Business

'ભારત ગંદુ છે, ત્યાં હોત તો પેપ્સિકોની CEO ના બની હોત...' ઈન્દ્રા નૂયીએ કર્યા ચીનના વખાણ

By GS Team
2 Jul 20263 mins read
TukuTouch Logo
પેપ્સિકોના પૂર્વ CEO ઈન્દ્રા નૂયીએ 'હૂવર ઇન્સ્ટિટ્યૂશન'ને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારત-અમેરિકા સંબંધો, લીડરશીપ અને વર્ક કલ્ચર પર તીખા નિવેદનો આપ્યા છે. તેમણે કહ્યું કે, જો તેઓ ભારતમાં રહ્યા હોત તો ક્યારેય પેપ્સિકોના CEO બની શક્યા ન હોત, કારણ કે અમેરિકાની મેરિટોક્રેટિક સિસ્ટમમાં જ સફળતા શક્ય બની. તેમણે ભારતને 'અવ્યવસ્થિત' અને ચીનને 'વ્યવસ્થિત' ગણાવી, લોકશાહીના કારણે ભારતના વિકાસને ધીમો ગણાવ્યો. તેમણે ભારત અને અમેરિકાને 'નેચરલ પાર્ટનર' પણ ગણાવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

'ભારત ગંદુ છે, ત્યાં હોત તો પેપ્સિકોની CEO ના બની હોત...' ઈન્દ્રા નૂયીએ કર્યા ચીનના વખાણ
IMAGE - WIKIPEDIA

Indra Nooyi on Indian work culture: પેપ્સિકો (PepsiCo)ના પૂર્વ ભારતીય મૂળના મહિલા CEO અને ચેરપર્સન ઈન્દ્રા નૂયી સોશિયલ મીડિયા પર અને બિઝનેસ જગતમાં ભારે ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ 'હૂવર ઇન્સ્ટિટ્યુશન'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે લીડરશીપ, ભારત-અમેરિકાના સંબંધો અને ભારતના વર્ક કલ્ચર વિશે અત્યંત આકરા નિવેદનો આપ્યા છે. ઈન્દ્રા નૂયીએ ચીનના વખાણ કરતા ભારતની સામાજિક અને કોર્પોરેટ વ્યવસ્થા પર મોટા સવાલો ઉઠાવ્યા છે.

અમેરિકામાં જ સફળતા શક્ય બની, ભારતમાં નહીં!

ઈન્દ્રા નૂયીએ અમેરિકાની યોગ્યતા આધારિત (મેરિટોક્રેટિક) સિસ્ટમની મન મૂકીને પ્રશંસા કરી છે. તેમણે દાવો કર્યો કે જો તેઓ અમેરિકા ન આવ્યા હોત, તો ક્યારેય આ મુકામ પર પહોંચી શક્યા ન હોત. ભારત પર સવાલ ઉઠાવતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું,

'એક વિદેશી નાગરિક પોતાની ખિસ્સામાં કાંઈ પણ લીધા વિના અમેરિકા આવે છે અને ત્યાંની પ્રતિષ્ઠિત કંપનીનો CEO બની જાય છે, આવું દુનિયાના કોઈ દેશમાં શક્ય નથી. હું જો ભારતમાં રહી હોત તો ક્યારેય પેપ્સિકો જેવી મોટી કંપનીની CEO બની શકી ન હોત.'

ચીનની પ્રશંસા, ભારતને ગણાવ્યું 'અવ્યવસ્થિત'

એક પ્રવાસી તરીકે ભારત અને ચીનની સરખામણી કરતા ઈન્દ્રા નૂયીએ ચીનને ઘણું વ્યવસ્થિત અને ભારતને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત (અરાજક) ગણાવ્યું છે. તેમણે કહ્યું કે,

'જો તમને સાફ-સફાઈ અને એકદમ ટિપ-ટોપ વ્યવસ્થા ગમતી હોય, તો તમારા માટે ભારતમાં રહેવું અશક્ય છે. ત્યાં રસ્તા વચ્ચે દોડતી ગાયો, ટ્રાફિક અને અવ્યવસ્થા જ ભારતની ખરી સુંદરતા છે અને ભારતીયો આ અરાજકતા વચ્ચે પણ પોતાનો રસ્તો કાઢવાનું સારી રીતે જાણે છે. જોકે, આ જ કારણોસર પ્રવાસીઓ માટે ભારત કરતાં ચીનમાં સમય વિતાવવો વધુ સરળ છે.'

લોકશાહીના કારણે ભારતનો વિકાસ ધીમો

ઈન્દ્રા નૂયીએ ચીનના સેન્ટ્રલાઈઝડ વિકાસ મોડેલ અને ભારતીય લોકશાહી વચ્ચે પણ રસપ્રદ સરખામણી કરતા કહ્યું કે,

'ચીને પોતાની કડક વ્યવસ્થાના જોરે કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા અને સુપરપાવર બન્યું, જ્યારે ભારત આજે પણ વિશ્વ શક્તિ બનવા સંઘર્ષ કરી રહ્યું છે. ભારતમાં દરેક વ્યક્તિ પાસે વોટ આપવાનો અને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોવાથી અહીં પ્રગતિની ગતિ ધીમી છે. જોકે, ભારત લોકશાહી દેશ હોવાથી હું ખુશ પણ છું, કારણ કે ચીન જેવા સરમુખત્યાર દેશોમાં સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ શક્ય બનતું નથી.'

ભારત-અમેરિકા નેચરલ પાર્ટનર

જિયો-પોલિટિક્સ અને ચીનના વધતા પ્રભાવ વિશે વાત કરતા ઈન્દ્રા નૂયી ભારત અને અમેરિકાને એકબીજાના 'નેચરલ પાર્ટનર' ગણાવ્યા છે. તેમણે નોંધ્યું કે ભારત પાસે વિશ્વની સૌથી મોટી અંગ્રેજી બોલતી વસ્તી છે, જેમાં 50% કરતાં વધુ વસ્તી 35 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોની છે.

હાલમાં સોફ્ટવેર, એન્જિનિયરિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતીય ટેલેન્ટ આખી દુનિયાનું ભવિષ્ય બદલી રહી છે. ચીન સામેની વૈશ્વિક હરીફાઈમાં ભારત એક મુખ્ય કેન્દ્રબિંદુ હોવાથી, અમેરિકાએ પોતાના હિત માટે પણ ભારતના અધિકારો અને ત્યાંની લોકશાહીનું રક્ષણ કરવું જ પડશે.

આ પણ વાંચો: ક્યાંક ભૂવો પડ્યો, ક્યાંક રસ્તા બંધ... ગુજરાતના 107 તાલુકામાં મેઘમહેર, 7 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ

કોણ છે ઈન્દ્રા નૂયી?

ચેન્નઈમાં 28 ઓક્ટોબર 1955ના રોજ જન્મેલા ઈન્દ્રા નૂયી (લગ્ન પહેલા ઈન્દ્રા કૃષ્ણમૂર્તિ) બિઝનેસ જગતમાં મહિલા સશક્તિકરણનું મોટું પ્રતીક છે. તેઓ IIM કલકત્તાથી MBA કર્યા બાદ 1978માં વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. યેલ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં ભણતી વખતે ખર્ચ કાઢવા માટે તેમણે નાઇટ શિફ્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. 1994માં તેઓ પેપ્સિકોમાં જોડાયા અને વર્ષ 2006માં કંપનીના 42 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા CEO બનીને ઈતિહાસ રચ્યો હતો.