ભારત ધૈર્ય રાખે, થોડા દિવસોમાં પત્તાના મહેલ જેમ તૂટી જશે ‘ટ્રમ્પ નીતિ’, વિશ્વના જાણીતા એક્સપર્ટની સલાહ
US Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના અનેક દેશો પર ટેરિફ ઝિંકતા તો ઝિંકી દીધો છે, પરંતુ તેઓ જાણતા નથી કે, તેમના નિર્ણયથી આગામી સમયમાં અમેરિકાને જ નુકસાન થઈ શકે છે. ટ્રમ્પે ભારેભરખમ ટેક્સ ઝિંક્યા બાદ અનેક દેશો નારાજ થયા છે અને તેમની નીતિની ટીકા પણ કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં જ ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ અમેરિકાની નીતિની ચોતરફ ટીકા શરૂ થઈ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, ટ્રમ્પની નીતિના કારણે ભારત તો નિરાશ થયું છે, પરંતુ ટેરિફ અમેરિકા માટે પણ ભારે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ટ્રમ્પ રશિયાને નુકસાન પહોંચાડવા માટે આવા પ્રયાસો કરી રહ્યા છે, જોકે જાણકારોનું કહેવું છે કે, તેમની ટેરિફ નીતિની ઉલ્ટી અસર થઈ શકે છે. અમેરિકન પ્રમુખના નિર્ણયના કારણે ભારત, રશિયા અને ચીન વચ્ચેના સંબંધો વધુ સારા થઈ શકે છે.
ત્રણ દેશો એક થશે તો ટ્રમ્પની વધશે મુશ્કેલી
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તાજેતરમાં જ રશિયાનો પ્રવાસ કર્યો હતો. આ ઉપરાંત ચીનમાં SCO સમિટ યોજાવાની છે, જેમાં ટ્રમ્પ (US President Donald Trump) સાથેની તંગદિલી વચ્ચે મોદીને આવકારવા ચીન આતુર થયું છે. એટલું જ નહીં, ટ્રમ્પના ટેરિફ વૉર બાદ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી સમયમાં ભારત આવી શકે છે, ત્યારે જાણકારોનું કહેવું છે કે, આ તમામ ગતિવિધિઓ દરમિયાન વિશેષ રાજદ્વારી સંબંધો વધી શકે છે, જેના કારણે અમેરિકાને નુકસાન થઈ શકે છે. અનેક નિષ્ણાંતોનું કહેવું છે કે, અમેરિકા વિરુદ્ધ ભારત-રશિયા-ચીન એક થઈ જશે તો ‘અંકલ સૈમ’ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
ટ્રમ્પનો ટેરિફ નિર્ણય બકવાસ : સ્ટીવ હૈંક
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના પ્રોફેસર અને અર્થશાસ્ત્રી સ્ટીવ હૈંકે ટ્રમ્પના ટેરિફ નિર્ણયને સંપૂર્ણ બકવાસ ગણાવી કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને જ ખતમ કરી રહ્યા છે. તેમણે અમેરિકાએ ભારત પર ઝિંકેલા ટેરિફ મામલે કહ્યું કે, ‘ભારતે ધૈર્ય રાખવું જોઈએ, નેપોલિયનની સલાહનું પાલન કરવું જોઈએ, જ્યારે દુશ્મન પોતાને જ ખતમ કરી રહ્યો હોય ત્યારે તેના રસ્તામાં ક્યારેય અડચણો ઉભી ન કરવી જોઈએ. 'ટ્રમ્પની પત્તાના મહેલ જેવી આર્થિક નીતિઓ ટૂંક સમયમાં ધરાશાયી થઈ જશે. અમેરિકામાં અમેરિકનોનો ખર્ચ સકલ રાષ્ટ્રીય ઉત્પાદ (GNP)થી ઘણો વધુ છે, જેના કારણે અમેરિકા મોટી વેપાર ખાધનો સામનો કરી રહ્યું છે, તેથી ટ્રમ્પની ટેરિફ નીતિ સંપૂર્ણ અયોગ્ય છે.’
ટ્રમ્પ અમેરિકા માટે ભસ્માસુર સાબિત થશે?
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટને પણ ટ્રમ્પ નીતિની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે, ‘ભલે રશિયાને નુકસાન પહોંચાડવા આશયથી ભારત પર ટેરિફ ઝિંકવામાં આવ્યો હોય, પરંતુ આ પગલાંથી ભારત રશિયા-ચીનની નજીક આવી રહ્યું છે. અમેરિકા દાયકાઓથી પ્રયાસ કરી રહ્યું છે કે, ભારતને રશિયા-ચીનથી દૂર રાખવામાં આવે, પરંતુ ટ્રમ્પનું ચીન પ્રત્યે નરમ વલણ અને ભારત વિરુદ્ધ કડક વલણ દાયકાઓથી ચાલી રહેલા પ્રયાસોને ખતરામાં ધકેલી શકે છે.’ બોલ્ટને એક લેખમાં લખ્યું છે કે, ‘રશિયન ક્રૂડ ઓઈલ ખરીદવા મામલે ચીનને મુક્તી આપવામાં આવી છે અને ભારત પર ટેરિફ ઝિંકવામાં આવ્યો છે, જે અમેરિકાની એક મોટી ભૂલ છે.’
