Business

OMG! બાંગ્લાદેશમાં 330 કિલો વાળની ચોરીથી સૌ કોઈ દંગ, જાણો કેવી રીતે ચાલે છે અબજો ડોલરનો કારોબાર

By GS Team
25 Aug 20264 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશના ચુઆડાંગા જિલ્લામાં હથિયારધારી લૂંટારુઓએ 330 કિલોગ્રામ માનવ વાળ ભરેલી વાન લૂંટી લીધી હતી. આ વાળની બજાર કિંમત 1 કરોડ ટકાથી વધુ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 આરોપીઓની ધરપકડ કરી અને લૂંટાયેલા તમામ 23 કોથળા વાળ રિકવર કર્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વિગ અને હેર એક્સટેન્શનની ભારે માંગને કારણે માનવ વાળનો વેપાર કરોડોમાં પહોંચ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

OMG! બાંગ્લાદેશમાં 330 કિલો વાળની ચોરીથી સૌ કોઈ દંગ, જાણો કેવી રીતે ચાલે છે અબજો ડોલરનો કારોબાર
AI Image

Huge Human Hair Heist Foiled: સામાન્ય રીતે લૂંટ કે ચોરીની ઘટનાઓમાં સોના-ચાંદી, રોકડ રકમ કે કિંમતી ઘરેણાંની લૂંટ થતી હોય છે, પરંતુ બાંગ્લાદેશમાં એક અત્યંત અજીબોગરીબ અને ચોંકાવનારો ગુનાહિત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં હથિયારોથી સજ્જ લૂંટારુઓની ટોળકીએ ધોળા દિવસે રસ્તા પરથી 330 કિલોગ્રામ માનવ વાળથી ભરેલી કવર્ડ વ્યાન લૂંટી લીધી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં વિગ અને હેર એક્સટેન્શનની ભારે માંગને કારણે લૂંટાયેલા આ વાળની બજાર કિંમત 1 કરોડ ટકા (બાંગ્લાદેશી ચલણ)થી પણ વધુ હોવાનું સામે આવ્યું છે. બાંગ્લાદેશની ન્યૂઝ એજન્સી દ્વારા સોમવારે આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. આ સનસનીખેજ લૂંટ બાદ સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને સમગ્ર વિસ્તારના હેર પ્રોસેસિંગ વેપારીઓમાં સુરક્ષાને લઈને ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

કરપસડાંગાથી પ્રોસેસિંગ માટે જઈ રહેલા વાળની વ્યાન હથિયારના જોરે લૂંટી

ચુઆડાંગા જિલ્લા પોલીસ દ્વારા જારી કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, આ ઘટના બાંગ્લાદેશના ચુઆડાંગા જિલ્લાના દમુરહુદા ઉપજિલ્લા હેઠળ આવેલા કોશાગાટા વિસ્તારમાં શનિવારે બપોરે આશરે 1:45 વાગ્યાના સુમારે બની હતી. આ કન્સાઇનમેન્ટ કરપસડાંગા સ્થિત હેર ફેક્ટરીમાંથી આગળના પ્રોસેસિંગ અને ટ્રેડિંગ માટે કવર્ડ વ્યાનમાં ભરીને લઈ જવામાં આવી રહ્યું હતું.

આ દરમિયાન રસ્તામાં 7થી 8 હથિયારધારી અજાણ્યા લૂંટારુઓએ અચાનક વ્યાનને આંતરીને રોકી લીધી હતી. લૂંટારુઓએ હથિયારો બતાવી ડ્રાઈવરને બંધક બનાવી લીધો હતો અને વાહનમાંથી માનવ વાળ ભરેલા 23 કોથળા બળજબરીપૂર્વક ઉતારીને ગણતરીની મિનિટોમાં ફરાર થઈ ગયા હતા. લૂંટાયેલો આ માલ કોઈ સામાન્ય દુકાન કે બ્યુટી પાર્લરનો નહોતો પરંતુ ફેક્ટરીમાંથી આગળ પ્રોસેસિંગ માટે લઈ જવાઈ રહ્યો હતો.

22 વેપારીઓનું હતું કન્સાઇનમેન્ટ: એસોસિએશન પ્રમુખે વ્યક્ત કરી ગંભીર ચિંતા

બાંગ્લાદેશ હેર પ્રોસેસિંગ સ્મોલ બિઝનેસ કો-ઓપરેટિવ એસોસિએશનના પ્રમુખ અતિયાર રહેમાન ટાગિદારના જણાવ્યા મુજબ લૂંટાયેલા આ 23 કોથળા કુલ 22 અલગ-અલગ વેપારીઓના હતા, જેનું કુલ વજન 330 કિલોગ્રામ હતું અને તેની બજાર કિંમત 1 કરોડ ટકા કરતાં પણ વધારે છે. તેમણે વધુમાં ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, ભલે ચોરાયેલો માલ પરત મળી ગયો હોય, પરંતુ ધોળા દિવસે હથિયારો સાથે બનેલી આ ઘટનાથી કરોડો રૂપિયાના હેર એક્સપોર્ટ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓની માલસામાન અને જાનમાલની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે.

દમુરહુદા પોલીસનું જોઈન્ટ ઓપરેશન: 2 આરોપી જેલભેગા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દમુરહુદા મોડેલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરીને આ ગુનામાં સંડોવાયેલા 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે:

  • મોહમ્મદ શાહિદુલ ઇસ્લામ (ઉંમર 47 વર્ષ): કવર્ડ વાનનો ડ્રાઈવર
  • સનવાર હુસૈન સંતુ (ઉંમર 39 વર્ષ): હેર ફેક્ટરી મેનેજર

દમુરહુદા મોડેલ પોલીસ સ્ટેશનની પોલીસે પુષ્ટિ આપી હતી કે બંને આરોપીઓની પૂછપરછના આધારે લૂંટાયેલા તમામ 23 કોથળા (330 કિલોગ્રામ માનવ વાળ) સફળતાપૂર્વક રિકવર કરી લેવામાં આવ્યા છે, જ્યારે આ લૂંટમાં સામેલ અન્ય ફરાર સાગરીતોની શોધખોળ હજુ ચાલુ છે.

