કરોડો કર્મચારી માટે ગુડ ન્યૂઝ, EPFO આ તારીખ સુધી વ્યાજ જમા કરી દેશે! નવી સિસ્ટમ લાગુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

EPFO interest credit 2026: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ પીએફ એકાઉન્ટ હોલ્ડર્સ માટે ખુશખબર આપી છે. ઈપીએફઓ દ્વારા આગામી 15 જુલાઈ સુધીમાં દેશના આશરે 34 કરોડ પીએફ ખાતાઓમાં 8.25% લેખે વ્યાજ જમા કરી દેવામાં આવશે. આ વખતે અંદાજે 1.44 લાખ કરોડ રૂપિયાનું વ્યાજ એક નવી સિસ્ટમ દ્વારા ખાતાઓમાં ક્રેડિટ થવાનું છે, જેના કારણે સભ્યોએ વ્યાજના પૈસા મેળવવા માટે ઓક્ટોબર કે નવેમ્બર મહિના સુધી લાંબી રાહ જોવી નહીં પડે.
નવી સેન્ટ્રલાઈઝ્ડ આઈટી સિસ્ટમ (CITES 2.01) અમલી
પીએફ સાથે જોડાયેલી સેવાઓને વધુ સરળ, પારદર્શક અને ઝડપી બનાવવા માટે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ નવી ‘CITES 2.01’ (સેન્ટ્રલાઈઝ્ડ આઈટી ઇનેબલ્ડ સર્વિસીસ) પ્રક્રિયા લાગુ કરવાની જાહેરાત કરી છે. આ વ્યવસ્થા હેઠળ દેશભરના તમામ પીએફ ખાતાઓનો ડેટા હવે એક જ સેન્ટ્રલાઈઝ્ડ ડેટાબેઝમાં રહેશે. પહેલાં દરેક ઓફિસનો ડેટાબેઝ અલગ હોવાથી કર્મચારીઓએ જે-તે ઓફિસ પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે સભ્યો દેશની કોઈપણ અધિકૃત EPFO ઓફિસમાંથી પોતાની સર્વિસ મેળવી શકશે.
પીએફ ઉપાડવું બન્યું સરળ, ભૂલો પહેલાં જ પકડાઈ જશે
આ નવા પોર્ટલ પર પીએફ બેલેન્સ, ક્લેમ સ્ટેટસ, સર્વિસ રેકોર્ડ અને પેન્શન જેવી તમામ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ બનશે. નવી સિસ્ટમની ખાસિયત એ છે કે તે ક્લેમ સબમિટ કરતા પહેલાં જ દસ્તાવેજો કે માહિતીમાં રહેલી ભૂલોને પકડી પાડશે, જેથી ક્લેમ રિજેક્ટ (નામંજૂર) થવાની શક્યતા ખૂબ ઓછી થઈ જશે. ખાતાધારકો એ પણ જોઈ શકશે કે તેઓ કઈ કેટેગરીમાં કેટલી રકમ ઉપાડવા માટે પાત્ર છે. આ ઉપરાંત, પીએફ વિડ્રોઅલના 13 જટિલ નિયમોને ઘટાડીને હવે માત્ર 3 સરળ કેટેગરીમાં ફેરવી દેવાયા છે, જેનાથી સભ્યો પોતાના કુલ પીએફ બેલેન્સના 75% સુધીની રકમ સરળતાથી ઉપાડી શકશે.
ઑટો ક્લેમ સેટલમેન્ટની મર્યાદા વધીને 5 લાખ થઈ
EPFO દ્વારા ઓટો ક્લેમ સેટલમેન્ટના નિયમોમાં પણ મોટો રાહતભર્યો ફેરફાર કરાયો છે. હવે સંપૂર્ણ રીતે KYC વેરિફાઈડ એકાઉન્ટ ધરાવતા સભ્યો માટે એડવાન્સ ક્લેમની ઓટો અપ્રૂવલ લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને સીધી 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. જો ક્લેમ દરમિયાન કોઈ વધારાની સ્પષ્ટતાની જરૂર હશે, તો EPFO ઓનલાઈન જ પ્રશ્નો પૂછશે અને સભ્યો પણ ઓનલાઈન જવાબ આપી શકશે. આનાથી લોકોને કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને જે દિવસે ક્લેમ મંજૂર થશે, તે જ દિવસે રકમ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. ખાસ વાત એ છે કે હવે ફાઈનલ પેમેન્ટની મંજૂરીની તારીખ સુધીનું વ્યાજ ચૂકવવામાં આવશે.
નોકરી બદલનારા અને પેન્શનર્સ માટે ગુડ ન્યૂઝ
નોકરી બદલતા કર્મચારીઓ માટે હવે પીએફ ટ્રાન્સફર કરવાની ઝંઝટ પૂરી થઈ ગઈ છે. આધાર કાર્ડ સાથે લિંક થયેલા UAN ધરાવતા ખાતાધારકોની નોકરી બદલાતા જ તેમનું પીએફ એકાઉન્ટ અને સેવાનો સમયગાળો આપોઆપ (ઓટો ટ્રાન્સફર) નવી કંપનીના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. આ માટે જૂના કે નવા માલિકની મંજૂરી લેવાની જરૂર નહીં રહે. આ સિવાય, EPS પેન્શનધારકો માટે પણ કેન્દ્રીયકૃત પેન્શન ચુકવણી પ્રણાલી (CPPS) લાગુ કરાઈ છે, જેનાથી તેઓ દેશની કોઈપણ બેંક કે EPFO ઓફિસમાંથી પેન્શન મેળવી શકશે અને પોતાનું લાઈફ સર્ટિફિકેટ (હયાતીની ખાતરી) પણ સબમિટ કરી શકશે.









