Business

E20 પેટ્રોલથી પરેશાની વચ્ચે ગ્રાહકો માટે સારા સમાચાર, જાણો શું છે સરકારની તૈયારી?

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
E20 પેટ્રોલથી વાહનોના માઈલેજ અને એન્જિનને થતા નુકસાન અંગે ચિંતા વધી છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ 2 થી 6 ટકા માઈલેજ ઘટતી હોવાનું સ્વીકાર્યું હતું. હવે, સરકાર જૂના વાહનો માટે E10 પેટ્રોલનો વિકલ્પ ફરીથી ઉપલબ્ધ કરાવવા વિચારી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલય સરકારી તેલ કંપનીઓ સાથે પ્રીમિયમ ઓક્ટેન 95 ઇંધણમાં 10% એથેનોલ (E10) મિશ્રણ અંગે ચર્ચા કરી રહ્યું છે, જેથી વાહનચાલકોને રાહત મળી શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

E20 પેટ્રોલથી પરેશાની વચ્ચે ગ્રાહકો માટે સારા સમાચાર, જાણો શું છે સરકારની તૈયારી?

E10 Petrol Return India : દેશમાં E20 પેટ્રોલના કારણે જૂના વાહનોના એન્જિન અને માઇલેજ પર પડી રહેલી માઠી અસરને લઈને વાહનચાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સામાન્ય લોકોની ફરિયાદ છે કે E20 પેટ્રોલના કારણે તેમના વાહનોની માઇલેજ ઘટી ગઇ છે અને વારંવાર સર્વિસ કરાવવી પડે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ પણ સંસદમાં સ્વીકાર્યું હતું કે E20 ફ્યુઅલના કારણે વાહનની ક્ષમતા મુજબ 2 થી 6 ટકા સુધી માઇલેજ ઘટી શકે છે. જનતાની આ વધતી નારાજગી વચ્ચે હવે સરકાર જૂના વાહનો માટે અનુકૂળ ગણાતા E10 પેટ્રોલનો વિકલ્પ ફરીથી ઉપલબ્ધ કરાવવા માટે ગંભીરતાથી વિચારણા કરી રહી છે.

પ્રીમિયમ ઓક્ટેન 95 ઇંધણમાં E10 મિશ્રણનો પ્રસ્તાવ

સૂત્રોના જણાવ્યા અનુસાર, પેટ્રોલિયમ મંત્રાલય દેશની સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) સાથે ચર્ચા કરી રહ્યું છે. જો યોજના સફળ રહેશે તો XP95, Speed અને Power95 જેવા 'બ્રાન્ડેડ' અથવા પ્રીમિયમ ઓક્ટેન 95 ઇંધણમાં 20% ના બદલે માત્ર 10% એથેનોલ (E10) મિશ્રિત કરીને વેચવામાં આવી શકે છે. આનાથી અલગથી E10 માટે નવું સ્ટોરેજ કે ડિસ્પેન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જરૂર નહીં પડે, કારણ કે E20 થી પરેશાન લોકો હાલમાં આ પ્રીમિયમ પેટ્રોલ તરફ શિફ્ટ થઈ રહ્યા છે.

ભારતમાં એથેનોલ બ્લેન્ડિંગનો ઇતિહાસ અને ટેકનિકલ પાસાં

ભારતમાં એથેનોલ મિશ્રણ કાર્યક્રમની શરૂઆત 2001 માં એક પાઇલટ પ્રોજેક્ટ તરીકે થઈ હતી. 2006 માં E5 લાવવામાં આવ્યું હતું, જ્યારે 2013-14 માં બ્લેન્ડિંગનું પ્રમાણ માત્ર 1.53% હતું, જે આજે વધીને 20% સુધી પહોંચી ગયું છે. નિતિન ગડકરી અનુસાર, E20 ફ્યુઅલથી ઉત્સર્જનમાં 30% સુધીનો ઘટાડો થાય છે અને રાઇડ ક્વોલિટી સારી રહે છે. જોકે, ગ્રાહકોના સંતોષ માટે ઓક્ટેન 95 ને E10 તરીકે રજૂ કરવું વ્યવહારુ છે કે નહીં તેની અત્યારે સમીક્ષા થઈ રહી છે.

પ્રીમિયમ અને નોર્મલ પેટ્રોલના ભાવનું ગણિત

હાલમાં દિલ્હીમાં સામાન્ય પેટ્રોલ 102 રૂપિયા પ્રતિ લીટર મળે છે, જ્યારે ઓક્ટેન 95 એટલે કે XP95 અને Speed જેવા પ્રીમિયમ પેટ્રોલનો ભાવ 110 થી 115 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ છે. આ સિવાય લક્ઝરી કાર્સ માટે ઓક્ટેન 100 પણ ઉપલબ્ધ છે જે 150 થી 170 રૂપિયા પ્રતિ લીટરે મળે છે અને તેમાં એથેનોલ હોતું નથી. જો સરકાર ઓક્ટેન 95 માં E10 મિશ્રણ મંજૂર કરશે, તો તેનાથી લાખો વાહનચાલકોને મોટી રાહત મળશે અને તેમના વાહનોનું એન્જિન પણ સુરક્ષિત રહેશે.