ફુગાવાની ચિંતા: ખાદ્ય તેલ પરની આયાત ડયૂટી ઘટાડવા વિચારણા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારો દરમિયાન વનસ્પતિ તેલ સસ્તુ બનાવવા હિલચાલ
મુંબઈ : ઓગસ્ટ મહિનાના ફુગાવાના આંક ઊંચા આવ્યા બાદ સરકાર દેશમાં ખાદ્યપદાર્થોની કિંમતમાં ઘટાડો કરવાના માર્ગો તપાસી રહી છે. આ તપાસના ભાગરૂપ વનસ્પતિ તેલ પરની આયાત ડયૂટી ઘટાડવાની વિચારણા શરૂ થઈ હોવાનું સરકારી સુત્રો જણાવી રહ્યા છે. ભારત વનસ્પતિ તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે.
છેલ્લા એક વર્ષમાં વનસ્પતિ તેલના ભાવમાં વીસ ટકા જેટલો વધારો થયો છે અને સપ્ટેમ્બરથી નવેમ્બરના સમયગાળામાં દેશમાં આવી રહેલા વિવિધ તહેવારો દરમિયાન ખાદ્ય તેલની માગમાં વધારો થવાની શકયતાને ધ્યાનમાં રાખી સરકાર તેના પરની આયાત ડયૂટી ઘટાડવા વિચારી રહી છે.
ગણપતિ ઉપરાંત નવરાત્રી તથા દિવાળીના તહેવારમાં ખાદ્ય તેલના ઘરવપરાશમાં વધારો થાય છે.
કેટલાક ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારાને પરિણામે ખાદ્ય પદાર્થનો એકંદર ફુગાવો ઓગસ્ટમાં વધી ૫.૬૬ ટકા પહોંચી ગયો છે.
ભારતમાં વનસ્પતિ તેલની માગ વધવા સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં તેના ભાવ ઊંચે જતા હોય છે. આ હકીકતને ધ્યાનમાં રાખી ઘરઆંગણે ભાવ નીચા રાખવા પણ સરકાર યોજના ધરાવે છે.
દેશમાં વનસ્પતિ તેલની ૬૫ ટકા માગ આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે. પામ ઓઈલ, સોયા ઓઈલ તથા સનફલાવર ઓઈલની ખરીદી મલેશિયા, ઈન્ડોનેશિયા, યુક્રેન, રશિયા તથા આર્જેન્ટિના ખાતેથી કરવામાં આવે છે.
રશિયા-યુક્રેન યુદ્ધ ઉપરાંત અલ નિનોને કારણે હવામાનમાં ખલેલ પડતા ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. ઊંચા ભાવ સામેથી ગ્રાહકોને રક્ષણ પૂરુ પાડવાના હેતુ સાથે સરકાર આયાત ડયૂટી ઓછી કરવા ઈરાદો ધરાવે છે.
ભારતમાં ક્રુડ પામ ઓઈલ, સોયા ઓઈલ તથા સનફલાવર તેલ પર અસરકારક ઈમ્પોર્ટ ડયૂટી ૧૬.૫૦ ટકા જેટલી થવા જાય છે.




