Business

પ્રથમ ત્રિમાસિક ગાળામાં NRI ડિપોઝિટ છ ગણી વધીને ૩૬ અબજ ડોલર પહોંચી

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદથી પ્રાપ્ત માહિતી અનુસાર, રિઝર્વ બેંકના ડેટા મુજબ, NRI ડિપોઝિટ FY27ના એપ્રિલ-જુલાઈમાં 678.2% વધી $36.24 અબજ થઈ. કન્સેશનલ સ્વેપ ફેસિલિટીને કારણે FCNR(B) ડિપોઝિટમાં મજબૂત પ્રવાહ રહ્યો. આઉટવર્ડ રેમિટન્સ 4.7% વધી $9.37 અબજ થયું, જેમાં વિદેશી રોકાણો મુખ્ય રહ્યા. જુલાઈ 2026ના અંતે કુલ NRI ડિપોઝિટ $200.89 અબજ નોંધાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રથમ ત્રિમાસિક ગાળામાં NRI ડિપોઝિટ છ ગણી વધીને ૩૬ અબજ ડોલર પહોંચી

વિદેશી રોકાણોમાં થયેલા વધારાને કારણે આઉટવર્ડ રેમિટન્સ વધીને ૯.૩૭ અબજ ડોલર
અમદાવાદ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેટા અનુસાર, વિદેશી ભારતીયો (એનઆરઆઈ) દ્વારા ડિપોઝિટ યોજનાઓમાં નાણાંનો પ્રવાહ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ (FY૨૭)ના એપ્રિલ-જુલાઈ સમયગાળામાં ૬૭૮.૨ ટકા વધીને ૩૬.૨૪ અબજ ડોલર થયો છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના સમાન સમયગાળામાં ૪.૬૬ અબજ ડોલર હતો.
આ ઉછાળો મુખ્યત્વે FCNR(B) ડિપોઝિટમાં મજબૂત પ્રવાહને આભારી છે. આ વધારો મુખ્યત્વે જૂન મહિનામાં રિઝર્વ બેંક દ્વારા શરૂ કરાયેલ કન્સેશનલ સ્વેપ ફેસિલિટી (રિયાયતી સ્વેપ સુવિધા)ને કારણે થયો હતો, જેના પરિણામે ૩૧ ઓગસ્ટ સુધીમાં ૧૩૩ અબજ ડોલરનું ભંડોળ એકત્ર થયું હતું.
આ ઉપરાંત, સમાન સમયગાળા દરમિયાન રહેવાસી વ્યક્તિઓ માટેની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ બહાર મોકલાતા નાણાં (આઉટવર્ડ રેમિટન્સ) વાર્ષિક ધોરણે ૪.૭ ટકા વધીને ૯.૩૭ અબજ ડોલર થયા હતા, જેમાં વિદેશી રોકાણો અગ્રેસર રહ્યા હતા. જુલાઈ ૨૦૨૬ના અંત સુધીમાં કુલ બાકી એનઆરઆઈ ડિપોઝિટ ૨૦૦.૮૯ અબજ ડોલર નોંધાઈ હતી. આ અગાઉ જુલાઈ ૨૦૨૫માં બાકી એનઆરઆઈ ડિપોઝિટ ૧૬૭.૮૬ અબજ ડોલર અને જૂન ૨૦૨૬માં ૧૬૮.૫૧ ડોલર અબજ હતી.
એપ્રિલ-જુલાઈના સમયગાળા દરમિયાન, FCNR(B)નો પ્રવાહ વાર્ષિક ધોરણે વધીને ૩૪.૫૩ અબજ ડોલરે પહોંચ્યો હતો. જુલાઈ મહિનામાં FCNR(B) ખાતાઓમાં બાકી રકમ વધીને ૬૮.૨૮ અબજ ડોલર થઈ હતી.
NRO ડિપોઝિટમાં પણ એપ્રિલ-જુલાઈ ૨૦૨૬ દરમિયાન ૧.૫૧ અબજ ડોલરનો પ્રવાહ નોંધાયો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૧.૪૭ અબજ ડોલર હતો. જુલાઈમાં NRO ડિપોઝિટની કુલ બાકી રકમ ૩૪.૫૯ અબજ ડોલર હતી.
વિદેશ પ્રવાસ અને શિક્ષણ પાછળના ખર્ચમાં ઘટાડો થયો હોવા છતાં, વિદેશી રોકાણોમાં થયેલા વધારાને કારણે આઉટવર્ડ રેમિટન્સ વધીને ૯.૩૭ અબજ ડોલર થયું હતું. ઇક્વિટી/ડેટમાં રોકાણ માટે મોકલાતા નાણાં બમણા થઈને ૧.૪ અબજ ડોલર થયા હતા.