14 વર્ષની વયે AI કંપની બનાવી, બુર્જ ખલીફામાં છે ઓફિસ, જાણો ભારતવંશી જૈનમ જૈન વિશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Who Is Jainam Jain: જ્યાં 14 વર્ષની ઉંમરે બાળકો સ્કૂલે જાય છે, ત્યાં દુબઈમાં એક કિશોર 141માં માળે પોતાની ઓફિસે જાય છે. આ વાંચીને કદાચ તમને અજીબ લાગશે પરંતુ આ હકીકત છે. 14 વર્ષના જૈનમ જૈને કંઈક એવું કરી બતાવ્યું છે જે સાંભળીને દરેક વ્યક્તિ દંગ રહી જાય છે. તેમણે આટલી નાની ઉંમરે દુનિયાની સૌથી ઊંચી ઈમારતમાં પોતાની ઓફિસ બનાવી લીધી છે. જૈનમે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. ઓફિશિયલ વેબસાઈટ પ્રમાણે તે દુબઈનો સૌથી યુવા AI ફાઉન્ડર છે.
કોણ છે જૈનમ જૈન?
જૈનમ જૈન દુબઈનો સૌથી નાની ઉંમરનો AI ફાઉન્ડર છે. તે મૂળ ભારતીય છે. આ ઉપરાંત જૈનમ TEDx સ્પીકર પણ છે અને તેમના નામે બે પેટન્ટ નોંધાયેલા છે. આ સાથે જ આટલી નાની ઉંમરે તેણે એક પુસ્તક પણ લખ્યું છે. આ ઉપરાંત 1,45,000થી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી એક મોટી યુટ્યુબ કોમ્યુનિટી પણ બનાવી છે.
6 વર્ષની ઉંમરમાં પહેલો પાઠ
જૈનમે જણાવ્યું કે, મને બિઝનેસના પ્રથમ પાઠ માત્ર 6 વર્ષની ઉંમરે જ શીખવા મળ્યા હતા. હું માત્ર 6 વર્ષનો હતો ત્યારે મારા પિતા મને પહેલી બિઝનેસ મીટિંગમાં લઈ ગયા હતા. આ અનુભવે જ મારામાં બિઝનેસ પ્રત્યે જિજ્ઞાસા જગાડી, જે સમય જતાં સતત વધતી ગઈ. મેં પોતાને માત્ર અભ્યાસ પૂરતો સીમિત ન રાખ્યો, પરંતુ લોકોને મળ્યો, અલગ-અલગ ઈવેન્ટ્સમાં ગયો અને નવા અનુભવોમાંથી શીખીને બિઝનેસ કેવી રીતે કામ કરે છે તે સમજ્યો. 13 વર્ષની ઉંમરે મેં માત્ર 105 દિવસની અંદર પોતાની IGCSE ધોરણ 10ની પરીક્ષાઓ પૂરી કરી લીધી હતી અને એક અલગ જ માર્ગ પસંદ કર્યો, જેથી હું પોતાના બિઝનેસના લક્ષ્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકું.
10 વર્ષની ઉંમરથી જ ખુદને અલગ-અલગ ચેલેન્જ આપતો
જૈનમે આગળ જણાવ્યું કે, મેંગો એન્જિન'નો મુખ્ય હેતુ કંપનીઓ માટે માર્કેટિંગ અને લીડ મેનેજમેન્ટથી લઈને ન્યૂઝલેટર અને ગ્રાહકો સાથેના સંવાદ (કમ્યુનિકેશન) જેવા કાર્યોને વધુ સરળ બનાવવાનો છે. હાલમાં આ પ્રોજેક્ટ બીટા (ટેસ્ટિંગ) સ્ટેજમાં છે અને ઘણી કંપનીઓ તેમાં રસ દાખવી રહી છે. 10 વર્ષની ઉંમરથી જ હું પોતાની જાતને 50 દિવસની અલગ-અલગ ચેલેન્જ આપતો આવ્યો છું, જેમાં 50 પુસ્તકો વાંચવા, 50 નેટવર્કિંગ ઈવેન્ટ્સમાં ભાગ લેવો અને અંદાજે 6,000 કિલોમીટર જેટલી મુસાફરી કરીને સફળ બિઝનેસમેનોને મળવું અને તેમની પાસેથી નવું શીખવું.
જૈનમ વિશે માત્ર એટલી જ વાત ખાસ નથી કે તેની ઓફિસ બુર્જ ખલીફામાં છે, પરંતુ તેની શીખવાની પદ્ધતિ પણ બિલકુલ અનોખી છે. તેની આ સ્ટોરી દર્શાવે છે કે શિક્ષણ માત્ર ક્લાસરૂમ પૂરતું સીમિત નથી હોતું. કંઈક નવું જાણવાની જિજ્ઞાસા, લોકો સાથેનો સંવાદ અને વાસ્તવિક જીવનના અનુભવોએ તેની આ સફળતામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી છે.









