Business

ટોચના 10મૂલ્યવાન એક્સચેન્જોમાં NSEએ પ્રવેશ મેળવી ઇતિહાસ રચ્યો

By GS TEAM
28 Aug 20251 min read
ટોચના 10મૂલ્યવાન એક્સચેન્જોમાં NSEએ પ્રવેશ મેળવી ઇતિહાસ રચ્યો

અમદાવાદ : ભારતનું નેશનલ સ્ટોક એક્સચેન્જ હવે માત્ર દેશમાં જ નહીં પણ વિશ્વમાં પણ એક મોટું નામ બની ગયું છે. યુકે બ્રાન્ડ વેલ્યુએશન ફર્મ બ્રાન્ડ ફાઇનાન્સના રિપોર્ટ અનુસાર એનએસઈને પ્રથમ વખત વિશ્વની ટોચની ૧૦ સૌથી મૂલ્યવાન સ્ટોક એક્સચેન્જ બ્રાન્ડોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. એનએસઈ આ યાદીમાં નવમા સ્થાને પહોંચ્યું છે.

વર્ષ ૨૦૨૫માં એનએસઈનું બ્રાન્ડ મૂલ્ય ૩૯ ટકા વધીને ૫૨૬ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૪૩૦૦ કરોડ આસપાસ થયું છે અર્થાત એનએસઈનું નામ અને કમાણી બંને ઝડપથી વધી રહ્યા છે.

નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં એનએસઈએ રૂ. ૧૪,૭૮૦ કરોડની કમાણી કરી, જે ગત વર્ષ કરતા ૨૫ ટકા વધુ છે. તે જ સમયે, નફો પણ ૧૩ ટકા વધીને રૂ. ૮૩૦૬ કરોડ થયો છે.

આટલું જ નહીં, બ્રાન્ડ ફાઇનાન્સના બીજા રિપોર્ટમાં એનએસઈને વિશ્વની સાતમી સૌથી મજબૂત સ્ટોક એક્સચેન્જ બ્રાન્ડ જાહેર કરવામાં આવી છે. તેને ૧૦૦માંથી ૭૮.૧ પોઈન્ટ અને એએ પ્લસ રેટિંગ મળ્યું છે.

બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટ અનુસાર અમેરિકાનું નાસ્ડાક સૌથી મૂલ્યવાન સ્ટોક એક્સચેન્જ બ્રાન્ડ બની છે, જ્યારે હોંગકોંગ સ્ટોક એક્સચેન્જને વિશ્વની સૌથી મજબૂત બ્રાન્ડ જાહેર કરવામાં આવી છે. તેને ૧૦૦માંથી ૮૯.૧ સ્કોર અને એએએ રેટિંગ આપવામાં આવ્યું છે.