રોકાણકારોની સંખ્યામાં આઠ વર્ષથી ઓછા સમયમાં પાંચ ગણો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સૌથી વધુ ઉમેરો ઉત્તર ભારત વિસ્તારમાંથી જોવા મળ્યો
મુંબઈ : નાણાં વર્ષ ૨૦૧૯માં ૨.૭૦ કરોડની સરખામણીએ દેશમાં રજિસ્ટર્ડ ઈન્વેસ્ટરોની સંખ્યા હાલમાં પાંચ ગણી જેટલી વધી ૧૩.૨૦ કરોડ પર પહોંચી ગઈ છે. શેરબજાર કમાણીનો એક સરળ માર્ગ બની રહેતા રિટેલ રોકાણકારોના આકર્ષણમાં જોરદાર વધારો થયો છે જેને પરિણામે ઈન્વેસ્ટરોની એકંદર સંખ્યામાં વધારો થયો છે.
કોવિડ બાદના ગાળામાં રોકાણકારોનો ઉમેરો જે ટોચ પર જોવા મળ્યો હતો તે ગતિ હાલમાં ધીમી પડી ગઈ છે, એમ એનએસઈના જુલાઈના માર્કેટ પલ્સ રિપોર્ટમાં જણાવાયું છે.
હાલમાં રજિસ્ટર્ડ થયેલા દરેક પાંચ ઈન્વેસ્ટર્સમાંથી ચાર ઈન્વેસ્ટર્સ નાણાં વર્ષ ૨૦૧૯ બાદ બજારમાં પ્રવેશ્યા છે.
દેશમાં રજિસ્ટર્ડ ઈન્વેસ્ટરોની સંખ્યા એક કરોડ પર પહોંચવા માટે ૧૪ વર્ષનો સમય લાગી ગયો હતો. બીજા એક કરોડનો ઉમેરો ત્યારપછીના છ વર્ષમાં થયો હતો. છેલ્લા એક કરોડનો ઉમેરો છ મહિનામાં જ થયો હતો જેને પરિણામે રોકાણકારોનું સ્તર ૧૩ કરોડને પાર થઈ શકયુ છે.
રોકાણકારોની સંખ્યામાં સૌથી વધુ ઉમેરો ઉત્તર ભારત વિસ્તારમાંથી જોવા મળ્યો છે. નાણાં વર્ષ ૨૦૧૯થી નાણાં વર્ષ ૨૦૨૭માં અત્યારસુધી ઉત્તર ભારત વિસ્તારમાંથી ૪.૧૧ કરોડ રોકાણકારોનો ઉમેરો થયો છે.
૨.૧૦ કરોડ ઈન્વેસ્ટરો સાથે મહારાષ્ટ્ર સૌથી વધુ સંખ્યા ધરાવે છે. રોકાણકારોની કુલ સંખ્યામાંથી ૧૫.૫૦ ટકા મહારાષ્ટ્રમાં હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
શેરબજારમાં રજિસ્ટ્રેશન કરવાનું આસાન બનતા અને મૂડી બજારમાં રોકાણ માટે દેશમાં આવેલી જાગૃતિ રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યામાં વધારો થવા પાછળના કારણો રહેલા છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ૩૨.૮૦ લાખ રોકાણકારો ઉમેરાયા છે, જે ગયા નાણાં વર્ષના સમાન ગાળાની સરખામણીએ ૪ ટકા ઓછા છે અને ગત નાણાં વર્ષના માર્ચ ત્રિમાસિકની સરખામણીએ ૨૪ ટકા ઓછા છે.
વર્તમાન નાણાં વર્ષમાં મહિને સરેરાશ ઉમેરો ૧૦.૯૦ લાખ રહ્યો છે જે નાણાં વર્ષ ૨૦૨૬માં ૧૩.૫૦ લાખ અને નાણાં વર્ષ ૨૦૨૫માં ૧૭.૫૦ લાખ રહ્યો હતો.









