'50 દેશ સાથે વાત ચાલી રહી છે...' ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે પીયૂષ ગોયલે આપી લેટેસ્ટ અપડેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US-India Trade Update: ભારતીય અર્થતંત્ર વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક બની રહ્યું છે, ત્યારે દેશનો વેપાર વિસ્તારવા માટે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મહત્ત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. શુક્રવારે FICCIની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા તેમણે જણાવ્યું કે 'ભારત હાલમાં લગભગ 50 વિવિધ દેશો અને જૂથો સાથે મુક્ત વેપાર કરારો (Free Trade Agreements - FTAs) માટે સક્રિય રીતે વાટાઘાટો કરી રહ્યું છે.'
મુખ્ય જૂથો સાથે વાટાઘાટોમાં પ્રગતિ
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે 50 દેશો સાથેની વાટાઘાટોની પ્રગતિ વિશે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે, 'આર્મેનિયા, બેલારુસ, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનનો સમાવેશ કરતા યુરેશિયન ઇકોનોમિક યુનિયન (EAEU) સાથે વેપાર કરારની વાટાઘાટો ઝડપથી આગળ વધી રહી છે.'
વધુમાં પીયૂષ ગોયલે જણાવ્યું હતુ કે, 'ભારતના દ્રષ્ટિકોણમાં અનેક મુખ્ય જૂથો સાથે ચર્ચાનો સમાવેશ થાય છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC), જેમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર, કુવૈત, ઓમાન અને બહેરીનનો સમાવેશ થાય છે, એ રસ દાખવ્યો છે. આમાંથી ભારતે UAE સાથે વ્યાપક વેપાર કરાર લાગુ કરી દીધો છે, જ્યારે ઓમાન સાથે ચર્ચાઓ પૂર્ણ થવાના આરે છે. બહેરીન અને કતારે પણ ભારત સાથે વેપાર કરાર પર વાટાઘાટો શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.'
આ પણ વાંચો: હજારો વિમાનોના સોફ્ટવેરમાં સર્જાઇ ખામી, ભારત સહિત દુનિયાભરમાં હવાઈ સેવા પર માઠી અસર
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: વર્ષના અંત સુધીમાં પ્રથમ તબક્કો પૂર્ણ થશે
કેન્દ્રીય મંત્રીએ યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના દ્વિપક્ષીય વેપાર કરારઅંગે પણ મુખ્ય અપડેટ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'ભારત-અમેરિકા ટ્રેડ ડીલ માટે વાટાઘાટોના છ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને ચર્ચા સતત આગળ વધી રહી છે. બંને દેશોએ આ વર્ષના અંત સુધીમાં કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય રાખ્યું છે. ભારતીય અર્થતંત્રની ઝડપી પ્રગતિ વચ્ચે આ આક્રમક ટ્રેડ ડિપ્લોમસી દેશને વૈશ્વિક વેપાર હબ તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ થશે.'