આ પણ વાંચો : ટ્રમ્પના નિર્ણયથી ગુસ્સે થયા આ બે દેશ, અમેરિકન ફાઈટર જેટ ખરીદવાની ડીલ છોડવાની તૈયારીમાં
ઈઝરાયલ ભારતના સમર્થનમાં
ટ્રમ્પે તાજેતરમાં જ ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંક્યો છે, જેના કારણે ચીન, ઈઝરાયલ, બ્રાઝિલ સહિતના દેશો ભારતનું જાહેરમાં સમર્થન કરી રહ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu)એ ભારત પર અમેરિકન ટેરિફ મુદ્દે કહ્યું કે, ’અમેરિકામાં પણ મૂળભૂત સમજ છે કે ભારત એશિયામાં એક મજબૂત અને વિશ્વસનીય ભાગીદાર છે. અમેરિકા અને ભારત વચ્ચે હાલના જે પણ મતભેદો છે તે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. ભારત અને અમેરિકા બંને શ્રેષ્ઠ મિત્રો છે. બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો હોવાથી બંને કોઈપણ સમસ્યાનું સમાધાન કાઢી શકે છે.’
ચીને ટ્રમ્પને બદમાશ કહ્યા
જ્યારે ચીને ટેરિફ ઝિંકનાર ટ્રમ્પને બદમાશ કહી નાખ્યા હતા અને કહ્યું છે કે, થોડી ઢીલ આપશો તો તેઓ માથા પર બેસી જશે. ભારતમાં ચીનના રાજદૂત જૂ ફેઈહોંગે ગુરુવારે (7 ઑગસ્ટ) ટ્રમ્પનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું હતું. ચાઇનીઝ રાજદૂતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘Give the bully an inch, he will take a mile (ધોંસ જમાવનારાઓને થોડી ઢીલ આપી દો તો તેઓ માથા પર બેસવા લાગે છે)’ આ સાથે ફેઈહોંગે ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખના મુખ્ય સલાહકાર વચ્ચે ફોન થયેલી વાતચીતનો એક મુદ્દો પણ શેર કર્યો છે. ચીને કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ આવા ટેરિફ લગાવીને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંધન કરી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રી યીએ કથિતરીતે કહ્યું કે, ‘ટેરિફનો ઉપયોગ અન્ય દેશોને દબાવવા માટે કરવો તે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન છે અને આવા પગલા વિશ્વ વેપાર સંગઠન(WTO)ના નિયમોની અવગણના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે બ્રાઝિલ પર પણ 50 ટકા ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી હતી.
ટ્રમ્પની ટેરિફ નીતિથી સ્વિત્ઝરલેન્ડ અને થાઈલેન્ડ પણ નારાજ
સ્વિત્ઝરલેન્ડ અને થાઈલેન્ડ પણ નારાજ થયા છે. બંને દેશોએ ટેરિફની નારાજ થઈને અમેરિકા પાસેથી ફાઈટર જેટ ખરીદવાની ડીલને છોડવાની તૈયારીમાં છે. અમેરિકા-સ્વિત્ઝરલેન્ડ વચ્ચે 9.1 બિલિયર ડૉલરના ખર્ચે અમેરિકન F-35 ફાઈટર જેટ ખરીદવાની ડીલની થવાની હતી, જોકે ટ્રમ્પના ટેરિફ બોંબ બાદ સ્વિત્ઝરલેન્ડે ડીલ છોડવાની વિચારણા શરૂ કરી દીધી છે. આ ઉપરાંત થાઈલેન્ડ અમેરિકા પાસેથી F-16 ફાઈટર જેટ ખરીદવા માગતું હતું, જોકે તેણે ટેરિફ નીતિથી નારાજ થઈને ડીલ પડતી મુકી દીધી છે. થાઈલેન્ડે અમેરિકાની ડીલને લાત મારીને સ્વિડન પાસેથી ગ્રિપેન ફાઈટર જેટ ખરીદવા માટે 600 મિલિયન ડૉલરની ડીલ કરી લીધી છે.
અમેરિકાએ મુખ્ય દેશો પર ઝિંકેલા ટેરિફ દર
- ભારત : અમેરિકાએ ભારત પર 50 ટકાનો ટેરિફ લાદ્યો છે. આ ટેરિફ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ ખરીદવાના ભારતના નિર્ણયના પ્રત્યુત્તરમાં લગાવવામાં આવ્યો છે.
- ચીન: ચીન પર 10 ટકાથી લઈને 30 ટકા સુધીના ટેરિફ લગાવવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક વાહનો, સોલાર પેનલ્સ અને સેમિકન્ડક્ટર્સ જેવા ઉત્પાદનો પર પણ ઊંચા ટેરિફ લાદવામાં આવ્યા છે.
- કેનેડા : કેનેડા પર 35% નો ટેરિફ લાદવામાં આવ્યો છે.
- મેક્સિકો : મેક્સિકો પર 25% નો ટેરિફ લાગુ પડે છે, જોકે યુએસએમસીએ (USMCA) સમજૂતી હેઠળ મોટાભાગના માલસામાનને ટેરિફમાંથી મુક્તિ મળી છે.
- રશિયા : રશિયા પાસેથી તેલ અને અન્ય ઉત્પાદનો ખરીદતા દેશો પર પણ અમેરિકાએ ટેરિફ લાદ્યા છે, જેના કારણે ભારત જેવા દેશો પણ પ્રભાવિત થયા છે.
- ઈરાક, અલ્જીરિયા અને લિબિયા : આ દેશો પર 30 ટકા સુધીના ઊંચા ટેરિફ લગાવવામાં આવ્યા છે.
- ફિલિપાઇન્સ અને મોલ્ડોવા : આ દેશો પર 25 ટકાનો ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે.
- બ્રાઝિલ, બ્રુનેઈ, ઇઝરાયલ, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, જાપાન, થાઈલેન્ડ, મલેશિયા અને વિયેતનામ સહિત ડઝનબંધ દેશો પર પણ અલગ-અલગ ટેરિફ દરો લાગુ કરવામાં આવ્યા છે. આ દરો 10 ટકાથી 40 ટકા સુધીના છે.