Business

ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે : WGC

By GS Team
26 May 20262 mins read
ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે :  WGC

- 2013 અને 2019 વચ્ચે સરેરાશ 34 ટન પ્રતિ ક્વાર્ટર રહી અને હવે 2026માં ઈમ્પોર્ટ વધારા પછી સાવચેતી જરૂરી

અમદાવાદ : સરકારે સોના પરની આયાત ડયુટી ૬ ટકાથી વધારીને ૧૫ ટકા કર્યા પછી ૨૦૨૬માં ભારતમાં સોનાની માંગમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલ મુજબ આ વર્ષે ઘરેણાં, સોનાના બાર અને સિક્કાઓની સંયુક્ત માંગમાં આશરે ૫૦-૬૦ ટનનો ઘટાડો થઈ શકે છે, જે ગયા વર્ષની તુલનામાં લગભગ ૧૦ ટકાનો ઘટાડો છે.

અહેવાલમાં જણાવાયું છે કે આયાત ડયુટીમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. ભાવમાં વધઘટ, આવક સ્તરમાં ફેરફાર, ફુગાવો અને ચોમાસા જેવા પરિબળો પણ માંગને પ્રભાવિત કરશે. ડબલ્યુજીસી અનુસાર સોનાના દાગીનાની માંગ પ્રમાણમાં સ્થિર રહે છે કારણકે તે લગ્નો અને સામાજિક પરંપરાઓ સાથે સંકળાયેલી છે, જ્યારે રોકાણ માંગ - જેમ કે સોનાના સિક્કા અને બાર - નીતિગત ફેરફારો અને આયાત ડયુટી પ્રત્યે વધુ સંવેદનશીલ છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આયાત જકાતમાં ફેરફારની અસર ફક્ત ટૂંકા ગાળાની જ નહીં પણ લાંબા ગાળાની પણ છે. એકવાર દાણચોરી અથવા અનધિકૃત સપ્લાય નેટવર્ક સ્થાપિત થઈ જશે, પછી આ ગેરકાયદેસર આયાતજાળને તોડી પાડવી મુશ્કેલ બનશે તેથી સરકારે સાવચેતીપૂર્વક આગળ વધવું પડશે.

વિશ્લેષણમાં ડબલ્યુજીસીએ જણાવ્યું કે ૨૦૧૩માં ડયુટી વધારા પછી અનધિકૃત સોનાની આયાત આશરે ૧૦ ટનથી વધીને ૭૦ ટન થઈ ગઈ હતી. ત્યારબાદ ૨૦૧૩ અને ૨૦૧૯ વચ્ચે તે સરેરાશ ૩૪ ટન પ્રતિ ક્વાર્ટર રહી હતી. તેવી જ રીતે ૨૦૨૨માં ડયુટી વધારા પછી પણ ગેરકાયદેસર આયાતમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો.