Business

સોનાના વૈશ્વિક 23 ટ્રિલિયન ડોલરના બજારમાં ભારતનો હિસ્સો 15 ટકા

By GS TEAM
10 Jul 20251 min read
સોનાના વૈશ્વિક 23 ટ્રિલિયન ડોલરના બજારમાં ભારતનો હિસ્સો 15  ટકા

મુંબઈ : ૨૩ ટ્રિલિયન ડોલરની વૈશ્વિક ગોલ્ડ બજારમાં ભારતનો હિસ્સો ૧૫ ટકા છે એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું. વૈશ્વિક ફોરેકસ રિઝર્વનો આંક ૧૨.૫૦ ટ્રિલિયન ડોલર છે જ્યારે  વર્તમાન વર્ષના ૨૭ જૂનના સપ્તાહના અંતે ભારતના ફોરેકસ રિઝર્વનો આંક ૭૦૨.૭૮ અબજ ડોલર રહ્યો હતો.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પાસે હાલમાં ૮૮૦ ટન ગોલ્ડ રિઝર્વ પડયું હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે. 

અત્યારસુધી ખાણમાંથી બહાર કઢાયેલા સોનામાંથી ૬૫ ટકા સોનાનું જ્વેલરીમાં રૂપાંતર થયેલું છે જ્યારે ગ્લોબલ રિઝર્વના પાંચ ટકા પણ જો સોના તરફ વળી જાય તો સોનાના ભાવમાં નોંધપાત્ર રેલી જોવા મળી શકે છે. જો કે આટલી માત્રામાં ગ્રહણ કરી શકાય તેટલુ સોનુ ઉપલબ્ધ નહીં હોવાની પણ રિપોર્ટમાં નોંધ કરવામાં આવી છે.

હાલની વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોનું એક વિશ્વસ્નિય વૈક્લ્પિક રોકાણ સાધન બની રહ્યું છે. 

૨૦૨૪માં વિશ્વની વિવિધ કેન્દ્રીય બેન્કોએ કુલ ૮૪ અબજ ડોલરના મૂલ્ય જેટલા સોનાની ખરીદી કરી હતી જ્યારે ૨૦૦૦થી ૨૦૧૬ સુધીના સોળ વર્ષના ગાળામાં આ બેન્કોએ ૮૫ અબજ ડોલરના મૂલ્યના સોનાની ખરીદી કરી હતી. 

એક જ વર્ષમાં સોનાની આટલી જંગી માત્રામાં ખરીદી મોટાભાગના દેશો પોતાના રિઝર્વમાં ડોલર સિવાયની એસેટસ પણ જાળવવા માગતા હોવાનું સૂચવે છે.