Business

શેરોમાં તેજીની હેટ્રિક : નિફટી ૯૫ પોઈન્ટ વધીને ૨૪૨૭૧ : સેન્સેક્સ ૨૬૨ પોઈન્ટ વધીને ૭૭૭૬૪

By GS Team
4 Jul 20265 mins read
TukuTouch Logo
મુંબઈ શેરબજારમાં ચોમાસાની પ્રગતિ અને HCL ટેક્નોલોજીને $1.14 બિલિયનનો મેગા કોન્ટ્રાક્ટ મળતાં તેજી આવી હતી. IT અને ફાર્મા શેરોમાં ઉછાળો જોવા મળ્યો, જ્યારે ચાઈનીઝ પાવર કંપનીઓની ભારતમાં એન્ટ્રીના કારણે કેપિટલ ગુડ્સ શેરોમાં વ્યાપક ઘટાડો થયો. FPIs/FIIs દ્વારા રૂ.1355 કરોડની ખરીદી નોંધાઈ. સેન્સેક્સ 77763.91 અને નિફ્ટી 24270.85 પર બંધ રહ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરોમાં તેજીની હેટ્રિક : નિફટી ૯૫ પોઈન્ટ વધીને ૨૪૨૭૧ : સેન્સેક્સ ૨૬૨ પોઈન્ટ વધીને ૭૭૭૬૪

ચોમાસાની સારી પ્રગતિ અને આઈટી ક્ષેત્રે એચસીએલ ટેકનોલોજીમાં મેગા ડિલનું આકર્ષણ
ફાર્મા, આઈટી શેરોમાં તેજી : ચાઈનીઝ પાવર કંપનીઓને ભારતમાં એન્ટ્રીએ કેપિટલ ગુડઝ શેરોમાં વ્યાપક ધબડકો : FPIs/FIIની રૂ.૧૩૫૫ કરોડની ખરીદી
મુંબઈ : ચોમાસાની વિલંબથી શરૂઆત બાદ સારી પ્રગતિ સાથે દેશના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદથી નબળા ચોમાસાનું જોખમ હળવું થઈ જતાં અને બીજી તરફ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ક્ષેત્રે ભારતીય કંપનીઓને ઘણા વર્ષો બાદ મેગા કોન્ટ્રેક્ટ-ડિલ મળવા લાગી એચસીએલ ટેકનોલોજીને ફોર્ચ્યુન ૫૦ કંપનીઓ પૈકી એક કંપનીનો ૧.૧૪ અબજ ડોલરનો કોન્ટ્રેક્ટ મળતાં ફંડોએ શેરોમાં આજે તેજીની હેટ્રિક લગાવી હતી. ચોમાસાના પોઝિટીવ પરિબળ સાથે ક્રુડ ઓઈલમાં હોર્મુઝ માર્ગે પુરવઠો પૂર્વવત થવા લાગતાં ક્રુડ ઓઈલના ભાવો સતત તૂટતાં અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બનવાના પોઝિટીવ પરિબળે શેરોમાં તેજીને વેગ મળ્યો હતો. હેલ્થકેર-ફાર્મા શેરોમાં સતત આકર્ષણ જળવાયું હતું. અલબત કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે સપ્તાહના અંતે સતત વેચવાલી વધતાં કડાકા બોલાયા હતા. મેટલ-માઈનીંગ શેરોમાં સિલેક્ટિવ આકર્ષણ જળવાયું હતું. રિયાલ્ટી શેરોમાં પણ ફંડો લેવાલ રહ્યા હતા. સેન્સેક્સ ઉપરમાં ૭૮૦૦૦ની સપાટી કુદાવી ૭૮૧૫૭.૫૨ સુધી જઈ અંતે ૨૬૧.૭૯ પોઈન્ટ વધીને ૭૭૭૬૩.૯૧ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઉપરમાં ૨૪૩૭૮.