રિટેલ લોનથી ભારતીય પરિવારોનો દેવાબોજ જીડીપીના ૪૫ ટકાથી પણ ઊંચો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પારિવારિક દેવાનું સ્તર પાંચ વર્ષની સરેરાશ કરતા સતત ઊંચું
મુંબઈ : હાઉસિંગ સિવાયની રિટેલ લોન્સમાં વધારો થવાને કારણે માર્ચ ૨૦૨૬ના અંતે દેશના પરિવારોનો દેવાબોજ વધી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી)ના ૪૫.૫૦ ટકા પહોંચી ગયો હતો. ઘરેલું બોરોઈંગના સ્તરમાં વધારો થઈ રહ્યો છે તેમ છતાં, લોન લેનારાઓની ગુણવત્તા પણ સુધરી છે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ફાઈનાન્સિઅલ સ્ટેબિલિટી રિપોર્ટ (એફએસઆર)માં જણાવાયું હતું.
સપ્ટેમ્બર, ૨૦૨૩થી પારિવારિક દેવાબોજ છેલ્લા પાંચ વર્ષની જીડીપીના ૪૨.૯૦ ટકાની સરેરાશ કરતા ઊંચો રહ્યા કરે છે.
નોન-હાઉસિંગ રિટેલ લોનમાં વધારાને કારણે દેવાબોજનું સ્તર ઊંચુ જોવા મળી રહ્યું છે. માર્ચ, ૨૦૨૬ના અંતે નોન-હાઉસિંગ રિટેલ લોનની માત્રા કુલ પારિવારિક બોરોઈંગમાં ૫૮.૪૦ ટકા રહી હતી. છેલ્લા કેટલાક સમયથી આ હિસ્સામાં વધારો થઈ રહ્યો છે અને રહેઠાણ, કૃષિ તથા બિઝનેસ લોન્સ કરતા પણ ઊંચો રહે છે. લોન લેવામાં વધારો છતાં, બોરોઅરોની પ્રોફાઈલ્સ મજબૂત બની હોવાનો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
બોરોઅરોની સંખ્યા તથા બાકી પડેલી લોનની રકમ બન્ને રીતે ઊંચા રેટિંગ સાથેના બોરોઅરોના હિસ્સામાં વધારો થઈ રહ્યો છે. પારિવારિક (ઘરેલુ) બોરોઈગ્સમાં ઉપભોગના હેતુ માટેની લોન્સનો હિસ્સો સતત ૫૦ ટકાથી ઉપર રહ્યા કરે છે. ઉપભોગ સંબંધિત લોન હાઉસહોલ્ડ બોરોઈંગમાં સૌથી ઊંચુ સ્તર ધરાવી રહી છે.
ભારતીય પરિવારોના દેવાબોજનો જીડીપીના ૪૫.૫૦ ટકા હિસ્સો અન્ય ઊભરતા દેશોની સરખામણીએ ચોથા ક્રમે આવે છે. જીડીપીના ૮૭.૩૦ ટકા હાઉસહોલ્ડ બોરોઈંગ સાથે થાઈલેન્ડ પ્રથમ ક્રમે છે. ચીનમાં આ આંક ૫૯ ટકા છે.
બેન્કોના હાઉસિંગ લોન પોર્ટફોલિઓમાં જોવાઈ રહેલા બદલાવ પર પણ રિપોર્ટમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. તાજેતરના દિવસોમાં મોટી સંખ્યાની હાઉસિંગ લોન્સના હિસ્સામાં પણ વધારો થઈ રહ્યાનું જોવા મળ્યું છે. નોન - પરફોર્મિંગ હાઉસિંગ લોન્સની માત્રા જે ૨૦૧૯માં ૧.૨૦ ટકા હતી તે માર્ચ ૨૦૨૬માં ઘટી ૦.૫૦ ટકા પર આવી ગઈ છે.









