Get The App

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન 1 - image
ફોટો સોર્સ: ફાઈલ તસવીર

The Pizza Hut Era Begins, Fresh Toppings, New Owners: વર્ષ 1990 અને 2000ના દાયકામાં લાખો ભારતીયો માટે ‘પિઝા હટ’ માત્ર એક રેસ્ટોરન્ટ નહોતું, પણ બર્થડે પાર્ટી, સ્કૂલની સફળતાની ઉજવણી અને ફેમિલી આઉટિંગનું એક ખાસ સરનામું હતું. એ દિવસોમાં આખા ભારતમાં પિઝા નવા નવા હતા, જેથી યુવાનોમાં તેની લોકપ્રિયતા પણ વધી રહી હતી. હવે આ લોકપ્રિય બ્રાન્ડના માલિક બદલાવા જઈ રહ્યા છે. પિઝા હટની પેરેન્ટ કંપની 'યમ બ્રાન્ડ્સે' આ વૈશ્વિક પિઝા ચેઈન આશરે રૂ. 25,650 કરોડમાં ( $2.7 બિલિયન)માં વેચવાની સત્તાવાર જાહેરાત કરી છે. ફાસ્ટ-ફૂડ માર્કેટમાં વધતી હરીફાઈ, ગ્રાહકોની બદલાતી આદતો અને મોંઘવારીના કારણે આ મોટો નિર્ણય લેવાયો છે.

પિઝા હટનો બિઝનેસ બે ભાગમાં વહેંચાશે 

આ સોદા અંતર્ગત પિઝા હટનો બિઝનેસ બે ભાગમાં વહેંચાઈ જશે. જેમાંથી ચીનનો હિસ્સો 'યમ ચાઇના હોલ્ડિંગ્સ' નામની કંપની $1.2 બિલિયનમાં ખરીદશે, અને તેનો વ્યવસાય ચીન પૂરતો સીમિત રહેશે. જ્યારે પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ 'લોંગરેન્જ કેપિટલ' બાકીના વૈશ્વિક બિઝનેસને $1.5 બિલિયનમાં હસ્તગત કરશે. તમામ જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ આ પ્રક્રિયા 2026ના ત્રીજા ક્વાર્ટરમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ ફેરફારથી યમ બ્રાન્ડ્સ હવે તેના વધુ નફો આપતા વ્યવસાયો જેમ કે ‘KFC’ અને ‘ટેકો બેલ’ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

ભારતમાં પિઝા હટ આઉટલેટ્સ ચાલુ રહેશે    

આ જાહેરાત બાદ શેરબજારમાં પણ સકારાત્મક માહોલ જોવા મળ્યો છે. યમ બ્રાન્ડ્સે $4 બિલિયનના શેર બાયબેકની જાહેરાત કરતા તેના શેરમાં 2% નો ઉછાળો આવ્યો હતો. ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે પિઝા હટ ક્યાંય ગાયબ નથી થઈ રહી, માત્ર તેનું મેનેજમેન્ટ નવા લોકોના હાથમાં જશે. ભારતમાં પણ પિઝા હટના તમામ આઉટલેટ્સ પહેલાની જેમ જ ચાલુ રહેશે. વર્ષ 1958માં શરૂ થયેલી અને દાયકાઓ સુધી ફાસ્ટ ફૂડ માર્કેટ પર રાજ કરનારી આ બ્રાન્ડ હવે નવા માલિકો સાથે કયો નવો વળાંક લે છે, તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: નાઈટ પેટ્રોલિંગ, ઝેરોક્ષ દુકાનો પર નજર... ગુજરાતમાં 'NEET-UG'ની પરીક્ષા માટે ચાંપતો બંદોબસ્ત

ચીનમાં પિઝા હટ આઉટલેટ્સ વધારશે 

છેલ્લાં કેટલાક સમયથી પિઝા હટ ડિલિવરી એપ્સ, સ્થાનિક બ્રાન્ડ્સ અને ગ્રાહકોની હેલ્ધી ફૂડ તરફની પસંદગીના કારણે સંઘર્ષ કરી રહી હતી. વેચાણમાં સતત ઘટાડો નોંધાયા બાદ કંપનીએ આ વર્ષે મે મહિનામાં જ વેચાણની વાટાઘાટો શરૂ કરી દીધી હતી. જો કે, નવા ખરીદારો આ ઐતિહાસિક બ્રાન્ડને ફરીથી વેગવંતી કરવા માટે ઉત્સાહિત છે. 'યમ ચાઇના' વર્ષ 2028 સુધીમાં ચીનમાં પિઝા હટના આઉટલેટ્સ વધારીને 6,000 થી વધુ કરવાની યોજના ધરાવે છે.