NEET-UG Exam: ગુજરાતમાં 21 જૂનના રોજ યોજાનારી મેડિકલ પ્રવેશ પરીક્ષા 'NEET-UG'ને શાંતિપૂર્ણ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે ગુજરાત પોલીસે કમર કસી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશકે(DGP) તમામ પોલીસ યુનિટોને બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાના આદેશ આપ્યા છે. સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠકમાં સમીક્ષા
DGP જી.એસ. મલિકની અધ્યક્ષતામાં એક મહત્ત્વની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડાઓ સાથે પરીક્ષાની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવાનો અને કડક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો હતો.
નોડલ ઑફિસર નિયુક્ત કરાયા
આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાના સુચારુ સંકલન માટે કાયદો અને વ્યવસ્થાના IGP મકરંદ ચૌહાણને 'સ્ટેટ નોડલ ઑફિસર' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ રાજ્યભરમાં નીટ પરીક્ષા સંબંધિત તમામ સુરક્ષા કાયદો અને વ્યવસ્થાના આયોજન પર સીધી દેખરેખ રાખશે.
પરીક્ષા કેન્દ્રો તેમજ ઝેરોક્ષ દુકાનો પર નજર
પોલીસ મુખ્યાલય દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ, પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોની સંખ્યાના આધારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલી તમામ ફોટોકોપી અને ઝેરોક્ષની દુકાનો પર પણ કડક દેખરેખ રાખવા અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)ના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા સૂચના અપાઈ છે.
ઉમેદવારોનું ચેકિંગ, વાલીઓ સાથે યોગ્ય વર્તન
પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા ઉમેદવારોનું સઘન પરંતુ સંવેદનશીલતાપૂર્વક ચેકિંગ કરવામાં આવશે, ખાસ કરીને વિદ્યાર્થિનીઓ માટે અલગ ચેકિંગ વ્યવસ્થા હશે. આ સાથે જ, કેન્દ્રો પર આવતા વાલીઓ સાથે પણ સભ્યોચિત વર્તન કરવા તાકીદ કરાઈ છે. ઉમેદવારોના મોબાઇલ, સ્માર્ટ વોચ અને અન્ય પ્રતિબંધિત ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સાચવવા માટે કેન્દ્રો પર અલગ અને સુરક્ષિત વ્યવસ્થા રાખવામાં આવશે.
રાત્રિ પેટ્રોલિંગ સઘન બનશે
ગેરરીતિઓ રોકવા માટે 20 જૂનના રોજ તમામ પોલીસ યુનિટના વડાઓ NTAના પ્રતિનિધિઓ સાથે મળીને પરીક્ષા કેન્દ્રોનું સંયુક્ત નિરીક્ષણ કરશે. આ ઉપરાંત, પરીક્ષા સામગ્રીના ગોપનીય વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને 19થી 21 જૂન દરમિયાન રાજ્યભરમાં રાત્રિ પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવશે.
સોશિયલ મીડિયા પર પોલીસની બાજ નજર
પરીક્ષાને લઈને કોઈપણ પ્રકારની અફવાઓ, ભ્રામક માહિતી કે ગેરમાર્ગે દોરનારા તત્વોને રોકવા માટે ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ મોનિટરિંગ વધારી દીધું છે. અફવા ફેલાવીને પરીક્ષા પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
યોગ દિવસ તેમજ પરીક્ષા બંને માટે અલગ બંદોબસ્ત
21 જૂને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' પણ હોવાથી, DGPએ સ્પષ્ટ સૂચના આપી છે કે યોગ દિવસના કાર્યક્રમો અને નીટ પરીક્ષા બંનેની સુરક્ષા માટે અલગ-અલગ પોલીસ સ્ટાફ ફાળવવામાં આવે, જેથી એક પણ કાર્યક્રમની વ્યવસ્થા પર તેની વિપરીત અસર ન પડે. આ કડક પગલાંનો ઉદ્દેશ્ય પરીક્ષાની વિશ્વસનીયતા જાળવી રાખવાનો અને વાલીઓ-વિદ્યાર્થીઓમાં વિશ્વાસ વધારવાનો છે.


