ટ્રમ્પને ઝટકો... ચીન બાદ ઈઝરાયલનું સમર્થન, નેતન્યાહૂએ કહ્યું- ‘ભારત અમારો વિશ્વનીય મિત્ર’
US-India Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંક્યો છે, જેના કારણે ચીન, ઈઝરાયલ, બ્રાઝિલ સહિતના દેશો ભારતનું જાહેરમાં સમર્થન કરી રહ્યા છે. અમેરિકાએ ઈરાન વિરુદ્ધ લડી રહેલા ઈઝરાયલને ખૂબ મદદ કરી હતી, જોકે હવે ઈઝરાયલે ‘ટ્રમ્પના ટેરિફ’ નિર્ણય મામલે ભારતના સમર્થનમાં પ્રતિક્રિય આપી છે.
ભારત-અમેરિકાનો મતભેદ ઉકેલાશે તેવી આશા : નેતન્યાહૂ
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu)એ ટ્રમ્પ (US President Donald Trump)ના ભારત પર ટેરિફ મુદ્દે કહ્યું કે, અમેરિકામાં પણ મૂળભૂત સમજ છે કે ભારત એશિયામાં એક મજબૂત અને વિશ્વસનીય ભાગીદાર છે. અમેરિકા અને ભારત વચ્ચે હાલના જે પણ મતભેદો છે તે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.
નેતન્યાહૂએ આજે (7 ઓગસ્ટ) જેરૂસલેમમાં પોતાના કાર્યાલયમાં ઈઝરાયલમાં ભારતના રાજદૂત જે.પી.સિંહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાનના કાર્યાલયના જણાવ્યા મુજબ બેઠકમાં સુરક્ષા અને આર્થિક મુદ્દાઓ પર પણ વિસ્તારથી વાતચીત થઈ હતી.
‘ભારત અને અમેરિકા બંને શ્રેષ્ઠ મિત્રો’
નેતન્યાહૂએ કહ્યું કે, ‘ભારત અને અમેરિકા બંને શ્રેષ્ઠ મિત્રો છે. બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો હોવાથી બંને કોઈપણ સમસ્યાનું સમાધાન કાઢી શકે છે.’ તેમણે ઈઝરાયલના ભારત સાથેના મજબૂત સંબંધો અંગે વાતચીત કરી કહ્યું કે, ‘ભારતે ઓપરેશન સિંદૂર વખતે ઈઝરાયલી હથિયારોનો ઉપયોગ કર્યો હતો, આ હથિયારોની ક્ષમતા સાબિત ગઈ ગઈ છે.’ ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 લોકોના મોત થયા હતા. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો.
ભારતે ઓપરેશન સિંદૂર વખતે ઈઝરાયલ દ્વારા બનાવેલી ‘Harpy’ અને ‘SkyStriker’ જેવા આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, જેમાં પાકિસ્તાનના એર ડિફેન્સ સિસ્ટમને ટાર્ગેટનો ખાતમો કરવામાં આવ્યો હતો.
અમે સંરક્ષણ ક્ષેત્રે ભારત સાથે ભાગીદારી વધારીશું : ઈઝરાયલ
ઈઝરાયલના વડાપ્રધાને કહ્યું કે, ‘અમે ઓપરેશન સિંદૂરમાં જે સફળતા મળી છે, તે દર્શાવી રહી છે કે, ઈઝરાયલના હથિયારો વિશ્વાસપાત્ર છે અને યુદ્ધમાં પ્રભાવ પાડી શકે છે. તેનાથી ભારત-ઈઝરાયલ વચ્ચેની સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત થઈ છે. આ ભાગીદારી માત્ર વેપાર જ નહીં, રાજદ્વારી સુરક્ષાનો મામલો છે.’
ચીનનું પણ ભારતને સમર્થન
ચીને ટેરિફ ઝિંકનાર ટ્રમ્પને બદમાશ કહી નાખ્યા છે અને કહ્યું છે કે, થોડી ઢીલ આપશો તો તેઓ માથા પર બેસી જશે. ભારતમાં ચીનના રાજદૂત જૂ ફેઈહોંગે ગુરુવારે (7 ઑગસ્ટ) ટ્રમ્પનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું છે. ચાઇનીઝ રાજદૂતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘Give the bully an inch, he will take a mile (ધોંસ જમાવનારાઓને થોડી ઢીલ આપી દો તો તેઓ માથા પર બેસવા લાગે છે)’ આ સાથે ફેઈહોંગે ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખના મુખ્ય સલાહકાર વચ્ચે ફોન થયેલી વાતચીતનો એક મુદ્દો પણ શેર કર્યો છે. ચીને કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ આવા ટેરિફ લગાવીને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંધન કરી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રી યીએ કથિતરીતે કહ્યું કે, ‘ટેરિફનો ઉપયોગ અન્ય દેશોને દબાવવા માટે કરવો તે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન છે અને આવા પગલા વિશ્વ વેપાર સંગઠન(WTO)ના નિયમોની અવગણના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે બ્રાઝિલ પર પણ 50 ટકા ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે આવતા અઠવાડિયે થશે મુલાકાત! ટૂંક સમયમાં થશે જાહેરાત