IPO દ્વારા ભંડોળ એકત્ર કરવામાં રચાયેલો નવો વિક્રમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેઈનબોર્ડ અને એસએમઈ આઈપીઓએ સંયુક્ત રીતે રૂ. ૧ લાખ કરોડથી વધુ રકમ ઊભી કરી
અમદાવાદ : નાણાકીય વર્ષ ૨૭ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ) દ્વારા ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયા નવી ઊંચાઈએ પહોંચી છે. મોટા કદના ઈશ્યૂઓ, મજબૂત સ્થાનિક લિક્વિડિટી (તરલતા) અને અગાઉ મોકૂફ રખાયેલી ઓફરો બજારમાં આવવાને કારણે પ્રાઇમરી માર્કેટમાં તેજી જોવા મળી હતી, જેના પરિણામે કંપનીઓએ રૂ. ૧ લાખ કરોડથી વધુ રકમ એકત્ર કરી છે.
મેઈનબોર્ડ અને એસએમઈ આઈપીઓ એ સંયુક્ત રીતે રૂ. ૧ લાખ કરોડથી વધુ રકમ ઊભી કરી છે, જે કોઈપણ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ છે અને FY૨૬ના સમાન સમયગાળાની સરખામણીએ ૩૧% વધુ છે. કંપનીઓ અને શેરધારકોએ OFS રૂટ દ્વારા રૂ. ૬૭,૩૮૨ કરોડ મેળવ્યા હતા. જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ૧૦,૫૩૬ કરોડ હતા.
બજારના નિષ્ણાતોએ આ વિક્રમી ભંડોળ એકત્રીકરણ પાછળ મોટા ઈશ્યૂઓ, મજબૂત એન્કર સહભાગિતા અને માર્ચમાં પશ્ચિમ એશિયા સંઘર્ષ ફાટી નીકળ્યા પછી મોકૂફ રખાયેલા આઈપીઓના બેકલોગનું સંયોજન ગણાવ્યું હતું.
રેકોર્ડ સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ)ના યોગદાન દ્વારા પીઠબળ ધરાવતી મજબૂત સ્થાનિક લિક્વિડિટીએ નવા ઈશ્યૂઓ માટે મૂડીનો સ્થિર પ્રવાહ પૂરો પાડયો હતો. લિસ્ટિંગના જોરદાર ફાયદા અને મોટા ઈશ્યૂઓએ ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયાને વધુ વેગ આપ્યો હતો.
માર્ચમાં પશ્ચિમ એશિયા સંઘર્ષ શરૂ થયા પછી જે કંપનીઓએ તેમના આઈપીઓ મોકૂફ રાખ્યા હતા, તેમાંથી ઘણી કંપનીઓ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સેબીની ૩૦ સપ્ટેમ્બરે પૂર્ણ થતી વન-ટાઇમ એક્સટેન્શન છૂટનો લાભ લેવા બજારમાં ધસી આવી હતી.
ઘણા ઈશ્યૂ મુખ્યત્વે ઓફર ફોર સેલ આધારિત હતા, જેમાં વિદેશી રોકાણકારો સહિતના પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારોએ અગાઉ કરેલા રોકાણોને રોકડમાં ફેરવવા (નફો મેળવવા) માટે તેજીવાળા પ્રાઇમરી માર્કેટનો ઉપયોગ કર્યો હતો. ભૌગોલિક-રાજકીય ચિંતાઓને કારણે સમગ્ર ઇક્વિટી માર્કેટ દબાણ હેઠળ હોવા છતાં, મજબૂત લિસ્ટિંગ ગેઇન્સે (નફાએ) આ રેકોર્ડબ્રેક ભંડોળ એકત્રીકરણને ટેકો આપ્યો હતો.
પ્રથમ અર્ધવાર્ષિક ગાળો વિક્રમજનક રહ્યો હોવા છતાં, FY૨૭ના બાકીના સમયગાળામાં પણ આ જ ગતિ જળવાઈ રહેશે કે કેમ તે અંગે બજારના સહભાગીઓ સાવચેત વલણ ધરાવે છે.




