| (AI IMAGE) |
India's Forex Reserves Rise: ભારતની આર્થિક સ્થિતિ વિદેશી મુદ્રા ભંડારના મોરચે વધુ મજબૂત બની રહી છે. ભારતીય રિઝર્વ બેન્ક(RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, 26 ડિસેમ્બર, 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં $3.29 અબજનો નોંધપાત્ર વધારો થયો છે. આ સતત ચોથું અઠવાડિયું છે જ્યારે દેશના ભંડારમાં વૃદ્ધિ જોવા મળી છે.
કુલ ભંડારની સ્થિતિ
હાલમાં ભારતનો કુલ વિદેશી મુદ્રા ભંડાર વધીને $696.610 અબજ પર પહોંચી ગયો છે. અગાઉના અઠવાડિયે તેમાં $4.36 અબજનો વધારો થયો હતો. નોંધનીય છે કે ભારતનો અત્યાર સુધીનો સૌથી ઉચ્ચતમ સ્તર સપ્ટેમ્બર 2024માં $704.88 અબજ રહ્યો હતો, જેની હવે ભારત ખૂબ નજીક પહોંચી ગયું છે.
ગોલ્ડ રિઝર્વમાં એક જ સપ્તાહમાં $2.956 અબજનો વધારો
આ વખતે ભંડાર વધવાનું મુખ્ય કારણ સોના (Gold Reserve)ના મૂલ્યમાં થયેલો વધારો છે. 26 ડિસેમ્બરના સપ્તાહમાં ગોલ્ડ રિઝર્વના મૂલ્યમાં $2.956 અબજનો વધારો થયો છે, જેનાથી કુલ સોનાનો ભંડાર હવે $113.320 અબજ થયો છે. હાલમાં RBI પાસે સોનાનો જથ્થો 880 ટનને પાર કરી ગયો છે, જે કુલ ભંડારના આશરે 14.7% જેટલો હિસ્સો ધરાવે છે.
ફોરેન કરન્સી એસેટ્સ(FCA)માં વૃદ્ધિ
વિદેશી મુદ્રા આસ્ક્યામતો(FCA), જે ભંડારનો સૌથી મોટો હિસ્સો છે, તેમાં પણ $184 મિલિયનનો વધારો નોંધાયો છે. આ સાથે FCA ભંડાર હવે $559.612 અબજ પર પહોંચ્યો છે. FCAમાં ડોલર સિવાય યુરો, પાઉન્ડ અને યેન જેવી કરન્સીના મૂલ્યમાં થતી વધ-ઘટની પણ અસર જોવા મળે છે.
આ પણ વાંચો: યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં ઉછાળાનો ટ્રેન્ડ
SDR અને IMF રિઝર્વ
SDR(સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ): તેમાં $60 મિલિયનનો વધારો થયો છે, જે હવે $18.803 અબજ પર છે.
IMF રિઝર્વ: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસે રાખેલા અનામત ભંડારમાં $93 મિલિયનનો વધારો થયો છે, જે હવે $4.875 અબજ થયો છે.


