Employee PF interest Rate: સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે EPF પર 8.25% વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. એક સત્તાવાર સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, આ આદેશ બાદ ચાલુ મહિનામાં જ દેશના 7 કરોડથી વધુ સક્રિય સભ્યોના ખાતામાં વ્યાજની રકમ જમા થવાની પ્રબળ શક્યતા છે.
સામાન્ય પ્રક્રિયા હેઠળ, EPFO દ્વારા નક્કી કરાયેલા વ્યાજદરને જ્યારે નાણાં મંત્રાલય અંતિમ મંજૂરી આપે છે, ત્યાર બાદ જ તે ગ્રાહકોના ખાતામાં ક્રેડિટ કરવામાં આવે છે. સૂત્રે જણાવ્યું હતું કે, નાણાં મંત્રાલયે EPFOની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા 'સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ' (CBT) દ્વારા ભલામણ કરાયેલા 8.25% વ્યાજદરના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.
સતત ત્રીજા વર્ષે વ્યાજદર યથાવત
આ અગાઉ, 2 માર્ચ 2026ના રોજ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી CBTની બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26 માટે વ્યાજદર 8.25% રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે સરકારે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરીને તેને સ્થિર રાખ્યો છે. ભારત સરકાર EPF ફંડ માટે ગેરન્ટર હોવાથી, CBTના આ નિર્ણયને નાણાં મંત્રાલયની અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો.
નાણાં મંત્રાલયે તમામ ટેકનિકલ અને નાણાકીય પાસાઓની તપાસ કર્યા બાદ આ પ્રસ્તાવ પર મહોર લગાવી દીધી છે. શ્રમ મંત્રાલયના નિર્દેશો અનુસાર, EPFO દ્વારા આ મહિનાના અંત સુધીમાં તમામ સબ્સ્ક્રાઇબર્સના ખાતામાં FY26 માટેનું વ્યાજ જમા કરી દેવામાં આવશે. વળી, EPFO દ્વારા વિકસાવવામાં આવેલી નવી આધુનિક સિસ્ટમના કારણે આ વખતે વ્યાજની રકમ સભ્યોના ખાતામાં કોઈ પણ વિલંબ વગર તરત જ ટ્રાન્સફર થઈ જશે.
છેલ્લા કેટલાક વર્ષોના વ્યાજદરનો ટ્રેન્ડ
અગાઉના વર્ષો પર નજર કરીએ તો EPFOએ વ્યાજદરમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે:
• FY25 (2024-25): ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ EPFOએ વ્યાજદર 8.25% પર યથાવત રાખ્યો હતો.
• FY24 (2023-24): વર્ષ 2024માં EPFOએ વ્યાજદર 8.15%થી વધારીને 8.25% કર્યો હતો.
• FY22 (2021-22): માર્ચ 2022માં વ્યાજદર ઘટાડીને 8.10% કરવામાં આવ્યો હતો, જે તે સમયે છેલ્લા 4 દાયકાનો સૌથી નીચો સ્તર હતો. આ પૂર્વે 1977-78માં વ્યાજદર 8% નોંધાયો હતો.
• FY20 (2019-20): માર્ચ 2020માં PF પરનો વ્યાજદર 8.65%થી ઘટાડીને 8.5% કરવામાં આવ્યો હતો.
• અન્ય વર્ષો: EPFOએ સભ્યોને 2016-17માં 8.65%, 2017-18માં 8.55% અને 2015-16માં 8.8% વ્યાજ આપ્યું હતું. જ્યારે 2013-14 અને 2014-15માં આ દર 8.75% હતો.