શા માટે આટલો મોંઘો છે માનવ વાળનો વેપાર અને તેના વિવિધ ઉપયોગો?

માનવ વાળ હવે માત્ર બ્યુટી પાર્લરમાંથી નીકળતો કચરો નથી રહ્યો, પરંતુ સમગ્ર વિશ્વમાં તેનો મોટા પાયે વેપાર થઈ રહ્યો છે. તેને છૂટા પાડીને, સાફ કરીને અને પ્રોસેસ કરીને અનેકવિધ ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે:

  • વિગ: સમગ્ર માથા માટે નકલી વાળની વિગ તૈયાર કરવામાં આવે છે.
  • હેર એક્સટેન્શન: ટૂંકા કે પાતળા વાળને લાંબા અને ઘટ્ટ દેખાડવા માટે ઉપયોગી બને છે.
  • હેર પીસ / ટોપર: માથાના ખાલી કે ઓછા વાળ ધરાવતા ભાગને ઢાંકવા માટે વપરાય છે.
  • ચોટલો અને અંબોડો: વાળના શણગાર અને સુશોભન માટેના ઉત્પાદનો બનાવવા માટે.
  • ફેશન ઉદ્યોગ: વિવિધ પ્રકારની હેર ડિઝાઇન અને આકર્ષક સ્ટાઇલ માટે.
  • તબીબી ઉત્પાદનો: કુદરતી રીતે વાળ ગુમાવી ચૂકેલા દર્દીઓ માટે નેચરલ હેર પ્રોડક્ટ્સ તૈયાર કરવા.
  • ખરાબ કે ટૂંકા વાળ: સારી ગુણવત્તાવાળા લાંબા વાળની જેમ તેનો ઉપયોગ થતો નથી, પરંતુ તેને અલગ કેટેગરીમાં પ્રોસેસ કરવામાં આવે છે.

આ વેપારમાં ચીન સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ સેન્ટર છે. વર્ષ 2024માં ચીને માનવ વાળમાંથી બનેલી વિગ અને અન્ય પ્રોડક્ટ્સની આશરે 3.55 અબજ ડોલરની નિકાસ કરી હતી. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2025માં એકલા ચીને બાંગ્લાદેશ પાસેથી આશરે 15.3 કરોડ ડોલરના માનવ વાળ ખરીદ્યા હતા.

ભારતની કુલ નિકાસ અને સત્તાવાર આંકડા

વર્ષ 2024માં ભારતે HS 670300 કેટેગરી (જેમાં માનવ, પ્રાણી અને કૃત્રિમ વાળનો સમાવેશ થાય છે) હેઠળ કુલ 57.44 કરોડ ડોલરના પ્રોસેસ્ડ અને તૈયાર માનવ વાળની નિકાસ કરી હતી, જેનો કુલ જથ્થો આશરે 47.52 લાખ કિલોગ્રામ હતો. આ પૈકી 46.83 કરોડ ડોલરનો માલ એકલા ચીનમાં નિકાસ કરાયો હતો, જ્યારે બાંગ્લાદેશમાં ભારતની નિકાસ આશરે 48.99 લાખ ડોલર રહી હતી. ભારતના આ કેટેગરીના કુલ એક્સપોર્ટનો સૌથી મોટો હિસ્સો સીધો ચીન ગયો હતો, જ્યારે બાંગ્લાદેશ મોકલાયેલો જથ્થો આશરે 57,890 કિલોગ્રામ હતો. આ તમામ આંકડા વર્લ્ડ બેંકના WITS/UN Comtradeના વર્ષ 2024ના ટ્રેડ ડેટા પર આધારિત છે.

2024માં ચીનને માનવ વાળ નિકાસ કરનારા ટોપ 10 દેશો

1. ભારત: નિકાસ મૂલ્ય: 46.83 કરોડ ડોલર | જથ્થો: 43.21 કિલોગ્રામ
2. મ્યાનમાર: નિકાસ મૂલ્ય: 5.14 કરોડ ડોલર | જથ્થો: 47.66 કિલોગ્રામ
3. યુરોપિયન યુનિયન: નિકાસ મૂલ્ય: 74.20 લાખ ડોલર | જથ્થો: 21,018 કિલોગ્રામ
4. ઇટાલી: નિકાસ મૂલ્ય: 73.61 લાખ ડોલર | જથ્થો: 20,348 કિલોગ્રામ
5. હોંગકોંગ: નિકાસ મૂલ્ય: 13.57 લાખ ડોલર | જથ્થો: 43,480 કિલોગ્રામ
6. દક્ષિણ કોરિયા: નિકાસ મૂલ્ય: 9.70 લાખ ડોલર | જથ્થો: 862 કિલોગ્રામ
7. ઇન્ડોનેશિયા: નિકાસ મૂલ્ય: 6.61 લાખ ડોલર | જથ્થો: 1,50,531 કિલોગ્રામ
8. ચિલી: નિકાસ મૂલ્ય: 2.41 લાખ ડોલર | જથ્થો: 3,721 કિલોગ્રામ
9. અમેરિકા: નિકાસ મૂલ્ય: 2.12 લાખ ડોલર | જથ્થો: 4,901 કિલોગ્રામ
10. બ્રિટન: નિકાસ મૂલ્ય: 1.32 લાખ ડોલર | જથ્થો: 147 કિલોગ્રામ