US India Tariff: ભારતના નિકાસકારો અમેરિકા દ્વારા આવતીકાલ 27 ઑગસ્ટથી લાગુ થનારા 25 ટકા ટેરિફના કારણે ચિંતિત છે. ટેક્સટાઈલ, ચામડું, જ્વેલરી સહિતના વિવિધ ક્ષેત્રોમાં 50 ટકા ટેરિફ લાગુ થવાનો છે. જેના લીધે નિકાસકારોને મોટાપાયે નુકસાન તેમજ રોજગારીમાં કાપ મૂકાવાની ભીતિ વ્યક્ત થઈ છે.
ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઑર્ગેનાઇઝેશન (FIEO)એ અમેરિકાના ટેરિફ વૃદ્ધિને આઘાતજનક ગણાવ્યો છે. FIEOના રિપોર્ટ અનુસાર, ટેરિફના કારણે ભારતની 47-48 અબજ ડૉલરની અમેરિકામાંથી થતી નિકાસ આવકમાં 30-35 ટકાનો ઘટાડો થવાની ભીતિ વ્યક્ત કરી છે. જેના કારણે તેઓ વિયેતનામ, બાંગ્લાદેશ અને ચીનના હરીફો સામે બિનસ્પર્ધાત્મક રહેશે. FIEOના પ્રમુખ એસ સી રાલ્હને જણાવ્યું હતું કે તિરુપુર, નોઇડા અને સુરત જેવા કાપડ કેન્દ્રોમાં ઉત્પાદન પહેલાંથી જ ઠપ થઈ ગયા છે, જ્યારે મરીનના નિકાસકારો 40% વેચાણ માટે યુએસ પર આધાર રાખે છે, જેને નુકસાન થશે. આ સિવાય ચામડું, સિરામિક્સ, કેમિકલ, હસ્તકલા અને કાર્પેટ ઉદ્યોગને પણ માઠી અસર થશે.
ક્રેડિટ રાહત આપવાની ભલામણ
રાલ્હને ટેરિફના કારણે સંભવિત નુકસાનમાંથી ઉગરવા માટે નિકાસકારોને વિવિધ રાહતો આપવા ભલામણ કરી છે. જેમાં લોન ચૂકવણી પર એક વર્ષનો મોરેટોરિયમ, વ્યાજમાં ઘટાડો સહિત ક્રેડિટ રાહતો આપવાની જોગવાઈ છે. તેમણે યુરોપિયન યુનિયન, ગલ્ફ દેશો, લેટિન અમેરિકા સાથે મુક્ત વેપાર સંધિને વેગવાન બનાવવા પણ સલાહ આપી છે.
આ પણ વાંચોઃ એક જ મંચ પર હશે PM મોદી, પુતિન અને જિનપિંગ; ટ્રમ્પની દાદાગીરી સામે બ્રિક્સનો 'પાવર શો'
ભારતની નિકાસ 43 ટકા ઘટશે
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ દ્વારા જાહેર રિપોર્ટ અનુસાર, ભારતની અમેરિકામાં થતી નિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં 43 ટકા ઘટી 49.6 અબજ ડૉલર થવાની શક્યતા છે. જેમાં કાપડ, જ્વેલરી, કાર્પેટની નિકાસમાં 70 ટકા સુધીનો ઘટાડો નોંધાશે. નિકાસમાં આ ઘટાડો ભારતના જીડીપી ગ્રોથમાં 0.9 ટકાનું નુકસાન કરશે.
ભારતની એકંદરે નિકાસ વધવાનો અંદાજ
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવના ફાઉન્ડર અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ભારતમાંથી અમેરિકા થતી કુલ નિકાસમાંથી 30 ટકા પ્રોડક્ટ્સ હજુ પણ ડ્યુટી ફ્રી કેટેગરીમાં સામેલ છે. જ્યારે 4 ટકા નિકાસ 25 ટકા ટેરિફનો સામનો કરશે. આ સિવાય 66 ટકા નિકાસ (કપડાં, ટેક્સટાઇલ, જેમ્સ-જ્વેલરી, કાર્પેટ અને ફર્નિચર પર 50 ટકા ટેરિફ લાગુ થશે. જેમાં સ્પર્ધા ઘટશે. વધુમાં સ્થિતિસ્થાપક સેવાઓની નિકાસ અને વધતી જતી વૈશ્વિક વૈવિધ્યતા ટેરિફના નુકસાનમાં ઘટાડો કરી શકે છે. અમેરિકાના ટેરિફના કારણે નુકસાન થયું હોવા છતાં ભારતની એકંદર નિકાસ હજુ પણ FY26માં 2.3% વધવાનો અંદાજ છે.


