ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતાં વેપારીઓ ચિંતામાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Spice Export Data 2026 : ભારતના મસાલા નિકાસ ક્ષેત્રે ફેબ્રુઆરી 2026માં મોટો આંચકો જોવા મળ્યો છે. મિનિસ્ટ્રી ઑફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી(DGCI&S)ના હાલના આંકડા મુજબ, ગત વર્ષના સમાન ગાળાની સરખામણીએ મસાલાની નિકાસમાં વોલ્યુમની દૃષ્ટિએ 41% અને કિંમતની દૃષ્ટિએ લગભગ 74%નો જંગી ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરી 2025માં 1.90 લાખ મેટ્રિક ટનની નિકાસ થઈ હતી. જે ફેબ્રુઆરી 2026માં ઘટીને માત્ર 1.12 લાખ મેટ્રિક ટન રહી ગઈ છે.
કેમ ઘટી નિકાસ? ચીનનું બજાર ઠંડુ પડ્યું
નિકાસમાં આ જંગી ઘટાડા પાછળનું મુખ્ય કારણ ચીન તરફથી માગમાં આવેલો તીવ્ર ઘટાડો છે. ફેબ્રુઆરી 2025માં ચીન 130 મિલિયન ડૉલરના મસાલાની આયાત કરતું હતું, જે આ વર્ષે ઘટીને માત્ર 28 મિલિયન ડૉલર રહી ગઈ છે. એટલે કે ચીન તરફથી થતી નિકાસમાં 78%નો ઘટાડો થયો છે. આ ઉપરાંત થાઇલૅન્ડમાં 35% અને અમેરિકામાં 10%નો સાધારણ ઘટાડો જોવા મળ્યો છે. નોંધનીય છે કે, ભારતીય રૂપિયો નબળો હોવા છતાં (83થી ઘટીને 87 પ્રતિ ડૉલર), આ ઘટાડો અટકાવી શકાયો નથી.
આ દેશોએ ભારત પર જાળવી રાખ્યો ભરોસો
એક તરફ મોટા દેશોમાં માગ ઘટી છે, ત્યારે કેટલાક પાડોશી અને ખાડી દેશોમાં ભારતની પકડ મજબૂત થઈ છે. શ્રીલંકન મસાલાની નિકાસમાં 137%નો સૌથી વધુ ગ્રોથ નોંધાયો. આ ઉપરાંત સાઉદી અરેબિયા નિકાસ 12 મિલિયન ડૉલરથી વધીને 21 મિલિયન ડૉલર(75% વધારો) થઈ છે. UAE અને બાંગ્લાદેશ પણ સંયુક્ત આરબ અમીરાતમાં 18% અને બાંગ્લાદેશમાં 4%ની વૃદ્ધિ જોવા મળી છે.
ભવિષ્યમાં મુશ્કેલીઓ વધી શકે છે
ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેકહોલ્ડર્સ(FISS)ના ચેરમેન તેજસ ગાંધીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, મિડલ ઈસ્ટ અને પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે જોડાયેલી તાજેતરની ભૌગોલિક તણાવની સ્થિતિ માર્ચ મહિનાથી વૈશ્વિક વેપાર પર વધુ માઠી અસર કરી શકે છે. શિપિંગ રૂટ અને ફ્રેટ કોસ્ટમાં વધારો થવાને કારણે મસાલા સહિત તમામ કૃષિ ઉત્પાદનોની નિકાસ પર અસર થવાની ભીતિ છે.









