નાણાકીય વર્ષ 2025-26માં ભારત 7.4 ટકાના દરે આગળ વધશે, સરકારી આંકડા જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India GDP : કેન્દ્ર સરકારે જીડીપીનો ઉત્સાહજનક ડેટા જાહેર કર્યો છે, જેનાથી નાણાંકીય વર્ષ 2025-2026માં દેશની પ્રગતિમાં વધારો થવાની આશા જાગી છે. વર્ષ 2024-25માં ભારતનો જીડીપી દર 6.5 ટકા હતો, ત્યારે કેન્દ્ર સરકારે જાહેર કરેલા નવા આંકડા મુજબ 25-26માં જીડીપી દર 7.4% પર પહોંચવાનો અંદાજ છે. આ નવો ડેટા દેશની આર્થિક પ્રવૃત્તિઓ તેજીથી આગળ વધી રહી હોવાના સંકેત છે.
મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરે રફ્તાર પકડી
મંત્રાલયના અહેવાલ અનુસાર, આ આર્થિક વિકાસ પાછળ મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનું શ્રેષ્ઠ પ્રદર્શન જવાબદાર છે. મેન્યુફેક્ચરિંગ અને બાંધકામ ક્ષેત્રમાં આ વર્ષે 7 ટકાની વૃદ્ધિ થવાનો અંદાજ છે. આ ઉપરાંત સેવા ક્ષેત્રમાં ચાલી રહેલી જબરદસ્ત તેજીના કારણે ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) વૃદ્ધિ દર 7.3 ટકા સુધી પહોંચવાની ધારણા છે. આ બંને ક્ષેત્રો ભારતીય અર્થતંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
આ પણ વાંચો : સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ : મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં વધીને 60% થવાની શક્યતા
કૃષિ ક્ષેત્રમાં મધ્યમ વૃદ્ધિ
ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રની સરખામણીમાં કૃષિ અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં વૃદ્ધિની ગતિ થોડી ધીમી રહેવાની શક્યતા છે. વીજળી, ગેસ, પાણી પુરવઠો અને અન્ય ઉપયોગિતા સેવાઓમાં પણ 31 માર્ચ સુધીમાં મધ્યમ વૃદ્ધિનો અંદાજ છે. બીજી તરફ, વર્તમાન ભાવો પર આધારિત નોમિનલ જીડીપી 2025-26 દરમિયાન 8 ટકાના દરે વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
બજેટ પહેલા સારા સંકેત
આગામી 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટની તૈયારીમાં આ અંદાજો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવશે. સરકાર આ આંકડાઓને આધારે પોતાની ભાવિ આર્થિક નીતિઓ ઘડશે. 7.4 ટકાનો અનુમાનિત વૃદ્ધિ દર બજેટ પહેલા સરકાર અને બજાર બંને માટે ઉત્સાહજનક સમાચાર લઈને આવ્યો છે, જે સાબિત કરે છે કે ભારતીય અર્થતંત્રના પાયા મજબૂત છે.
આ પણ વાંચો : ઇતિહાસ રચ્યા બાદ અચાનક ગબડી ચાંદી, એકઝાટકે 5000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું









