Business

2019ના બીજા અર્ધવાર્ષિકમાં અમદાવાદ શહેરમાં ઘરના વેચાણમાં વાર્ષિક ધોરણે 176 ટકાનો વધારો

By GS Team
7 Jan 20202 mins read
This article was originally published on 7 Jan 2020
2019ના બીજા અર્ધવાર્ષિકમાં અમદાવાદ શહેરમાં ઘરના વેચાણમાં વાર્ષિક ધોરણે 176 ટકાનો વધારો

અમદાવાદ, તા.07 જાન્યુઆરી 2020,મંગળવાર

વિતેલા ૨૦૧૯ના વર્ષમાં અમદાવાદ શહેરમાં રેસીડેન્શીયલ યુનિટ એટલે કે ઘરોનાં વેચાણમાં વાર્ષિક ધોરણે ૧૭૬ ટકાનો ઊછાળો નોંધાતા તે ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ૨૦૧૯ના બીજા અર્ધવાર્ષિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ અમદાવાદમાં ૨૦૧૯માં ૧૬૭૧૩ ઘરોનું વેચાણ કર્યું, જે પાછલાં ચાર વર્ષોમાં સોથી વધારે છે. અમદાવાદમાં નવા લોન્ચ કરેલ ઘરોના વેચાણમાં સમાન સમયગાળામાં ૧૭૬ ટકાનો વાર્ષિક ઊછાળો જોવા મળ્યો છે.

અમદાવાદમાં ૨૦૧૯માં ઓફિસ લીઝિંગ પાછલાં ૧૦ ત્રિમાસિકમાં સૌથી ઉચ્ચ સ્તર પર હતી. તેમાં વાર્ષિક આધાર પર ૫૦ ટકાનો ઊછાળો થતા ૦.૧૪ મિલિયન વર્ગ મીટર (૧.૫૫ મિલિયન વર્ગ ફૂટ) પર પહોંચી ગયા છે. જોકે, નવાં પૂરા થયેલ ઘરે (કમ્પ્લીશન) લીઝિંગ એક્ટિવિટીને પાછળ છોડી દીધી ૦.૪૫ મિલિયન વર્ગ મીટર (૪.૮૮ મિલિયન વર્ગ ફૂટ) રહ્યો હતો. તેમાં ૨૦૧૮ની સરખામણીમાં ૫૮ ટકાનો વધારો થયો છે.

વર્ષ ૨૦૧૯માં અમદાવાદમાં રેસીડેન્સ અને ઓફિસ માર્કેટ બંન્નેએ સારું પ્રદર્શન કર્યું છે. કોમર્શિયલ સેકટરે લીઝિંગ ટ્રાન્ઝેકશનમાં વધારો જોયો છે. ઓફિસ ટ્રાન્ઝેકશનમાં સકારાત્મક મનોભાવ આવાસીય બાઝારમાં પણ નજર આવી રહ્યાં છે, જેનાથી વેચાણ વોલ્યુમમાં વધારાનો સંકેત નજર આવવા ચાલુ થયા છે.

આવાસીય બજારમાં માઇક્રો-સેગમેન્ટ અને અફોર્ડેબલ હાઉસિંગે ૨૦૧૯નાં બીજા છમાસિકમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. તો, બીજી અને સીબીડી વેસ્ટે ૨૦૧૯નાં બીજા છમાસિકમાં ઓફિસ સ્પેસ ઉપયોગમાં સૌથી વધારે સક્રિયતા દર્શાવી હતી.

૨૦૧૯માં ૧૧૪૮૭ નવા આવાસીય યૂનિટ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા જે વર્ષ ૨૦૧૮ની તુલનામાં તેમાં ૧૭૬ ટકાનો જોરદાર ઊછાળો નોંધાયો હતો. વર્ષ દરમિયાન રૂા. ૨૫થી ૫૦ લાખની કિંમતવાળા ઘરનું સૌથી વધુ વેચાણ થયું હતું.

આ સમય દરમિયાન શીલજ, શીલા, ઘૂમા, ભાડજ અને સાયન્સ સિટી રોડ વિસ્તાર ૩૫ ટકા હિસ્સા સાથે પસંદગીના એરિયા બની રહ્યા હતા.

જ્યારે ગોતા, ન્યૂ રાણીપ, ત્રાગડ, ચાંદખેડા અને મોટેરા જેવા વિસ્તારની ભાગીદારી ૩૧ ટકા રહી હતી.

અમદાવાદમાં ઘરોની વેટેડ એવરેજ કિંમત ૨૦૧૯માં ૨ ટકા વાર્ષિક વધીને ૩૧૧૭૩ રૂપિયા પ્રતિ વર્ગ મીટર (૨૮૯૬ રૂપિયા પ્રતિ વર્ગ ફૂટ) થઇ છે, જે દેશના શીર્ષ આઠ શહેરોમાં સૌથી ઓછી છે તેમ રિપોર્ટમાં જણાવ્યું છે.