3 દાયકાથી મંદી-ભાવ ઘટાડા સામે ઝઝૂમતા જાપાનમાં આર્થિક ઊલટફેર! 31 વર્ષ બાદ વ્યાજદરમાં મોટો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Japan Hikes Interest Rate to 31-Year High of 1.25% | દાયકાઓ સુધી જ્યાં પૈસા ઉધાર લેવા પર લગભગ શૂન્ય ટકા કે નેગેટિવ વ્યાજ મળતું હતું, તે જાપાનના અર્થતંત્રમાં અત્યારે મોટો વળાંક આવ્યો છે. જે દેશ ત્રણ દાયકા સુધી મોંઘવારી નહીં પણ મંદી અને ભાવ ઘટાડા સામે ઝઝૂમતો રહ્યો, તે આજે વધતી મોંઘવારી અને ગગડતા ચલણને સંભાળવા માટે વ્યાજદરો વધારી રહ્યો છે.
બૅન્ક ઓફ જાપાને શુક્રવારે પોતાના મુખ્ય વ્યાજદરમાં વધારો કરીને તેને 31 વર્ષની નવી ટોચે પહોંચાડી દીધો છે. આ નિર્ણય પાછળ વૈશ્વિક તણાવ, ઊર્જા કટોકટી અને અમેરિકાનું દબાણ મુખ્ય કારણ બન્યા છે.
31 વર્ષની ટોચે પહોંચ્યા વ્યાજદર: 1%થી વધારીને 1.25%
બૅન્ક ઓફ જાપાને શુક્રવારે વ્યાપક અપેક્ષા મુજબ પોતાનો મુખ્ય ધિરાણ દર 1% થી વધારીને 1.25% કરી દીધો છે. આ વ્યાજદર વર્ષ 1995 પછીનું સૌથી ઊંચું સ્તર છે. આ પગલા સાથે જાપાન દાયકાઓ જૂની અત્યંત સસ્તા વ્યાજદરની નીતિથી સંપૂર્ણપણે બહાર નીકળી ગયું છે.
જ્યારે કોઈ પણ દેશની સેન્ટ્રલ બૅન્ક વ્યાજદરમાં વધારો કરે છે, ત્યારે તેનું ચલણ રોકાણકારો માટે વધુ આકર્ષક બને છે અને કરન્સી મજબૂત થવાની સંભાવના રહે છે.
અઢી વર્ષમાં 6ઠ્ઠી વખત વધારો: નેગેટિવ રેટ્સથી શરૂ થયેલી સફર
બૅન્ક ઓફ જાપાન વર્ષ 2024થી સતત દરોમાં વધારો કરી રહી છે. વર્ષ 2024માં દેશનો પોલિસી રેટ માઇનસ 0.1% પર હતો. છેલ્લા અઢી વર્ષના સમયગાળામાં જાપાનની સેન્ટ્રલ બૅન્કે કુલ 6 વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. બૅન્ક વિશ્વના અન્ય મોટા અર્થતંત્રોના વ્યાજદરની સમકક્ષ પહોંચવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ કટોકટી: તેલ-ગેસના ભાવ ભડકે બળ્યા
વૈશ્વિક સ્તરે ઈરાન યુદ્ધના કારણે ઊર્જાના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે, જે વૈશ્વિક ફુગાવાને સતત ધકેલી રહ્યો છે. ખાસ કરીને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ શિપિંગ રૂટ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં કાર્ગો શિપમેન્ટ ખોરવાઈ જતાં ક્રૂડ ઓઇલ અને ગેસના આંતરરાષ્ટ્રીય ભાવો આસમાને પહોંચ્યા છે.
જાપાન પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મિડલ ઈસ્ટના દેશો પર નિર્ભર હોવાથી આ સપ્લાય વિક્ષેપની સીધી અને ગંભીર અસર તેના અર્થતંત્ર પર પડી છે.
ગ્લોબલ ટ્રેન્ડ: યુએસ ફેડ અને ECB પણ વ્યાજદર વધારવાની લાઈનમાં
મોંઘવારી માત્ર જાપાન પૂરતી સીમિત નથી, પરંતુ વિશ્વની તમામ મુખ્ય સેન્ટ્રલ બૅન્ક વ્યાજદર વધારવા મજબૂર બની છે. બુધવારે યુએસ ફેડરલ રિઝર્વે ત્રણ વર્ષથી વધુ સમય બાદ પ્રથમ વખત પોતાના બેન્ચમાર્ક વ્યાજદરમાં વધારો કર્યો છે. આ ઉપરાંત યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે પણ આ મહિનાની શરૂઆતમાં પોતાના બોરોઇંગ કોસ્ટમાં વધારો કર્યો હતો.
જાપાન સામે ત્રણ મોટા પડકારો અને મોંઘવારીના આંકડા
જાપાનનું અર્થતંત્ર હાલ ત્રણ ગંભીર મોરચે લડી રહ્યું છે:
- સતત નબળો પડી રહેલો યેન (જાપાની ચલણ)
- આયાતી ઊર્જાને કારણે વધતી મોંઘવારી
- ઘટતી જતી વર્કફોર્સ
3 દાયકા પછી જાપાનમાં આટલી મોંઘવારી
શુક્રવારે BOJ ની જાહેરાત પહેલા જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર ઓગસ્ટ મહિનામાં કોર ઇન્ફ્લેશન ઘટીને 1.7% નોંધાયો છે, જે અગાઉના મહિને 1.8% હતો. જોકે, આ દર સેન્ટ્રલ બેંકના 2% ના લક્ષ્યાંકની નજીક છે. આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ આ આંકડો મોટો ન લાગે, પરંતુ જાપાન માટે આ સ્થિતિ અસામાન્ય છે કારણ કે દેશે છેલ્લા 30 વર્ષથી નજીવી મોંઘવારી અથવા સતત ઘટતા ભાવો જોયા છે.
યેનને બચાવવા વોશિંગ્ટન-ટોક્યોનું સંયુક્ત ઓપરેશન અને અમેરિકન દબાણ
ઓગસ્ટ મહિનામાં જાપાની યેન ગગડીને 40 વર્ષના તળિયે પહોંચી ગયો હતો. ચલણનું પતન રોકવા માટે ટોક્યો અને વોશિંગ્ટને સંયુક્ત રીતે ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગીરી કરી હતી. વર્ષ 2011 માં આવેલા ભયાનક ભૂકંપ અને સુનામી બાદ બંને દેશોએ સાથે મળીને દરમિયાનગીરી કરી હોય તેવી આ પ્રથમ ઘટના હતી.
જાપાનના નાણા મંત્રાલય અને યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ બંનેએ સ્પષ્ટ કર્યું હતું કે જરૂર પડ્યે ભવિષ્યમાં પણ આવા સંયુક્ત હસ્તક્ષેપ કરવામાં આવશે.
દાયકાઓ સુધી સસ્તા નાણાંની નીતિ પર નિર્ભર રહેલું જાપાન હવે વૈશ્વિક આર્થિક વાસ્તવિકતાઓ સામે ઝૂકવા મજબૂર બન્યું છે. સવાલ એ ઊભો થાય છે કે વ્યાજદર વધારીને યેનને સ્થિર કરવાના આ પ્રયાસો શું જાપાનના સ્થાનિક બિઝનેસ અને વૈશ્વિક કેરી-ટ્રેડ રોકાણો પર મોટો બ્રેક લગાવશે?




