એક જ મંચ પર હશે PM મોદી, પુતિન અને જિનપિંગ; ટ્રમ્પની દાદાગીરી સામે બ્રિક્સનો 'પાવર શો'
SCO Summit: અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. આ સાથે ટ્રમ્પે દાવો કર્યો છે કે, જો કોઈ દેશ રશિયા પાસેથી ક્રૂડ ખરીદે છે, તો તેણે આકરા ટેરિફનો સામનો કરવો પડશે. ટ્રમ્પના આ ટેરિફ વૉર સામે વિશ્વના 20 દેશોના દિગ્ગજ એક મંચ પર એકત્ર થશે. જેમાં વડાપ્રધાન મોદી, રશિયાના પ્રમુખ પુતિન પણ સામેલ થશે. ચીનના તિયાનજિનમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં બ્રિક્સ દેશો એકજૂટ થશે. આ દિગ્ગજો ટેરિફ વોર સામે એકજૂટ થવાના અહેવાલ સાથે ટ્રમ્પની ઊંઘ ઉડી જશે.
SCO સમિટમાં લેશે ભાગ
ચીનના સહાયક વિદેશ મંત્રી લિયૂ બિને જણાવ્યું હતું કે, એસસીઓ બેઠકમાં રશિયાના પ્રમુખ પુતિન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય દેશના દિગ્ગજ વડાઓ સામેલ થશે. આ આયોજન ચીનના તિયાનજિન શહેરમાં થશે. બે દિવસીય આ સંમેલનમાં યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ અને અન્ય નવ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખ પણ હિસ્સો લેશે.
જોઇન્ટ ડિક્લેરેશન પર કરશે હસ્તાક્ષર
SCO શિખર સંમેલનની મેજબાની ચીનના પ્રમુખ શી જિનપિંગ કરી રહ્યા છે. આ શિખર સંમેલનમાં એસસીઓના તમામ દેશ આગામી 10 વર્ષના વિકાસ માટે જોઇન્ટ ડિક્લેરેશન લેટર પર હસ્તાક્ષર કરશે. જે તેના સભ્યો દેશોના વિકાસને મંજૂરી આપશે. સુરક્ષા તેમજ આર્થિક સહયોગને મજબૂત બનાવવાના ઉકેલો પર પણ ચર્ચા કરશે. જેમાં અમેરિકાની ટેરિફ નીતિનો પણ આકરો જવાબ આપી શકાશે.
આ પણ વાંચોઃ અમેરિકામાં શિક્ષણ બાદ નહીં મળે નોકરી? OPT બંધ કરવાની તૈયારી, લાખો ભારતીયોનું વધશે ટેન્શન
SCO સમિટમાં ભાગ લેનારા મુખ્ય નેતાઓની યાદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી - ભારત
પ્રમુખ વ્લાદિમીર પુતિન - રશિયા
પ્રમુખ શી જિનપિંગ - ચીન
પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન - ઈરાન
નાયબ વડાપ્રધાન ઇશાક ડાર - પાકિસ્તાન
પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન - તૂર્કિયે
વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ - મલેશિયા
સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ - યુએન
PM મોદીની હાજરી ખૂબ જ મહત્ત્વપૂર્ણ: ચીન
ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઇહોંગે ગુરુવારે કહ્યું હતું કે આ મહિનાના અંતમાં યોજાનારી SCO સમિટ માટે PM મોદીની ચીન મુલાકાત બંને દેશો વચ્ચેના સમિટ અને દ્વિપક્ષીય સંબંધો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ચીન PM મોદીની આ મુલાકાતને ખૂબ મહત્ત્વ આપે છે. PMની ચીન મુલાકાત માત્ર SCO માટે જ નહીં, પરંતુ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના છે. ચીન અને ભારતનું એક કાર્યકારી જૂથ આ મુલાકાતને સફળ બનાવવા માટે તૈયારી કરી રહ્યું છે.
અમેરિકાને ઘેરવા તૈયાર ચીન
ઉલ્લેખનીય છે, આ શિખર સંમેલનના માધ્યમથી ચીન અમેરિકાને શક્તિ પ્રદર્શન બતાવવાનો પ્રયાસ કરશે. તે પહેલાં ચીનના સહાયક વિદેશ મંત્રી લિયૂ બિનને એસસીઓની બેઠકને એક ખાસ દેશના ચરિત્રથી અલગ કર્યો છે. તેમણે નામ લીધા વિના અમેરિકાને સંભળાવ્યું છે કે, અમુક દેશ પોતાના રાષ્ટ્રીય હિતને અન્યના હિત કરતાં સર્વોચ્ચ બનાવવા ઇચ્છે છે. એસસીઓનો સિદ્ધાંત એકની જીતમાં બીજાની હાર જેવી જૂની માન્યતાઓથી તદ્દન વિપરિત છે. સમય જતાં આ સંગઠન વધુ મજબૂત બન્યું છે.