૧૫ સુધી પહોંચી અંતે ૯૫.૧૫ પોઈન્ટ વધીને ૨૪૨૭૦.૮૫ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં સતત વધતું વેલ્યુબાઈંગ : સુવેન, પિરામલ ફાર્મા, ડિકાલ, કોપરાન, ઝાયડસ લાઈફ વધ્યા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર ક્ષેત્રે ફરી નિકાસ વેપારો મજબૂત બનવાના અને અમેરિકી સાથે ટ્રેડ ડિલની તૈયારીએ હેલ્થકેર ક્ષેત્રને ફાયદો થવાની અપેક્ષાએ ફંડોની આજે ફાર્મા શેરોમાં સતત ખરીદી રહી હતી. સુવેન રૂ.૨૮.૯૦ વધીને રૂ.૩૨૭.૫૫, પિરામલ ફાર્મા રૂ.૭.૭૦ વધીને રૂ.૧૭૫.૯૦, ડિકાલ રૂ.૮.૬૦ વધીને રૂ.૧૯૬.૬૦, કોપરાન રૂ.૭.૬૦ વધીને રૂ.૧૯૪.૫૫, ઝાયડસ લાઈફ રૂ.૪૧.૩૫ વધીને રૂ.૧૧૪૧, ઈપ્કા લેબ. રૂ.૬૨.૫૦ વધીને રૂ.૧૭૮૦.૯૦, લુપીન રૂ.૭૭.૪૦ વધીને રૂ.૨૪૭૬.૧૦, ફાઈઝર રૂ.૧૨૭.૫૦ વધીને રૂ.૪૫૬૫.૨૦, અપોલો હોસ્પિટલ રૂ.૧૯૯.૮૦ વધીને રૂ.૮૮૯૭.૩૫, ટોરન્ટ ફાર્મા રૂ.૧૦૩ વધીને રૂ.૪૭૬૫.૬૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૬૪૬.૭૦ પોઈન્ટ ઉછળીને ૫૦૦૮૮.૪૭ બંધ રહ્યો હતો.
આઈટી ઈન્ડેક્સ ૪૦૯ પોઈન્ટ વધ્યો : ડિજિટાઈડ, ઝેનસાર, મોસચીપ, એચસીએલ ટેક., યુનિઈકોમ વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો હાઉ ઓસરવા લાગી એઆઈ હવે તકમાં પરિણમી રહ્યું હોઈ એચસીએલ ટેકનોલોજીસને યુરોપની મોટી કંપનીનો ૧.૧૪ અબજ ડોલરનો કોન્ટ્રેક્ટ મળ્યાના સમાચારે ડિલ સ્ટ્રીટમાં હલચલ વધતાં ફંડોનું ગઈકાલે જંગી શોર્ટ કવરિંગ બાદ આજે મોટું બાઈંગ થયું હતું. એચસીએલ ટેકનોલોજી રૂ.૬૨.૩૫ વધીને રૂ.૧૧૩૯.૮૫, ડિજિટાઈડ રૂ.૧૩.૫૭ વધીને રૂ.૧૦૨.૩૭, ઝેનસાર ટેકનોલોજી રૂ.૪૯.૫૫ વધીને રૂ.૫૧૬.૨૫, મોસચીપ સેમીકન્ડકટર્સ રૂ.૧૫.૨૦ વધીને રૂ.૨૨૩.૫૫, યુનિઈકોમ રૂ.૪.૬૬ વધીને રૂ.૯૧.૧૫, બીએલએસઈ રૂ.૧૨.૯૦ વધીને રૂ.૨૬૪.૯૦, મેપમાય ઈન્ડિયા રૂ.૨૫.૪૦ વધીને રૂ.૯૩૯.૧૦, એમ્ફેસીસ રૂ.૫૧.૨૦ વધીને રૂ.૨૨૯૭.૮૫, પર્સિસ્ટન્ટ રૂ.૯૮.૮૦ વધીને રૂ.૪૬૭૯.૪૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૬૨.૮૫ વધીને રૂ.૧૧,૨૪૬.૦૫, ટેક મહિન્દ્રા રૂ.૨૫.૧૦ વધીને રૂ.૧૪૧૦.૪૦, કોફોર્જ રૂ.૨૧.૫૫ વધીને રૂ.૧૪૬૩.૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૦૯.૦૯ પોઈન્ટ વધીને ૨૬૭૩૦.૪૬ બંધ રહ્યો હતો.
