Business

ભારતના આર્થિક વિકાસ બાબતે પોઝિટિવ સૂર

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
મૂડી'સ બાદ S&P, OECD, ફિચ અને ADB જેવી વૈશ્વિક રેટિંગ એજન્સીઓએ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના GDP વૃદ્ધિ દરના અંદાજમાં વધારો કર્યો છે. મુંબઈમાં જાહેર થયેલા આ અહેવાલો અનુસાર, અપેક્ષા કરતાં વધુ સારી ઔદ્યોગિક પ્રવૃત્તિ, મજબૂત વપરાશ અને જૂન ક્વાર્ટરમાં સરકારી રોકાણમાં વધારો થતાં ભારતનો આર્થિક વિકાસ દર 6.60% થી વધારીને 7% કરાયો છે. આ દર્શાવે છે કે ભારતીય અર્થતંત્ર મજબૂત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતના આર્થિક વિકાસ બાબતે પોઝિટિવ સૂર

મૂડી'સ બાદ એસએન્ડપી, ઓઇસીડી, ફિચ તથા એડીબી દ્વારા વર્તમાન નાણાં વર્ષ માટેના જીડીપી અંદાજમાં વધારો કરાયો : ચોક્કસ પરિબળો અપેક્ષા કરતા વધૂ સારા
મુંબઈ : મૂડી'સ બાદ બીજી અન્ય વૈશ્વિક રેટિંગ એજન્સીઓએ વર્તમાન નાણાં વર્ષ માટેના ભારતના આર્થિક વિકાસ દરના પોતાના અંદાજમાં વધારો કર્યો છે જે ભારતનું અર્થતંત્ર મજબૂત હોવાના સંકેત પૂરા પાડે છે. જૂન ત્રિમાસિક ગાળામાં આર્થિક મોરચે સારી કામગીરીને ધ્યાનમાં રાખી એજન્સીઓ દ્વારા જીડીપી અંદાજ વધારાયા છે.
એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૬-૨૭ માટે ભારત માટેના પોતાના આર્થિક વિકાસ દરનો અંદાજ ૬.૬૦ ટકા પરથી વધારી સાત ટકા કર્યો છે. અપેક્ષા કરતા વધુ સારી ઔદ્યોગિક પ્રવૃત્તિ, ઊંચી ઉપભોગ માગ, નિકાસ મોરચે સારી સ્થિતિ તથા જૂન ત્રિમાસિકમાં સરકારના ઈન્વેસ્ટમેન્ટમાં વધારાને ધ્યાનમાં રાખી એસએન્ડપીએ અંદાજમાં વધારો કર્યો છે.
કેટલાક પરિબળો અમારી અપેક્ષા કરતા વિકાસને ઊંચા સ્તરે લઈ ગયા છે એમ એસએન્ડપી ગ્લોબલે એશિયા-પેસિફિક ઈકોનોમિક આઉટલુક પરના પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે.
જૂન ત્રિમાસિકમાં ભારતનો આર્થિક વિકાસ દર ૭.૮૦ ટકા આવ્યા બાદ એસએન્ડપીએ પોતાના અંદાજમાં ૪૦ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે.
ઓર્ગેનાઇઝેેશન ફોર ઇકોનોમિક કો.ઓેપરેશન એન્ડ ડેવલેપમેન્ટે(ઓઇસીડી) નાણાકિય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતના વિકાસ દરનો અંદાજ અગાઉના ૬.૩ ટકાથી વધારીને ૭.૧ ટકા કર્યો છે.
ફિચ રેટિંગ્સ પોતાના અંદાજને ૬.૪૦ ટકા પરથી વધારી ૬.૯૦ ટકા કર્યો છે. અપેક્ષા કરતા વધુ મજબૂત આર્થિક પ્રવૃત્તિ તથા અમેરિકા-ઈરાન સંઘર્ષને પરિણામે આવેલા ઊર્જા ભાવના આંચકા વચ્ચે ભારતીય અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહી શકયુ છે. જૂન ત્રિમાસિકમાં પોતે જે ધારતા હતા તેના કરતા વિકાસ નોંધપાત્ર મજબૂત જોવા મળી રહ્યો છે એમ ફિચે જણાવ્યું હતું.
આ ઉપરાંત એશિયન ડેવલપમેન્ટ બેન્કે (એડીબી) પણ વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના જીડીપી અંદાજને ૬.૬૦ ટકા પરથી વધારી ૭ ટકા કર્યો છે.
પશ્ચિમ એશિયા કટોકટીને કારણે પૂરવઠા ખલેલ પડી હોવા છતાં, વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતની આર્થિક કામગીરી અપેેક્ષા કરતા સારી રહેવા પામી છે.
મજબૂત ઈન્વેસ્ટમેન્ટ માગ, સ્થિતિસ્થાપક ઉપભોગ તથા ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં મજબૂત વૃદ્ધિના ટેકા સાથે પ્રથમ ત્રિમાસિકમાં આર્થિક વિકાસ દર ૭.૮૦ ટકા રહેવા પામ્યો છે એમ એડીબીએે તેના રિપોર્ટમાં ઉમેર્યુ હતું.
પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને ધ્યાનમાં રાખી રેટિંગ એજન્સી મૂડી'સ દ્વારા ગયા સપ્તાહમાં ભારતના આર્થિક વિકાસ દરના પોતાના અંદાજને ૬ ટકા પરથી વધારી સાત ટકા કર્યો હતો.
બ્રોકરેજ પેઢી જેફરિસના એક રિપોર્ટમાં વર્તમાન નાણાં વર્ષમાં ભારત ૬.૫૦-૭ ટકાના આર્થિક વિકાસ દર હાંસલ કરવાના માર્ગે હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.