કેતન પારેખના કેપિટલ ગ્રૂપપના ટ્રેડરોને હાશકારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મામલો નિર્ણય માટે અનામત રાખ્યા બાદ કેતન પારેખ દ્વારા બે ટ્રેડરોની ઊલટતપાસ કરવાની માંગણી કરવી યોગ્ય નથી
- સેબીએ કથિત ફ્રન્ટ રનિંગની સ્કિમથી થયેલા આશરે રૂ.૬૫.૭૭ કરોડના ગેરકાયેદસર નફાની વસૂલાત (ડિસગોર્જમેન્ટ) કરવાનો નિર્દેશ આપ્યો હતો
મુંબઈ : સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)એ કેતન પારેખ દ્વારા કેપિટલ ગ્રૂપના બે ટ્રેડરોની ઊલટતપાસ કરવાની માંગણીને લઈને દાખલ કરવામાં આવેલી અપીલ સોમવારે ફગાવી દીધી હતી. આ મામલો જાન્યુઆરી ૨૦૨૫માં સિકયોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા આપવામાં આવેલા વચગાળાના આદેશ સાથે સંબંધિત છે. સેબીએ કેતન પારેખ અને સિંગોપુર સ્થિત ટ્રેડર રોહિત સાલગાઓકરને એક અમેરિકા સ્થિત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર (એફપીઆઈ)ના શેર બજારાના સોદાઓમાં કથિત ફ્રન્ટ રનિંગ કરવા બદલ સિક્યોરિટીઝ માર્કેટમાંથી પ્રતિબંધિત કર્યા હતા.
આ અમેરિકન એફપીઆઈ વિશ્વભરમાં આશરે ૨.૫ અબજ ડોલરની એસેટ્સનું સંચાલન કરે છે.
સેબીએ કથિત ફ્રન્ટ રનિંગની સ્કિમથી થયેલા આશરે રૂ.૬૫.૭૭ કરોડના ગેરકાયેદસર નફાની વસૂલાત (ડિસગોર્જમેન્ટ) કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. જો કે, સેબીનો અગાઉનો આદેશ વચગાળાનો હતો અને આ મામલે તેનો અંતિમ આદેશ હજુ આવવાનો બાકી છે.
સેટના અધ્યક્ષ જસ્ટિસ પી.એસ.દિનેશ કુમારે મૌખિક આદેશમાં જણાવ્યું હતું કે, એકવાર મામલો નિર્ણય માટે અનામત રાખવામાં આવે ત્યાર બાદ અપીલકર્તા પાસે અંતિમ આદેશને પડકારવાનો જ અધિકાર રહે છે.
ટ્રિબ્યુનલે વધુમાં જણાવ્યું હતું કે, મામલો નિર્ણય માટે અનામત રાખ્યા બાદ કેતન પારેખ દ્વારા બે ટ્રેડરોની ઊલટતપાસ કરવાની માંગણી કરવી યોગ્ય નથી. તેથી તેમની અપીલ ફગાવવામાં આવે છે.
સેબીના જાન્યુઆરી ૨૦૨૫ના આદેશમાં બન્ને ટ્રેડરોના નામ પણ આપવામાં આવ્યા નહોતા. સેટ એ કહ્યું હતું કે, જો પારેખનો દાવો હોય કે સેબીએ એવી કોઈ બહારની અથવા વધારાની સામગ્રીનો ઉપયોગ કર્યો છે, જે કાર્યવાહી દરમિયાન તેમની સામે રજૂ કરવામાં આવી ન હતી, તો સેબી દ્વારા આપવામાં આવનારા અંતિમ આદેશને પડકારતી વખતે તે મુદ્દો ઉઠાવી શકાય છે.
આ કેસમાં સંબંધિત ટ્રેડરો રોહિત સાલગાઓકરના સંપર્કમાં હતા અને સાલગાઓકર કથિત ફ્રન્ટ રનિંગના મામલે કેતન પારેખના સંપર્કમાં હોવાનું સેબીએ જણાવ્યું હતું.
સેબીના આક્ષેપ મુજબ, વર્ષ ૨૦૦૦ના શેર બજાર કૌભાંડમાં ભૂમિકા બદલ અગાઉ ૧૪ વર્ષ શેર બજારમાંથી પ્રતિબંધિત કરવામાં આવેલા કેતન પારેખે નિયમનકારી દેખરેખથી દૂર રહીને શેર બજારના સોદાઓમાં ફ્રન્ટ-રનિંગ કરવાની નવી રીત ઊભી કરી હતી.




