સોનામાં રૂ.૪૦૦૦,ચાંદીમાં રૂ.૫૦૦૦ની ઝડપી તેજી:ક્રૂડ વધીને ૯૭ ડોલરને પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વ બજારમાં સોનું ફરી ઉછળી ૪૫૦૦ ડોલર નજીક
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઘટતા અટકી ઝડપી પ્રત્યાઘાતી ઉછળ્યા હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારોમાં મંદી અટકી આજે ફરી તેજી આવી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦૦ ઉછળ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૫૦૦૦ ઉછળ્યા હતા.
વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૩૪૦ વાળા વધી ૪૪૯૧ ડોલર ઉંચામાં થયા પછી ૪૪૮૬થી ૪૪૮૭ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટતાં તથા ક્રૂડતેલના ભાવ ફરી ઉછળતાં વૈશ્વિક સોનામાં આજે ઘટયા મથાળે ફંડોનું બાઈંગ ફરી વધ્યાના નિર્દેશો મળ્યા હતા. દરમિયાન, ક્રૂડતેલ બજારમાં વૈશ્વિક સ્તરે આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ ફરી ઉછળી બેરલદીઠ ભાવ ઉંચામાં ૯૭.૬૨ ડોલર થઈ ૯૬.૬૭ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ વધી ૯૩.૧૪ થઈ ૯૨.૪૬ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૮૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૯૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨૩૮૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંસના ૬૪.૪૮ વાળા ઉંચામાં ભાવ ૬૬.૪૮ થઈ ૬૬.૪૪થી ૬૬.૪૫ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએટી વગર રૂ.૨૮૦૦ ઉંચકાઈ ૯૯૫ના ભાવ રૂ.૧૫૩૩૨૫ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૩૯૪૧ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૪૧૦૦ વધી રૂ.૨૩૨૫૩૩ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ વધી ઔંસના ૧૮૦૩ થઈ ૧૮૦૦ ૧૮૦૧ ડોલર રહ્યા હતા જ્યારે મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૧૦૦ ઘટી રૂ.૫૯૯૯૮ રહ્યા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ઔંસના ઉંચામાં ૧૩૭૯ રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૮૯ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૪૫ લાખ બેરલ્સ ઘટયાના સમાચાર હતા.




