ટ્રમ્પની સોય ભારત-પાકિસ્તાન પર અટકી, અઝરબૈજાન અને આર્મેનિયાએ પણ કરી નોબેલ આપવાની માંગ
Azerbaijan And Armenia Ceasefire : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ભારત-પાકિસ્તાનનો રાપ આલાપી રહ્યા છે. તેમણે વ્હાઉટ હાઉસમાં બેઠક યોજી અજરબૈજાન-આર્મેનિયા વચ્ચે 37 વર્ષથી ચાલુ રહેલું યુદ્ધ ખતમ કરાવ્યું છે. બંને દેશો સાથે બેઠક યોજી તેમણે કહ્યું કે, બંને દેશો વિવાદાસ્પદ વિસ્તારમાં ટ્રાન્ઝિટ કોરિડર બનાવવા પણ સંમત થઈ ગયા છે. આ દરમિયાન તેમણે ભારત-પાકિસ્તાનનો પણ ઉલ્લેખ કરી પોતાની જ પીઢ થાબડી છે. તેમણે કહ્યું કે, ‘બંને પરમાણુ સમૃદ્ધ દેશો એક મોટા ઘર્ષણમાં પડ્યા હતા.’
અઝરબૈજાન-આર્મેનિયા ટ્રમ્પના નામથી કોરિડોર બનાવશે
મીડિયા રિપોર્ટ મુજબ અજરબૈઝાનના રાષ્ટ્રપ્રમુખ ઈલ્હામ અલીયેવ (Azerbaijan President Ilham Aliyev) અને આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશીન્યાન (Armenia PM Nikol Pashinyan) આજે (8 ઓગસ્ટ) વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં ટ્રમ્પે (US President Donald Trump) બંને દેશો વચ્ચે શાંતિ અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશોના ટ્રાન્ઝિટ કોરિડોરને ‘ટ્રમ્પ રૂટ ફૉર ઈન્ટરનેશનલ પીસ એન્ડ પ્રોસ્પેરિટી’ નામ આપવામાં આવ્યું છે. આ કોરિડોર બંને દેશોને એકબીજા સાથે જોડશે. ટ્રાન્ઝિટ કોરિડોર એટલે બે અથવા વધુ દેશો વચ્ચે માલસામાન અને લોકોની અવરજવર માટે બનાવવામાં આવેલો એક ચોક્કસ માર્ગ કહેવામાં આવે છે.
બંને દેશોએ ટ્રમ્પને નોબલ આપવાની માંગ કરી
દ્વિપક્ષીય યોજાયેલી બેઠકમાં અઝરબૈજાન-આર્મેનિયાએ (Azerbaijan And Armenia) યુદ્ધ ખતમ કરવાનો શ્રેય ટ્રમ્પને આપ્યો છે. આ સાથે બંને દેશોએ ઈઝરાયલ, પાકિસ્તાન અને કંબોડિયાની જેમ ટ્રમ્પને શાંતિ નોબલ પુરસ્કાર આપવાની પણ માંગ કરી છે. આ પહેલા ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતી કરાવી હોવાની વાત શેર કરી હતી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખે કહ્યું હતું કે, ‘છેલ્લા ઘણા દાયકાઓથી ઘણા નેતાઓએ બંને દેશોના વિવાદને ઉકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ સફળ થયું નથી. અમારી ટીમે બંને દેશોને શાંતિ સમજૂતી કરવા માટે મનાવી લીધા છે.’
ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાનનો રાગ આલાપ્યો
બેઠકમાં ટ્રમ્પે દાવો કર્યો કે, તેમણે ભારત-પાકિસ્તાન (India-Pakistan Ceasefire) વચ્ચે ચાર દિવસ સુધી ચાલી રહેલું સંઘર્ષ અટકાવ્યું હતું, આ દરમિયાન એક પરમાણુ યુદ્ધ થવાની સંભાવના હતી. તેમણે એવું પણ કહ્યું કે, બંને દેશોના સંઘર્ષમાં પાંચ અથવા છ ફાઈટર પ્લેન તોડી પડાયા હતા. જોકે ટ્રમ્પે તોડી પડાયેલા વિમાનો કયા દેશના હતા, તેની ચોખવટ કરી નથી. બીજીતરફ ભારત પણ વારંવાર કહેતું રહ્યું છે કે, બંને દેશો વચ્ચે પરસ્પર વાતચીત થયા બાદ સૈન્ય કાર્યવાહી અટકાવવામાં આવી હતી, તેમાં અમેરિકાની કોઈ મધ્યસ્થતા નથી.