Business

નહીંતર 5000 રૂપિયા સુધીનો દંડ થશે! ફક્ત બે દિવસમાં પતાવી લેજો ITR ફાઈલિંગનું કામ

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
આવકવેરા વિભાગે ITR ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2026 નક્કી કરી છે. હવે માત્ર 2 દિવસ બાકી છે. સમયમર્યાદા લંબાવાની શક્યતા નહિવત હોવાથી, કરદાતાઓને વહેલી તકે રિટર્ન ભરવા અપીલ કરાઈ છે. 5 લાખથી વધુ આવકવાળાને 5,000 અને ઓછી આવકવાળાને 1,000 દંડ થશે. વિલંબથી વ્યાજ અને જેલની સજા પણ થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નહીંતર 5000 રૂપિયા સુધીનો દંડ થશે! ફક્ત બે દિવસમાં પતાવી લેજો ITR ફાઈલિંગનું કામ

File ITR Now, Avoid Penalties: જો તમે હજુ સુધી તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ નથી કર્યું, તો તમારા માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર છે. આવકવેરા વિભાગ દ્વારા વર્ષ 2026 માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી છે. હવે આ સમયમર્યાદા પૂરી થવામાં માત્ર આજે અને આવતીકાલે એમ ગણતરીના 2 દિવસ જ બાકી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે આ વખતે ડેડલાઇન લંબાવવાની શક્યતાઓ નહિવત જોવા મળી રહી છે. તેથી જો તમે સમયસર આ કામ પૂરું નહીં કરો, તો તમારે માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ કાયદાકીય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે.

આવકવેરા વિભાગનું સોશિયલ મીડિયા પર સતત એલર્ટ

ટેક્સપેયર્સ છેલ્લી ઘડીની હાલાકી અને ઓનલાઇન પોર્ટલ પરના ભારે ટ્રાફિકથી બચી શકે તે માટે આવકવેરા વિભાગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સતત એલર્ટ મેસેજ મોકલી રહ્યું છે. વિભાગે કરદાતાઓને વહેલી તકે રિટર્ન સબમિટ કરવા અપીલ કરી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ગયા અઠવાડિયા સુધીમાં દેશના આશરે 4 કરોડથી વધુ લોકો સફળતાપૂર્વક પોતાનું ITR ફાઇલ કરી ચૂક્યા છે.

ડેડલાઇન ચૂકી જશો તો લાગશે રૂ. 5000 સુધીની લેટ ફી

જો તમે 31 જુલાઈની નિર્ધારિત સમયમર્યાદા ચૂકી જશો, તો ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 234F હેઠળ લેટ ફી એટલે કે દંડ વસૂલવાની જોગવાઈ છે. નિયમો અનુસાર:

  • જે ટેક્સપેયર્સની વાર્ષિક કુલ આવક 5 લાખ રૂપિયાથી વધુ છે, તેમણે નિયત તારીખ પછી રિટર્ન ફાઇલ કરવા બદલ મહત્તમ 5,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.
  • જે કરદાતાઓની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા કે તેથી ઓછી છે, તેમના માટે આ દંડની રકમ 1,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

તારીખ ચૂકી ગયા બાદ પણ કરદાતાઓ 31 ડિસેમ્બર સુધી 'બિલેટેડ રિટર્ન' ફાઇલ કરી શકે છે, પરંતુ તે માટે આ દંડ ચૂકવવો ફરજિયાત રહેશે.

માત્ર દંડ જ નહીં, વ્યાજ અને જેલની પણ થઈ શકે છે સજા

સમયસર ITR ફાઇલ ન કરવાના કારણે માત્ર દંડથી જ વાત પૂરી થતી નથી. જો તમારો ટેક્સ બાકી નીકળતો હોય, તો સેક્શન 234A હેઠળ બાકી રકમ પર દર મહિને 1 ટકા લેખે વ્યાજ ચૂકવવું પડશે. આ ઉપરાંત, મોડા ફાઇલ કરાયેલા રિટર્નની પ્રોસેસિંગમાં ઘણો સમય લાગે છે, જેના કારણે ટેક્સ રિફંડ મેળવવામાં લાંબો સમય રાહ જોવી પડી શકે છે.

સૌથી ગંભીર બાબત એ છે કે જો કોઈ કરદાતા જાણીજોઈને પોતાની સાચી આવકની માહિતી છુપાવે છે અથવા ટેક્સ ચોરી કરવાનો પ્રયાસ કરે છે, તો આવકવેરા વિભાગ દ્વારા કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. ગુનાની ગંભીરતાના આધારે આવા કિસ્સાઓમાં 3 મહિનાથી લઈને 2 વર્ષ સુધીની જેલની સજાની પણ જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે. આથી, મુશ્કેલીઓથી બચવા માટે આગામી 2 દિવસમાં જ ટેક્સ સંબંધિત આ મહત્ત્વપૂર્ણ કામ પૂરું કરી લેવું હિતાવહ છે.