ભારત કેન્દ્રીત વિદેશી ફન્ડોમાંથી રોકાણકારોની સતત પીછેહઠ જારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડોલરમાં મજબૂતાઇ તથા પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતા જેવા કારણોસર રોકાણ પાછા ખેંચાયા
મુંબઈ : ભારત કેન્દ્રીત વિદેશી ફન્ડોમાંથી વિદેશી રોકાણકારોએ નાણાં પાછા ખેંચી લેવાનું જૂન ત્રિમાસિકમાં પણ ચાલુ રાખ્યુ હતું. ઘરઆંગણે ઈક્વિટી માર્કેટમાં સુધારો છતાં, વિદેશી રોકાણકારો પોતાના રોકાણ પાછા ખેંચી રહ્યાનું જોવા મળી રહ્યું છે.
ઊંચા મૂલ્યાંકનો, ભૌગોલિરાજકીય તાણ અને વૈશ્વિક બૃહદ્ આર્થિક અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક રોકાણકારો જે ફન્ડો મારફત ભારતીય ઈક્વિટીસમાં નાણાં રોકી રહ્યા છે તેમનું માનસ હાલમાં ખરડાયેલુ છે.
એક રિસર્ચ પેઢીના રિપોર્ટ પ્રમાણે, ભારત કેન્દ્રીત વિદેશી મ્યુચ્યુઅલ ફન્ડસ અને એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માંથી જૂન ત્રિમાસિકમાં અંદાજે ૪.૬૬ અબજ ડોલરનો નેટ આઉટફલોસ રહ્યો છે જે માર્ચ ત્રિમાસિકમાં પાંચ અબજ ડોલર રહ્યો હતો.
જૂન ત્રિમાસિકમાં સેન્સેકસમાં સાત ટકા વધારો થયો હતો. આ ઉપરાંત મિડકેપ ૧૭ ટકાથી વધુ અને સ્મોલકેપ ૨૯ ટકાથી વધુ ઊંચકાયા હતા. આમછતાં ભારત કેન્દ્રીત ફન્ડોમાંથી રોકાણકારો પોતાના રોકાણ પાછા ખેંચી રહ્યા છે.
ભારતીય ઈક્વિટીસમાં રેલીને પરિણામે ભારત કેન્દ્રીત વિદેશી ફન્ડસ તથા ઈટીએફસની એસેટસનું મૂલ્ય જૂન ત્રિમાસિકમાં વધી ૮૦.૨૦ અબજ ડોલર પહોંચ્યુ હતુ જે માર્ચ ત્રિમાસિકમાં ૭૭.૧૦ અબજ ડોલર જોવા મળ્યું હતું.
અમેરિકન ટ્રેઝરી પર યીલ્ડસમાં વધારો, ડોલરમાં મજબૂતાઈ, ઊંચા મૂલ્યાંકનો તથા પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતા જેવા કારણોસર ભારત કેન્દ્રીત ફન્ડોમાંથી રોકાણકારો પીછેહઠ કરી રહ્યા છે.
માત્ર ભારત કેન્દ્રીત વિદેશી ફન્ડોમાંથી આઉટફલો ઉપરાંત ભારતીય મૂડી બજારમાં કાર્યરત વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ જૂન ત્રિમાસિકમાં નેટ વેચવાલ રહ્યા હતા. આ રોકાણકારોનો એકંદર નેટ આઉટફલોસ ૧૫.૧૦ અબજ ડોલર રહ્યો હતો.
જો કે તેમના રોકાણનું મૂલ્ય ત્રણ મહિનામાં ૬૬૦ અબજ ડોલર પરથી વધી ૭૨૬ અબજ ડોલર રહ્યુ હતું.
ભારતીય ઈક્વિટીસની માર્કટ કેપમાં તેમનો હિસ્સો જે માર્ચ ત્રિમાસિકના અંતે ૧૫.૧૫ ટકા હતો તે જૂન ત્રિમાસિકના અંતે ઘટી ૧૪.૪૮ ટકા રહ્યો છે.









