ટેરિફ મામલે ચીનનું ભારતને સમર્થન, ટ્રમ્પને બદમાશ ગણાવ્યા, કહ્યું, ‘થોડી ઢીલ આપશો તો માથા પર બેસી જશે’
China Support Of India Over US Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ ઝિંક્યા બાદ ચીને ભારતનું જાહેરમાં સમર્થન કર્યું છે. ચીને ટેરિફ ઝિંકનાર ટ્રમ્પને બદમાશ કહી નાખ્યા છે અને કહ્યું છે કે, થોડી ઢીલ આપશો તો તેઓ માથા પર બેસી જશે. આ પહેલા ટ્રમ્પે ભારતથી અમેરિકામાં નિકાસ થતાં ઉત્પાદનો પર કુલ 50 ટકા ટેરિફ ઝિંક્યો હતો. ટ્રમ્પને વાંધો એ છે કે, ભારત રશિયા પાસેથી વધુ વેપાર કરે છે, તેથી જ તેમણે ભારત-અમેરિકાના ગાઢ સંબંધો ભૂલી વધુ ટેરિફ ઝિંકી રહ્યા છે.
ચીન ભારતના સમર્થનમાં
ભારતમાં ચીનના રાજદૂત જૂ ફેઈહોંગે ગુરુવારે (7 ઑગસ્ટ) ટ્રમ્પનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું છે. ચાઇનીઝ રાજદૂતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘Give the bully an inch, he will take a mile (ધોંસ જમાવનારાઓને થોડી ઢીલ આપી દો તો તેઓ માથા પર બેસવા લાગે છે)’
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે આવતા અઠવાડિયે થશે મુલાકાત! ટૂંક સમયમાં થશે જાહેરાત
ટ્રમ્પનો નિર્ણય એ UN અને WTOના નિયમનું ઉલ્લંઘન
આ સાથે ફેઈહોંગે ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખના મુખ્ય સલાહકાર વચ્ચે ફોન થયેલી વાતચીતનો એક મુદ્દો પણ શેર કર્યો છે. ચીને કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ આવા ટેરિફ લગાવીને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંધન કરી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રી યીએ કથિતરીતે કહ્યું કે, ‘ટેરિફનો ઉપયોગ અન્ય દેશોને દબાવવા માટે કરવો તે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન છે અને આવા પગલા વિશ્વ વેપાર સંગઠન(WTO)ના નિયમોની અવગણના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે બ્રાઝિલ પર પણ 50 ટકા ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી હતી.
ભારત-બ્રાઝિલ પર 50 ટકા ટેરિફ
ઉલ્લેખનીય છે કે, ભારત, બ્રાઝિલ અને ચીન BRICS ગ્રૂપના સભ્યો છે. ટ્રમ્પે બ્રિક્સના દેશો પર અનેક આક્ષેપો કરીને મોટો ટેરિફ વસૂલવાની વાત કહી છે. ટ્રમ્પે ભારત-ચીન પર પણ ગંભીર આક્ષેપ કરતા રહ્યા છે. તેઓ વારંવાર કહેતા રહે છે કે, બંને દેશો રશિયા પાસેથી જે ક્રૂડ ખરીદી રહ્યા છે, તે નાણાંનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં થઈ રહ્યો છે. ટ્રમ્પે ટેરિફ બોંબ ઝિંક્યા બાદ ભારતે પણ જડબાતોડ જવાબ આપી કહ્યું છે કે, ભારત પોતાના રાષ્ટ્રીય હિતોની સુરક્ષાની ખાતરી કરવા માટે તમામ પગલા ભરશે.