રિલાયન્સ AGM: JIOના IPOની સત્તાવાર જાહેરાત, અંબાણી પરિવારની નવી પેઢી કરશે આગેવાની
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mukesh Ambani Announces Reliance Jio IPO: લાંબા સમયની રાહ અને અટકળોનો અંત આવ્યો છે અને હવે રિલાયન્સ જિયોનું શેર બજારમાં લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 49મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને સંબોધતાં આ અંગેની સૌથી મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, જિયો પ્લેટફોર્મ્સના બોર્ડ દ્વારા આ મેગા IPO માટેના જરૂરી ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) મંજૂર કરી દેવામાં આવ્યા છે અને તેને આજે જ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે ફાઇલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. આ જાહેરાત સાથે જ ભારતના ઇતિહાસના સૌથી મોટા ગણાતા આ IPOનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. મહત્ત્વની વાત એ છે કે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા પોતાના IPOના પેપર્સ સબમિટ કરાયાના બરાબર એક દિવસ બાદ જ જિયો દ્વારા પણ આ મોટું પગલું ભરવામાં આવ્યું છે.
અંબાણી પરિવાર અને શેરધારકો માટે ભાવુક ક્ષણ
મુકેશ અંબાણીએ આ જાહેરાતને આખા રિલાયન્સ પરિવાર અને કરોડો શેરધારકો માટે ખૂબ જ ભાવુક ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે, 'રિલાયન્સ અને તેના રોકાણકારો વચ્ચેનો સંબંધ ગૌરવ, વિશ્વાસ અને સન્માનના પવિત્ર પાયા પર ટકેલો છે.' કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણીના વિઝનને યાદ કરતા તેમણે કહ્યું કે, 'શેરધારકોની કમાણી વધારવી અને તેમનો વિકાસ કરવો એ જ અમારા ગ્રુપનો મુખ્ય હેતુ રહ્યો છે. જે રીતે ધીરુભાઈ માટે આ બાબત ખૂબ જ ખાસ હતી, તેવી જ રીતે મારા માટે પણ શેરધારકો પ્રત્યેની આ પ્રતિબદ્ધતા એક પવિત્ર જવાબદારી સમાન છે.'
અંબાણી પરિવારની નેક્સ્ટ જનરેશન સંભાળશે કમાન
આ મેગા IPO પ્રક્રિયાની સૌથી મોટી હાઈલાઈટ એ છે કે, મુકેશ અંબાણીની નવી પેઢી આ આખી પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહી છે. મુકેશ અંબાણીએ શેરધારકોને જણાવ્યું કે, 'ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી આ જિયો IPOની પ્રક્રિયાની આગેવાની કરી રહ્યા છે. તેઓ જ ભવિષ્યમાં મૂલ્ય નિર્માણ (value creation)ની તકોનું નેતૃત્વ કરશે.' બજારના નિષ્ણાતો આ નિવેદનને રિલાયન્સના બિઝનેસમાં નવી પેઢીની મજબૂત પકડ અને નેતૃત્વના સંકેત તરીકે જોઈ રહ્યા છે.
શા માટે જિયોનો IPO દેશ અને દુનિયા માટે મહત્ત્વનો છે?
વર્ષ 2016માં શરૂ થયા પછી જિયોએ ભારતના ટેલિકોમ સેક્ટરની કાયાપલટ કરી નાખી છે અને આજે તે કરોડો ગ્રાહકો સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. માત્ર ટેલિકોમ જ નહીં, પણ જિયો હવે ડિજિટલ સર્વિસિસ, ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ક્ષેત્રોમાં પણ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. મુકેશ અંબાણીએ પૂરા ભરોસા સાથે જણાવ્યું હતું કે, 'જિયોનું લિસ્ટિંગ સમગ્ર વિશ્વને બતાવી આપશે કે ભારત વૈશ્વિક સ્તરની અને પાવરફુલ ટેક્નોલોજી કંપનીઓ બનાવવાની પૂરી ક્ષમતા ધરાવે છે.' આ સાથે જ તેમણે નવા રોકાણકારોને ખાતરી આપી છે કે જિયોનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે.
આ પણ વાંચો: અચાનક કેમ તૂટ્યું શેરબજાર? સેન્સેક્સમાં 800 તો નિફ્ટીમાં 200થી વધુ પોઇન્ટનો કડાકો
NSE અને જિયો લાવશે મેગા IPO
આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારતીય શેરબજારના પ્રાઇમરી માર્કેટમાં જબરદસ્ત તેજીનો માહોલ છે. નોંધનીય છે કે, લગભગ દસ વર્ષની લાંબી રાહ જોવડાવ્યા બાદ માત્ર એક જ દિવસ પહેલાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ પોતાના IPO માટેના પેપર્સ ફાઇલ કર્યા છે. હવે જિયોએ પણ આ દિશામાં મોટું કદમ ઉઠાવ્યું છે. જોકે, આ IPOની સાઇઝ કેટલી હશે, કંપનીનું વેલ્યુએશન શું હશે અને તે કઈ તારીખે શેરબજારમાં આવશે, તે સેબી (SEBI)ની મંજૂરી મળ્યા પછી જ જાણી શકાશે. પરંતુ એટલું ચોક્કસ છે કે ભારતીય મૂડીબજાર ટૂંક સમયમાં જ ઇતિહાસના બે સૌથી મોટા આઇપીઓનું સાક્ષી બનવા જઈ રહ્યું છે.









