન્ટના જવાબમાં તેને ૨૦,૦૦૦ જેટલા સૂચનો મળ્યા છે.
સૂત્રોના મતે હવે ડેરિવેટિવ્ઝના સેટલમેન્ટ ભાવ નક્કી કરવા માટે ટ્રેડિંગના છેલ્લા ૩૦ મિનિટનો વોલ્યુમ-વેઈટેજ એવરેજ પ્રાઈસ (વીડબલ્યુએપી) ઉપયોગમાં લેવામાં આવી શકે છે. એટલે કે, દિવસના અંતિમ ૩૦ મિનિટ દરમિયાન થયેલા સોદાના પ્રમાણને ધ્યાનમાં રાખીને ગણવામાં આવતો સરેરાશ ભાવ ડેરિવેટિવ્ઝના સેટલમેન્ટ માટે આધાર બનશે.
બીજી તરફ, ઓછી તરલતા ધરાવતા કેશ માર્કેટના શેરો માટે દિવસનો અંતિમ ભાવ નક્કી કરવા માટે ક્લોઝિંગ ઓક્શનની વ્યવસ્થા યથાવત રાખવામાં આવી શકે છે. સેબી આ ફેરફોરોનો અમલ આ મહિનાના અંત સુધીમાં કરે એવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, સેબીએ સપ્ટેમ્બરમાં પોતાની સમીક્ષા યોજનાઓમાં એવી દરખાસ્ત પણ કરી હતી કે, ૧૦ મિનિટમાં ક્લોઝિંગ ઓક્શન સેશન (સીએએસ) દરમિયાન સૂચકાંકનું સૂચક મૂલ્ય પ્રકાશિત કરવાનું બંધ કરવામાં આવે અને માત્ર વ્યક્તિગત શેરોના સૂચક-ઈન્ડિકેટિંવ ભાવ જ જાહેર કરવામાં આવે. સેબીનું માનવું હતું કે, સીએએસની ૧૦ મિનિટની અવધિ દરમિયાન ઈન્ડેક્સનું અંતિમ મૂલ્ય હજુ નક્કી થઈ રહ્યું હોવાથી તેનું સૂચક મૂલ્ય જાહેર કરવું યોગ્ય નથી. પરંતુ સેબીને મળેલા પ્રતિસાદોમાંતી મોટાભાગના સૂચનોમાં જણાવાયું હતું કે, અદ્યતન અને એક્સપર્ટ ટ્રેડિંગ ડેસ્ક પોતાની રીતે આ મૂલ્યની ગણતરી કરી શકે છે. જેથી ઈન્ડેક્સનું સાંકેતિક-ઈન્ડિકેટિવ મૂલ્ય જાહેર કરવાનું બંધ કરવાથી પારદર્શિતા ઘટશે, પરંતુ ભાવમાં ગેરરીતિ કરવાની ચિંતાનો ઉકેલ નહીં આવે, એવું પ્રતિસાદમાં જણાવાયું હતું.
હાલનું ટ્રેડિંગ સમયપત્રક યથાવત રહેવા સંભવ
પ્રાપ્ત પ્રતિસાદોમાં હાલનું ટ્રેડિંગ સમયપત્રક મોટાભાગે યથાવત રાખવા માટે પણ સમર્થન મળ્યું છે. તે મુજબ, સામાન્ય શેર બજારનું ટ્રેડિંગ બપોરે ૩:૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. ડેરિવેટિવ્ઝનું ટ્રેડિંગ બપોરે ૩:૪૫ વાગ્યા સુધી ચાલુ રહેશે. આ વ્યવસ્થા ભાવની યોગ્ય શોધ, એટલે કે સાચા બજાર ભાવ નક્કી થવામાં મદદરૂપ થશે. સાથે સાથે ડેરિવેટિવ્ઝ બજારને કેશ માર્કેટના ક્લોઝિંગ સમય સાથે વધુ સારી રીતે સુસંગત રાખી શકાશે.




