ચાર દાયકાની કમાણી, ઘરમાં સમાણી તેવો ઘાટ, 4 વર્ષમાં મકાનોના ભાવમાં 59%નો તોતિંગ ઉછાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Real Estate Price Rise: પોતાના સપનાનું ઘર ખરીદવાની ઈચ્છા દરેક માણસને હોય છે. રોકાણની દૃષ્ટિએ પણ લોકો સૌથી વધુ રિયલ એસ્ટેટ પર પસંદગી ઉતારે છે, કારણ કે લાંબા ગાળે તેનું મૂલ્ય હંમેશા વધે છે. પરંતુ, જો તમે અત્યારે નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે માટે એક ચોંકાવનારા સમાચાર છે. છેલ્લા 4 વર્ષમાં (2021 થી 2025 વચ્ચે) દેશના ટોચના 7 શહેરોમાં મકાનોના ભાવમાં 59%નો જંગી ઉછાળો આવ્યો છે. શું હવે સામાન્ય માણસ માટે ઘર ખરીદવું વધુ મુશ્કેલ બની જશે? ચાલો રિપોર્ટના આંકડાઓ દ્વારા સમજીએ કે આખરે મકાનો આટલા મોંઘા કેમ થઈ રહ્યા છે.
મકાનની કિંમતો અને બાંધકામ ખર્ચ વચ્ચેનો તફાવત
Anarock Researchના એક તાજેતરના રિપોર્ટ મુજબ, પ્રોપર્ટીના ભાવ અને મકાન બનાવવાના ખર્ચ બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે.
- પ્રોપર્ટીના ભાવ: વર્ષ 2021 માં જે મકાનનો સરેરાશ ભાવ 5826 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ હતો, તે 2025 માં વધીને 9260 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થઈ ગયો છે. એટલે કે તેમાં વાર્ષિક ધોરણે લગભગ 12% નો મોટો વધારો જોવા મળ્યો છે.
- બાંધકામ (Construction) ખર્ચ: 2021 માં મકાન બનાવવાનો સરેરાશ ખર્ચ 2681 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ હતો, જે 2025 માં વધીને 3604 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થયો છે. આ ખર્ચમાં વાર્ષિક 6.9% અને કુલ 34% નો વધારો થયો છે.
આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે મકાનની કિંમતો માત્ર બાંધકામનો ખર્ચ વધવાને કારણે નથી વધી રહી, પરંતુ અન્ય પરિબળોનો ફાળો તેમાં વધુ છે. મકાનોના ભાવમાં થયેલા કુલ વધારામાં મોટો હિસ્સો બાંધકામ ખર્ચનો છે, જ્યારે બાકીનો હિસ્સો જમીનના ભાવ, ડેવલપરના માર્જિન અને બજારના પુરવઠાને આભારી છે.
આસમાને પહોંચ્યા જમીનના ભાવ
મકાન મોંઘા થવાનું સૌથી મોટું અને મુખ્ય કારણ જમીનની કિંમતોમાં આવેલો ભયંકર ઉછાળો છે.
- છેલ્લા 5 વર્ષમાં દેશના મુખ્ય શહેરોમાં જમીનના ભાવ 50% થી 120% સુધી વધ્યા છે.
- દિલ્હી-NCR માં આ વધારો સૌથી વધુ (70% થી 130% સુધીનો) રહ્યો છે.
- બેંગલુરુ જેવા આઇટી હબમાં પણ જમીનના ભાવમાં 60% થી 120% નો ઉછાળો નોંધાયો છે.
રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ અને જગ્યાની વધતી માંગને કારણે પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલા જ જમીન એટલી મોંઘી થઈ જાય છે કે સામાન્ય ગ્રાહક માટે ઘરનું બજેટ ખોરવાઈ જાય છે.
મધ્ય-પૂર્વના યુદ્ધની વૈશ્વિક અસર
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ભારતના રિયલ એસ્ટેટ માર્કેટ પર પડી છે. નીચેના કારણોસર ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખર્ચમાં 8% થી 10% નો વધારો જોવા મળ્યો છે.
- કાચા માલની મોંઘી આયાત: બાંધકામમાં વપરાતું સ્ટીલ ભારતમાં મોટા પાયે બને છે, પરંતુ તેને બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા કોલસાની (Coking Coal) જરૂર પડે છે, જેની મોટાપાયે આયાત કરવી પડે છે. યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં આવો કાચો માલ મોંઘો થયો છે.
- મોંઘું ટ્રાન્સપોર્ટેશનઃ મધ્ય-પૂર્વમાં તણાવ વધતાં વૈશ્વિક સ્તરે પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા છે. સિમેન્ટ, સ્ટીલ, રેતી જેવી બાંધકામ સામગ્રીનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ (Logistics) ખૂબ ઊંચો હોય છે, જે સીધો મકાનની કિંમતમાં ઉમેરાય છે.
કઈ સામગ્રી કેટલી મોંઘી થઈ?
બાંધકામમાં વપરાતી લગભગ દરેક વસ્તુના ભાવમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જાણે આગ લાગી છે.
- સ્ટીલ (TMT બાર): ભાવમાં 20% નો વધારો થયો છે અને તે 72000 રૂપિયા પ્રતિ ટન સુધી પહોંચી ગયા છે.
- ઇંધણ અને લોજિસ્ટિક્સ: સામાનના પરિવહન (ટ્રાન્સપોર્ટેશન) નો ખર્ચ 15% થી 20% વધ્યો છે.
- ફિનિશિંગ મટિરિયલ: ઘરમાં વપરાતી ટાઈલ્સ, કાચ અને હાર્ડવેરની કિંમતો 8% થી 12% વધી છે.
- ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ (MEP): આ ખર્ચમાં પણ 9% થી 13% નો વધારો થયો છે.
- મજૂરી અને સિમેન્ટ: મજૂરીના ખર્ચમાં માત્ર 5% થી 6% અને સિમેન્ટમાં 4% થી 5% નો સામાન્ય વધારો જોવા મળ્યો છે.
બિલ્ડર્સ અને શેરબજાર પર શું અસર પડી?
- કાચા માલ અને જમીનના ભાવ વધવાને કારણે ડેવલપર્સની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. જે પ્રોજેક્ટ્સ બિલ્ડર દ્વારા પહેલાથી જ લોન્ચ થઈ ગયા છે અથવા વેચાઈ ગયા છે, તેમની નફાકારકતા ઘટી શકે છે કારણ કે બિલ્ડર હવે જૂના બુકિંગ પર ગ્રાહકો પાસેથી વધુ પૈસા માંગી શકતા નથી.
- રિયલ એસ્ટેટ માર્કેટના આ કડક રિપોર્ટની અસર શેરબજાર પર પણ જોવા મળી હતી. આ સેક્ટરના ઘણા શેરોમાં નરમાશ નોંધાઈ છે. દાખલા તરીકે, Keystone Realtors ના શેરમાં 2.44%, Puravankara માં 2.37%, Shri Lotus માં 1.86%, Lodha Developers માં 1.53% અને Godrej Properties ના શેરમાં 1.31% નો ઘટાડો નોંધાયો છે.
ઘર ખરીદવાનું આયોજન પાછું ઠેલવું?
જમીનની અછત, વૈશ્વિક યુદ્ધની અસરો, મોંઘું થયેલું સ્ટીલ અને ટ્રાન્સપોર્ટેશન ભેગા મળીને તમારા સપનાના ઘરની કિંમત વધારી રહ્યા છે. જો તમે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો બજારના આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને જ તમારું બજેટ નક્કી કરવું હિતાવહ રહેશે.




