Get The App

દેશભરમાં કેબ ડ્રાઇવરોની હડતાળથી મુસાફરો બેહાલ, જાણો શું છે તેમની મુખ્ય માંગણીઓ?

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
દેશભરમાં કેબ ડ્રાઇવરોની હડતાળથી મુસાફરો બેહાલ, જાણો શું છે તેમની મુખ્ય માંગણીઓ? 1 - image


OLA-UBER Strike : એપ-આધારિત કેબ અને ડિલિવરી સેવાઓના લાખો ડ્રાઇવરોએ આજે 7 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે, જેના કારણે દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મહાનગરોમાં ઓલા-ઉબરના પૈડાં થંભી ગયા છે. શોષણ અને આવકની અસુરક્ષાના વિરોધમાં આયોજિત આ હડતાળને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેમ ગુસ્સે છે કેબ ડ્રાઇવરો?

તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન(TGPWU)ના નેતૃત્વમાં થઈ રહેલી આ હડતાળનું મુખ્ય કારણ સરકારની નવી ગાઇડલાઇન્સનો બિનઅસરકારક અમલ છે. ડ્રાઇવરોનું કહેવું છે કે કંપનીઓ એકતરફી રીતે ભાડું નક્કી કરીને તગડો નફો કમાઈ રહી છે, જ્યારે લાખો કામદારો ગરીબી તરફ ધકેલાઈ રહ્યા છે. યુનિયનોએ નીતિન ગડકરીને પત્ર લખીને ન્યૂનતમ બેઝ ભાડું નક્કી કરવાની અને ભાડાની સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકારી નિરીક્ષકની નિમણૂક કરવાની માંગ કરી છે.

ખાનગી વાહનો અને પૅનિક બટનનો વિવાદ

ડ્રાઇવરોની એક મોટી માંગ એ છે કે વ્હાઇટ નંબર પ્લેટ(ખાનગી વાહનો)નો વ્યવસાયિક ઉપયોગ તાત્કાલિક બંધ કરવામાં આવે, કારણ કે તેનાથી યલો પ્લેટ ધારકોની કમાણી પર સીધી અસર પડે છે. આ ઉપરાંત, કેબમાં પૅનિક બટન લગાવવાના નિયમમાં ફેરફારને કારણે ડ્રાઇવરોએ જૂના ઉપકરણો હટાવીને નવા લગાવવા માટે અંદાજે ₹12,000નો ખર્ચ કરવો પડી રહ્યો છે, જે તેમની આર્થિક કમર તોડી રહ્યો છે.

'ભારત ટેક્સી' બન્યું આશાનું કિરણ

દિલ્હીમાં હાલમાં જ લોન્ચ થયેલું સરકાર સમર્થિત કો-ઓપરેટિવ એપ 'ભારત ટેક્સી' ડ્રાઇવરો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ એપ ઝીરો કમિશન અને સર્જ પ્રાઇસિંગ વગર કામ કરવાનું વચન આપે છે, જેને ડ્રાઇવરો ઓલા-ઉબરના મજબૂત વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. નોંધનીય છે કે હડતાળને કારણે આજે ઘણી જગ્યાએ એપ પર સામાન્ય કરતાં 3-4 ગણું વધુ ભાડું જોવા મળી રહ્યું છે.