3.50 લાખ કરોડની બૅંક ડિપોઝિટ મોદી સરકારે વિદેશીઓના ભરોસે મૂકી, નજીવી કિંમતે IDBI બૅંક વેચવાનો આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IDBI Bank Sold Controversy : ભારતના ઉદ્યોગોને વિકાસ માટે નાણાં આપવા સંસદમાં પસાર થયેલા કાયદા હેઠળ 1 જુલાઈ 1964માં સ્થપાયેલી અને 1976માં સીધી સરકારની માલિકી ટ્રાન્સફર થઈ તે આઈ.ડી.બી.આઈ. (ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા) કે જેમાં દેશવાસીઓના રૂ. 3,50,000 કરોડની ડિપોઝિટ પડી છે તે વિદેશી હાથમાં સોંપી દેવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે આ ઘટનાની ગંભીરતા સુપેરે સમજતા બેન્ક કર્મચારીઓમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે અને કાળી પટ્ટી બાંધીને વિરોધ કરાયો હતો.
ગુજરાતના બેન્ક કર્મચારી યુનિયને જણાવ્યું કે ગત તા. 14-10-2026ના ઓદ્યોગિક વિકાસ બેન્ક (આઈ.ડી.બી.આઈ.)ને માત્ર રૂ. 53 હજાર કરોડમાં વેચવાનો નિર્ણય નરેન્દ્ર મોદીની સરકારની કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેયર્સની બેઠકમાં લેવાયો હતો. જનતાના પૈસે ઉભી કરાયેલા બેન્ક હવે ખાનગી હાથોમાં જશે. ભારતના ઇતિહાસમાં આ એવી સરકાર છે જેણે 70 વર્ષમાં જ પ્રજાના પૈસે નિર્માણ થયેલી સંપતિનું નિલામ કર્યું છે. અગાઉ એર ઈન્ડિયાને માત્ર રૂ. 18 હજાર કરોડમાં ખાનગીકરણ બાદ દેશ માટે આ સૌથી મોટો ખોટો સોદો કરાયો છે.
કેનેડાની કંપનીની ‘ફેરફેક્સ ફાયનાન્શિયલ હોલ્ડિંગ્ઝની પેટા કંપની કેનેડા ઇન્ક.ને માત્ર રૂ. 52,808 કરોડની નજીવી કિંમતે આ તગડો નફો કરતી બેન્ક વેચી દીધી છે. આ બેન્કે ગત ત્રણ વર્ષમાં અનુક્રમે રૂ. 5600 કરોડ, 7500 કરોડ અને 9500 કરોડનો મોટો નફો કર્યો છે અને નફો કરતી બેન્ક વેચાઈ છે. આ બેન્કમાં સરકાર પાસે 45.47 ટકા અને એલ.આઈ.સી. પાસે 49.24 ટકા સહિત 94.72 ટકા હિસ્સો હતો જે હવે માત્ર 15 ટકા રહેશે. બેન્ક ઉપર 60.72 ટકા કબજો વિદેશી કંપનીનો રહેશે.
કર્મચારી સંગઠને જણાવ્યું કે આ સોદો એ બેન્કનું ખાનગીકરણ માત્ર નથી પરંતુ વિદેશીકરણ છે. આત્મનિર્ભરતાની વાતોથી તદ્દન વિપરીત આ નિર્ણય છે. સરકાર દેશમાં નફો કરતી અને અર્થતંત્ર માટે વ્યુહાત્મક મહત્વની બેન્કો વિદેશી રોકાણકારોને આપી દેવા માંગે છે અને જાહેરક્ષેત્રની બેન્કોને નબળી પાડવાનો વ્યૂહ છે.
ઇન્દિરા ગાંધી-કોંગ્રેસના શાસનમાં 20 મોટી બેન્કો રાષ્ટ્રીયકૃત થઈ હતી
આજે આઈડીબીઆઈ બેન્ક વિદેશ હાથમાં સોંપવાનો ગંભીર વિવાદ ચાલે છે ત્યારે બીજી તરફ સ્વ.વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસના શાસનકાળમાં બેન્કિંગ ક્ષેત્રનો દેશના ગ્રામ્ય વિસ્તારના ગરીબોને લાભ મળે તે હેતુ દર્શાવીને 19 જુલાઈ 1969ના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત 14 મોટી બેન્કો અને 15 એપ્રિલ 1980ના વધુ 6 બેન્કો સહિત 20 બેન્કો રાષ્ટ્રીયકૃત કરી ને સરકાર હસ્તક લીધી હતી. જો કે આ 20 બેન્કોમાં વધારો તો દૂરની વાત છે પરંતુ, એન.ડી.એ.શાસનમાં મર્જિંગ થતા 12 બેન્કો કાર્યરત રહી છે.




