Business

૩૨ લાખના ઉમેરા સાથે નવા ડીમેટ ખાતાની સંખ્યા સાત મહિનાની ટોચે

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: દેશના પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની તેજીને પગલે ઓગસ્ટમાં 32.70 લાખ નવા ડીમેટ ખાતા ખોલાયા છે. આમ, કુલ ડીમેટ ખાતાની સંખ્યા 23.77 કરોડ પર પહોંચી છે. છેલ્લા 7 મહિનામાં આ સૌથી વધુ વધારો છે. રિટેલ રોકાણકારો સારા વળતરથી આકર્ષાઈ રહ્યા છે. આગામી સમયમાં વધુ આઈપીઓ આવવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

૩૨ લાખના ઉમેરા  સાથે નવા ડીમેટ ખાતાની સંખ્યા સાત મહિનાની ટોચે

આઈપીઓની તેજીને પરિણામે ડીમેટ ખાતા ખોલાવવામાં ધસારો
મુંબઈ : દેશની પ્રાઈમરી માર્કેટમાં તેજીને પરિણામે ગત મહિને નવા ડીમેટ ખાતા ખોલાવવાની સંખ્યા સાત મહિનાની ટોચે રહી હતી. જાન્યુઆરીથી મેના ગાળામાં દર મહિને સતત ઘટાડો જોવાયા બાદ જૂનથી નવા ડીમેટ ખાતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
એનએસડીએલ તથા સીડીએસએલના ડેટા પ્રમાણે ઓગસ્ટમાં દેશમાં ૩૨.૭૦ લાખ નવા ડીમેટ ખાતા ખૂલ્યા છે. આ ઉમેરા સાથે ડીમેટ ખાતાની એકંદર સંખ્યા ૨૩.૭૭ કરોડ પર પહોંચી ગઈ છે. આ આંક એકંદર ડીમેટ ખાતાના છે જેમાં એક કરતા વધુ એકાઉન્ટ ધરાવતા રોકાણકારોનો પણ સમાવેશ થાય છે.
પેન કાર્ડ દીઠ ડીમેટ ખાતાની સંખ્યા (યુનિક ઈન્વેસ્ટર્સ) ૧૩.૫૦ કરોડ જેટલી છે. તાજેતરના મહિનાઓમાં ડીમેટ ખાતાની સંખ્યામાં થઈ રહેલા વધારા પાછળ પ્રાઈમરી માર્કેટમાં આવેલી રેલી રહ્યું છે. જાહેર ભરણામાં ફરી પાછા સારા વળતર મળવા લાગતા રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારો આઈપીઓ તરફ આકર્ષાઈ રહ્યા છે.ઓગસ્ટમાં ૨૩ આઈપીઓ મારફત કંપનીઓએ રૂપિયા ૨૨૪૫૦ કરોડ જેટલુ ભંડોળ ઊભુ કર્યું હતું.
આ ઉપરાંત જાહેર ભરણાં લાવવા માટે મંજુરી પ્રાપ્ત કરી ચૂકેલી અંદાજે ૩૦ જેટલી કંપનીઓ વર્તમાન મહિનામાં આઈપીઓ લાવવા માટે કતારમાં છે.
આ કંપનીઓની મુદત વર્તમાન મહિનાના અંતે સમાપ્ત થઈ રહી હોવાથી વર્તમાન મહિનામાં આઈપીઓ માટે ભારે ધસારો જોવા મળવાના સંકેત મળી રહ્યા છે.
વર્તમાન મહિનો દેશના પ્રાઈમરી માર્કેટમાં એકદમ વ્યસ્ત રહેવાની વિશ્લેષકો શકયતા જોઈ રહ્યા છે. ૨૦૨૬નું કેલેન્ડર વર્ષ પ્રાઈમરી માર્કેટ માટે ભંડોળ ઊભા કરવાની દ્રષ્ટિએ ઐંતિહાસિક બની રહેવાની પણ શકયતા જોવાઈ રહી છે.
વર્તમાન સપ્તાહમાં જ ૧૨ મેઈન બોર્ડ તથા ચાર એસએમઈ મળી કુલ ૧૬ કંપનીઓ રૂપિયા ૭૧૯૦ કરોડથી વધુનું ભંડોળ ઊભુ કરવા યોજના ધરાવે છે.