Get The App

સૌરાષ્ટ્રમાં સિંગતેલમાં એક જ દિવસમાં રૂ. 40નો વધારો, મહિનામાં રૂ. 200 ભાવ ઉછળ્યો

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્રમાં સિંગતેલમાં એક જ દિવસમાં રૂ. 40નો વધારો, મહિનામાં રૂ. 200 ભાવ ઉછળ્યો 1 - image


Oil Prices Surge: ગુજરાતમાં મગફળીનું વિક્રમજનક ઉત્પાદન થયું હોવા છતાં સામાન્ય જનતાને સસ્તું તેલ મળવાને બદલે મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. રાજકોટ તેલ બજારમાં સિંગતેલના ભાવમાં કૃત્રિમ તેજી દેખાઈ રહી છે, જેમાં એક જ દિવસમાં ડબ્બા દીઠ 40 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં જ સિંગતેલના ડબ્બે 200 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.

માંગ સ્થિર છતાં ભાવમાં તોતિંગ વધારો

બજારના નિષ્ણાતોના મતે, આ તેજી પાછળ કોઈ દેખીતું કારણ જણાતું નથી કારણ કે બજારમાં અત્યારે માંગ સ્થિર છે અને પુરવઠો પૂરતા પ્રમાણમાં છે. તેમ છતાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સિંગતેલના 15 કિલોના નવા ડબ્બાનો ભાવ વધીને 2735થી 2785 રૂપિયા સુધી પહોંચી ગયો છે. 22મી ડિસેમ્બરની સરખામણીએ એક મહિનામાં 200 રૂપિયા અને છેલ્લા પખવાડિયામાં જ 170 રૂપિયાનો વધારો થયો છે.

આ પણ વાંચો: ₹12,638ના ઉછાળા સાથે ચાંદી ઐતિહાસિક ટોચે, સોનું પણ ₹1.59 લાખને પાર, તમામ રેકોર્ડ તૂટ્યાં


મગફળીનું રૅકોર્ડ ઉત્પાદન છતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

આ વર્ષે મગફળીનું ઉત્પાદન ગત વર્ષ કરતાં 30 ટકા વધુ હોવા છતાં ભાવમાં ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે. સરકારી તંત્રની નિષ્ક્રિયતા અને નફાખોરીને કારણે ગ્રાહકોને મોંઘું તેલ ખરીદવાની ફરજ પડી રહી છે. માત્ર સિંગતેલ જ નહીં, અન્ય ખાદ્યતેલોમાં પણ ભાવવધારો જોવા મળ્યો છે. કપાસિયા તેલમાં એક મહિનામાં 115 રૂપિયાનો વધારો. પામતેલમાં એક મહિનામાં 105 રૂપિયાનો વધારો. રૅકોર્ડબ્રેક ઊંચાઈએ પહોંચેલા કોપરેલ તેલમાં મહિનામાં 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં સિંગતેલમાં એક જ દિવસમાં રૂ. 40નો વધારો, મહિનામાં રૂ. 200 ભાવ ઉછળ્યો 2 - image

માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ 1500 રૂપિયાને પાર

સિંગતેલમાં 200 રૂપિયા વધવા સાથે રાજકોટ યાર્ડમાં મગફળીના ભાવ પણ પ્રથમવાર 1500 રૂપિયાને પાર થઈ ન્યુનત્તમ 1230 રૂપિયાથી મહત્તમ 1530 રૂપિયા સુધી પહોંચ્યા છે. સારી મગફળીના ભાવ સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધુ મળે છે.