ચાઈનીં પાવર કંપનીઓની એન્ટ્રી : કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૮૧૮ તૂટયો : જીઈ વર્નોવા, સિમેન્સ તૂટયા
ચાઈનીઝ લિન્ક્ડ ચાર પાવર ઈક્વિપમેન્ટ કંપનીઓને ભારત સરકારે બીડ કરવા મંજૂરી આપ્યાના અહેવાલે પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ સતત મોટું ઓફલોડિંગ કરતાં વ્યાપક કડાકો બોલાયો હતો. જીઈ વર્નોવા ટી એન્ડ ડી ઈન્ડિયા રૂ.૪૨૯.૯૦ તૂટીને રૂ.૪૩૯૪.૦૫, પાવર ઈન્ડિયા રૂ.૨૭૫૫.૫૦ તૂટીને રૂ.૩૧,,૦૧૯.૦૫, સિમેન્સ એનજીૅ ઈન્ડિયા રૂ.૨૬૨.૬૫ તૂટીને રૂ.૩૨૮૬.૨૫, સીજી પાવર રૂ.૬૫.૮૫ ઘટીને રૂ.૮૯૩.૧૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯૧૮.૫૦ તૂટીને રૂ.૧૪૧૭૪.૧૦, થર્મેક્સ રૂ.૨૯૮.૩૦ ઘટીને રૂ.૪૬૧૨.૬૦, ભેલ રૂ.૧૮.૬૦ તૂટીને રૂ.૩૮૩.૫૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૮૯.૩૦ તૂટીને રૂ.૨૨૩૧.૯૦, ડાટાપેટર્નસ રૂ.૧૪૫.૫૦ ઘટીને રૂ.૪૫૦૮.૭૫, ટીમકેન રૂ.૯૪.૧૦ ઘટીને રૂ.૩૪૦૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૮૧૮.૩૭ પોઈન્ટ તૂટીને ૭૮૭૪૦.૮૩ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં વધતું આકર્ષણ : નાલ્કો રૂ.૧૬ વધીને રૂ.૩૪૮ : હિન્દુસ્તાન ઝિંક, ટાટા સ્ટીલ, અદાણી વધ્યા
મેટલ-માઈનીંગ ક્ષેત્રે ફંડોની ખરીદીનું આકર્ષણ વધતું જોવાયું હતું. અદાણી ગુ્રપ દ્વારા ઓરિસ્સામાં એલ્યુમીનિયમ ક્ષેત્રે જંગી ૧૧.૫ અબજ ડોલરનું રોકાણ કરવાનું જાહેર થતાં અને ટાટા સ્ટીલની નેધરલેન્ડ પ્રોજેક્ટ માટે વાટાઘાટ અને કંપનીને ડચ બિઝનેસ થકી મોટા આશાવાદે મેટલ-માઈનીંગ શેરોમાં સતત વેલ્યુબાઈંગ વધ્યું હતું. નાલ્કો રૂ.૧૫.૫૦ વધીને રૂ.૩૪૭.૭૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૮.૧૦ વધીને રૂ.૫૩૬.૭૫, ટાટા સ્ટીલ રૂ.૨.૭૦ વધીને રૂ.૧૮૯.૮૫, સેઈલ રૂ.૨ વધીને રૂ.૧૭૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૪ વધીને રૂ.૩૨૧૨.૨૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૦.૧૦ વધીને રૂ.૧૦૫૩.૮૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૫૬.૨૦ પોઈન્ટ વધીને ૪૦૫૪૭.૬૬ બંધ રહ્યો હતો.
