Business

ભારતીય રોકાણકારોએ અમેરિકન બજારોમાં રોકાણ કરવા તરફ દોટ મૂકી

By GS Team
19 Jul 20252 mins read
This article was originally published on 19 Jul 2025
ભારતીય રોકાણકારોએ અમેરિકન બજારોમાં રોકાણ કરવા તરફ દોટ મૂકી

અમદાવાદ : ભારતીય રોકાણકારો હવે સ્થાનિક શેરમાર્કેટોથી આગળ વધીને વિશ્વ ફલક પર રોકાણ કરી રહ્યાં છે. ખાસ કરીને અમેરિકાના બજારોમાં ભારતીયો રોકાણ વધારી રહ્યાં છે. વેસ્ટેડ ફાઇનાન્સના 'ગ્લોબલ ઇન્વેસ્ટિંગ બિહેવિયર રિપોર્ટ' અનુસાર એપ્રિલથી જૂન ૨૦૨૫ના ક્વાર્ટરમાં ભારતીયોએ અમેરિકન ચિપ કંપની એનવીડિયામાં સૌથી વધુ ટ્રેડિંગ કર્યું હતું. એનવીડિયા તાજેતરમાં ૪ ટ્રિલિયન ડોલરની માર્કેટકેપ હાંસલ કરનાર પ્રથમ કંપની બની છે.

રિપોર્ટ અનુસાર ખરીદીમાં એનવીડિયાનો હિસ્સો ૬.૪ ટકા અને વેચાણમાં ૮.૩ ટકા હતો. સૌથી વધુ નેટ ઈન્વેસ્ટમેન્ટ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટમાં કરવામાં આવ્યું હતું. ગૂગલમાં યુનિક ભારતીય રોકાણકારોની સંખ્યામાં ૧૧૩ ટકાનો બમ્પર વધારો થયો હતો. આ ઉપરાંત, ભારતીયોએ ટેસ્લા, એએમડી અને એપલ જેવા મોટા શેરોમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ચોંકવાનારો આંકડો યુએસ લર્નિંગ પ્લેટફોર્મનો હતો. ડયુઓલિંગોમાં ભારતીયોના રોકાણમાં ૨૨૫૫ ટકાનો નોંધપાત્ર વધારો થયો હતો, જ્યારે હેલ્થકેર કંપનીઓ યુનાઈટેડ હેલ્થ ગુ્રપ અને નોવો નોરડિસ્કમાં રોકાણ ૫૦૦ ટકાથી વધુ વધ્યું હતું.

ગ્લોબલ ઇન્વેસ્ટિંગ બિહેવિયર રિપોર્ટ મુજબ કુલ ટ્રેડિંગ વોલ્યુમ ત્રિમાસિક ધોરણે ૨૦.૪૭ ટકા વધ્યું છે અને એસેટ અન્ડર મેનેજમેન્ટ ૩૫.૪ ટકા વધી છે. એયુએમમાં વાર્ષિક ધોરણે તો ૧૪૦ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

ડોલરમાં નબળાઈ અને વૈશ્વિક નાણાકીય પોલિસીઓમાં ફેરફારને કારણે, ભારતીય રોકાણકારો હવે યુરોપ, ચીન અને બ્રાઝિલ જેવા નવા બજારો તરફ પણ નજર દોડાવી રહ્યાં છે. ટેકનોલોજીની સાથે હવે આરોગ્ય, શિક્ષણ અને એઆઈ ક્ષેત્રોમાં પણ ઊંડો રસ લેવામાં આવી રહ્યો છે. રિપોર્ટમાં આ ફેરફારને ભારતીય રોકાણકારોની 'લાંબા ગાળાની વૈશ્વિક વિચારસરણી'ના સંકેત માનવામાં આવે છે.