'ટેરિફ ટેરર' વચ્ચે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા, અર્થતંત્રમાં વિકાસ માટે સકારાત્મક સંકેત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GDP News: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ 2025માં ભારત જ નહીં આખી દુનિયાને જંગી ટેરિફની ધમકી આપી હતી. એટલું જ નહીં ભારતીય અર્થતંત્રને 'ડેડ ઈકોનોમી' ગણાવી હતી ત્યારે ટ્રમ્પના નિવેદનોને અવગણીને ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં 7.8 ટકાનો જીડીપી વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે 6.7 ટકાના અંદાજ કરતાં વધુ રહ્યો છે. વધુમાં એપ્રિલ-જૂનનો વૃદ્ધિદર છેલ્લા પાંચ ત્રિમાસિકમાં સૌથી ઝડપી રહ્યો છે. કૃષિ સેક્ટરની સાથે વેપાર, હોટેલના સારા દેખાવે વૃદ્ધિમાં મદદ કરી છે.
ટ્રમ્પે બે એપ્રિલે લિબરેશન ડે પર ભારત સહિત 200 દેશો પર જંગી ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી, જે 9 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ પાછળથી તેની ડેડલાઈન અનેક વખત લંબાવવામાં આવી અને અંતે ૭ ઑગસ્ટથી ભારત પર 25 ટકા ટેરિફનો અમલ ચાલુ થયો, જેને વધારીને 27 ઑગસ્ટથી 50 ટકા કરી દેવાયો છે.
ટ્રમ્પની ટેરિફની ધમકીઓ અને ભારતને ટેરિફ કિંગ ગણાવવાના 'આતંકી' નિવેદનો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રે અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવી છે. ગયા વર્ષની સરખામણીમાં 2025-26ના પહેલા ત્રિમાસિક એપ્રિલ-જૂનમાં ભારતે 7.8 ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો છે, જે ગયા વર્ષે સમાન સમયમાં 6.5 ટકા હતો. નાણાકીય વર્ષ 24-25ના ચોથા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિદર 7.4 ટકા હતો. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિકમાં વાસ્તવિક જીડીપી અંદાજે રૂ. 47.98 લાખ કરોડ હતો, જ્યારે 2024-25ના સમાન સમયમાં રૂ. 44.42 લાખ કરોડ હતો, જે 7.8 ટકાનો વૃદ્ધિદર દર્શાવે છે.
સરકારી આંકડા મુજબ આ પહેલાં સૌથી ઝડપી વૃદ્ધિદર જાન્યુઆરી-માર્ચ 2024માં 8.4 ટકા રહ્યો હતો. એપ્રિલ-જૂન ૨૦૨૫ના સમયમાં ચીનનો જીડીપી દર 5.2 ટકા રહ્યો હતો જ્યારે ભારત દુનિયાના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાંનું એક હતું.
વર્તમાન રિપોર્ટ મુજબ ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ 2025-26ની શરૂઆતમાં સારી ગતિથી આગળ વધી રહ્યું છે. વિશેષરૂપે સેવા ક્ષેત્રમાં તેજી, સતત રોકાણ અને સરકારી ખર્ચમાં ઉછાળો સકારાત્મક સંકેત આપે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પહેલા ત્રિમાસિકમાં વાસ્તવિક જીડીપીમાં 7.8 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.
એ જ રીતે સેવા ક્ષેત્રમાં શાનદાર વૃદ્ધિના કારણે ભારતીય અર્થતંત્રે સમાન સમયમાં 7.6ટકાનો વાસ્તવિક જીવીએ ગ્રોથ પણ નોંધાવ્યો છે.
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ)ના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ત્રિમાસિકમાં નોમિનલ જીડીપી રૂ. 86.05 લાખ કરોડ હતો, જે 2024-25માં સમાન સમયમાં રૂ. 79.08 લાખ કરોડ હતો, જે 8.8 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કૃષિ અને તેના સંબંધિત સેક્ટરમાં વાસ્તવિક જીવીએ ગ્રોથ રેટ 3.7 ટકા રહ્યો જ્યારે ગયા નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં 1.5 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
સેકન્ડરી સેક્ટર વિશેષરૂપે મેન્યુફેક્ચરિંગમાં 7.7 ટકા અને ઉત્પાદનમાં 7.6 ટકાએ સમાન ત્રિમાસિકમાં સ્થિર મૂલ્યો પર 7.5 ટકાથી વધુનો વૃદ્ધિદર નોંધાવ્યો છે. જોકે, ખાણ ક્ષેત્રમાં માઈનસ 3.1 ટકા અને વીજળી, ગેસ, જળ પૂરવઠા તથા અન્ય ઉપયોગી સેવા ક્ષેત્રમાં 0.5 ટકાનો વૃદ્ધિદર નોંધાયો છે. વાસ્તવિક અંગત અંતિમ ઉપભોગ (પીએફસીઈ) ખર્ચ 2025-26ના પહેલા ત્રિમાસિકમાં 7.0 ટકા વૃદ્ધિ નોંધાવી છે જ્યારે ગયા વર્ષે સમાન સમયમાં 8.3 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.