સારા ચોમાસા છતાં ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ : ટીઆઈ ઈન્ડિયા, ટાટા મોટર્સ કમર્શિયલ, અપોલો ઘટયા
ચોમાસાની વિલંબે પણ સારી શરૂઆત થયા સાથે જૂન મહિનાના વાહનોના વેચાણના આંકડા પ્રોત્સાહક આવતાં બે દિવસ ઓટોમોબાઈલ શેરોમાં તેજી બાદ આજે ઉછાળે પ્રોફિટ બુકિંગ થયું હતું. ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૧૫.૭૦ ઘટીને રૂ.૨૯૭૭.૦૫, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૮.૨૦ ઘટીને રૂ.૪૩૨.૦૫, અપોલો ટાયર રૂ.૬.૯૦ ઘટીને રૂ.૪૪૯.૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૫.૩૫ ઘટીને રૂ.૩૧૩૭.૯૦, બજાજ ઓટો રૂ.૭૬.૧૫ ઘટીને રૂ.૯૭૮૩.૨૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૫૨.૨૯ પોઈન્ટ ઘટીને ૫૯૭૬૬.૪૦ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી શેરોમાં ફંડોની મજબૂતી : લોઢા ડેવલપર્સ, ઓબેરોય રિયાલ્ટી, અનંતરાજ, ડીએલએફમાં તેજી
ચોમાસાના પરિણામે અને પશ્ચિમ એશિયા યુદ્વની સ્થિતિ શાંત થતાં પ્રોપર્ટી માર્કેટમાં ફરી હલચલ વધવાના અને પ્રીમિયમ પ્રોપર્ટીની માંગ વધ્યાના અહેવાલોએ રિયાલ્ટી શેરોમાં આજે ફંડોની ખરીદી વધી હતી. લોઢા ડેવલપર્સમાં ફિડેલિટી દ્વારા રૂ.૧૮૬૪ કરોડનું રોકાણ કરી બે ટકા જેટલું હોલ્ડિંગ ખરીદાતાં શેર રૂ.૫૨ વધીને રૂ.૧૦૫૭.૧૦ રહ્યો હતો. ઓબેરોય રિયાલ્ટી રૂ.૬૫.૧૫ વધીને રૂ.૧૯૩૦.૨૫, અનંત રાજ રૂ.૧૭.૬૫ વધીને રૂ.૫૫૪.૯૦, બ્રિગેડ રૂ.૧૩ વધીને રૂ.૫૧૪.૨૫, ફિનિક્સ રૂ.૩૮.૧૫ વધીને રૂ.૨૦૪૮.૮૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૨૭.૪૦ વધીને રૂ.૧૯૯૫.૬૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૫૧.૨૨ પોઈન્ટ વધીને ૬૯૫૧.૦૮ બંધ રહ્યો હતો.
FPIs/FIIની રૂ.૧૩૫૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૯૫૪ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૩૫૫.૩૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૩,૩૩૭.૩૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૯૮૨ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૧૯૫૩.૮૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૮,૬૭૬.૩૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૦,૬૩૦.૨૪ કરોડની વેચવાલી કરી હતી.
સપ્તાહના અંતે પ્રોફિટ બુકિંગ સાથે સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં મર્યાદિત ખરીદી : ૨૧૯૫ શેરો પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ સુધારાની હેટ્રિક સામે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ફંડોની સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં મર્યાદિત ખરીદી રહેતાં માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૬૭ સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૨૪૬૪ અને ઘટનારની સંખ્યા ૧૮૩૨ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩૯ હજાર કરોડ વધીને રૂ.૪૮૦.૧૯ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીની હેટ્રિક સામે ફંડોની એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી સામે કેપિટલ ગુડઝ શેરોમાં કડાકાના પરિણામે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં મર્યાદિત રૂ.૩૯ હજાર કરોડ વધીને રૂ.૪૮૦.૧૯ લાખ રહ્યું હતું.