Get The App

જનરલ ડબ્બામાં મુસાફરી કરતા લોકોને રાહત! હવે મળશે 1st AC કોચ જેવી સફાઈ!

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
Train
AI Image

AI Based Cleaning Monitoring In Indian Railways : ભારતીય રેલવેમાં મુસાફરી કરતાં લોકોને લઈને રેલવેએ રાહતનો નિર્ણય કર્યો છે. જેમાં હવે જનરલ કોચમાં ફર્સ્ટ ક્લાસ કે AC કોચ જેવી સફાઈ કરાશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે, સફાઈના મામલે હવે કોઈ ભેદભાવ રાખવામાં નહીં આવે. રેલવેએ "રિફોર્મ પ્લાન 2026" હેઠળ તૈયારી દાખવી છે, ત્યારે તેની સીધી અસર સામાન્ય જનતાની મુસાફરી પર પડશે.

જનરલ કોચની સફાઈ પર ખાસ ધ્યાન

રેલવેએ એક વ્યાપક યોજના તૈયાર કરી છે. આ પહેલ હેઠળ, આગામી એક વર્ષ અથવા 52 અઠવાડિયામાં 52 મોટા સુધારા લાગુ કરવામાં આવશે. આ અભિયાનની શરૂઆત "સ્વચ્છતા" થઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, હવે મુસાફરી દરમિયાન ટ્રેનના દરેક કોચની સફાઈ કરવામાં આવશે. સૌથી અગત્યનું છે કે, આ સ્વચ્છતા અભિયાનમાં જનરલ કોચને પ્રાથમિકતા આપવામાં આવી છે.

સ્ટેશનો પર સ્ટોપ દરમિયાન સફાઈ કર્મચારીઓ જનરલ કોચમાં ઉતરશે અને શૌચાલય, ડસ્ટબિન અને કોચની સંપૂર્ણ સફાઈ કરશે. શરૂઆતમાં દરેક ઝોનમાં 4-5 ટ્રેનો પસંદ કરવામાં આવી છે, ત્યારબાદ તે ધીમે ધીમે 80 ટ્રેનોના જૂથોમાં લાગુ કરવામાં આવશે.

સફાઈ વ્યવસ્થા પર AIની નજર

હવે રેલવે દ્વારા સફાઈ વ્યવસ્થાને હાઈ-ટેક બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)ની મદદ લેવામાં આવી રહી છે. હવે સફાઈ બાદ કોચની તસવીર સીધી એક કન્ટ્રોલ રૂમમાં મોકલવામાં આવશે. જ્યાં AI આધારિત સિસ્ટમ તેની ચકાસણી કરશે કે સફાઈ વ્યવસ્થિત થઈ છે કે નહીં.

જો સ્વચ્છતામાં કોઈ ખામી જણાશે તો સબંધિત વિક્રેતા કે કોન્ટ્રાકટર સામે તરત કાર્યવાહી થશે. રેલવેએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું કે, ભવિષ્યમાં કોન્ટ્રાક્ટ એમને જ આપવામાં આવશે જેમનું 'ક્લિનિંગ સ્ટાન્ડર્ડ ' ઉત્તમ હશે. વધતી ભીડને ધ્યાનમાં રાખતાં પીક અવર્સમાં વધારે સ્ટાફ નિયુક્ત કરાશે અને રૂટના હિસાબે ટીમ કામ કરશે. મુસાફરો ભલે કોઈપણ ક્લાસનો હોય તેમને ગંદગીનો અનુભવ ના કરવો પડે તે મુખ્ય ઉદ્દેશ્ય છે.

રેલવેએ માત્ર મુસાફરોની સુવિધા જ નહીં, પરંતુ રેલવેની કમાણી અને કાર્ગોને લઈને પણ ઘણાં નિર્ણયો લીધા છે. ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ માટે પણ કોન્ટ્રાક્ટની સમય સીમાને વિસ્તૃત કરતાં 35 વર્ષથી બદલીને 50 વર્ષ કરવામાં આવી છે. આ પરિવર્તન રોકાણકારોના વિશ્વાસને દ્રઢ બનાવશે અને લાંબા સમય સુધી સ્થિરતા જાળવી રાખશે.

આ પણ વાંચો: પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે!

છેલ્લા ત્રણ વર્ષોમાં દેશભરમાં 124 કાર્ગો ટર્મિનલ તૈયાર કરાયા છે. જેમાંથી રેલવેને રૂ.20,000 કરોડની આવક મેળવી છે. આગામી 5 વર્ષમાં 500થી વધુ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બનવાનો સરકારનો લક્ષ્ય છે. નવા રિફોર્મ દ્વારા અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, આવનાર ત્રણ વર્ષમાં રેલવે આ પ્રોજેક્ટ અંતર્ગત 30,000 કરોડ રૂપિયાની કમાણી કરી શકશે. આ પહેલ રેલવેની આર્થિક સ્થિતિ સુધારવાની સાથે લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં પણ મોટી ક્રાંતિ લાવશે.