Get The App

ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ! એકઝાટકે રૂ. 29 હજાર સસ્તી થઈ ચાંદી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ! એકઝાટકે રૂ. 29 હજાર સસ્તી થઈ ચાંદી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો 1 - image

Gold Silver Market Crash: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગ્લોબલ માર્કેટ હચમચી ગયું છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ દરમિયાન ઓઇલ સપ્લાયના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવતા આગામી સમયમાં ગેસ અને ઓઇલની અછત વધી શકે છે. આ જંગની અસર એવી થઈ રહી છે કે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. બીજી તરફ શેરબજાર અને સોના-ચાંદી ધડામ થઈ રહ્યા છે. બંને કિંમતી ધાતુઓમાં દરરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેડ તરફથી વ્યાજદરમાં કોઈ પ્રકારનો કાપ ન મૂકવામાં આવતા અને યુદ્ધની અસર ગુરુવારે ભારતીય શેરબજારની સાથે સોના-ચાંદી પર પણ જોવા મળી હતી. ધરેલું બજાર તેમજ MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર પણ ગોલ્ડ અને સિલ્વરના રેટમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

કેમ ઘટ્યું અને કેટલું ઘટ્યું?

ઈઝરાયલ તરફથી પારસ ગેસ ફિલ્ડ પર હુમલો, ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો ન કરવો અને HDFC બૅંકના પાર્ટ-ટાઇમ ચેરમેનના રાજીનામાની અસર ગુરુવારે સવારે શેરબજારની સાથે સોના-ચાંદીની કિંમત પર પણ જોવા મળી હતી. સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં જ 2000 પોઇન્ટથી વધુ તૂટી ગયો હતો. સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો બંને કિંમતી ધાતુઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ibjarates.com પર જાહેર કરાયેલા રેટ મુજબ ગુરુવારે 24 કેરેટ સોનું 4000 રૂપિયા અને ચાંદી 13000 રૂપિયાથી વધુ તૂટી ગઈ હતી. તો MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનામાં 9 હજાર રૂપિયા તો ચાંદીમાં 29 હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.

MCX પર સોના અને ચાંદીના ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો રેટ 6% અને ચાંદી 12 ટકાથી વધુ નીચે સરકી ગઈ હતી. તેનું મોટું કારણ મજબૂત અમેરિકન ડૉલર અને ઊંચા વ્યાજદરોને લઈને ઊભી થયેલી ચિંતા રહી હતી. MCX પર સોનું સાંજે 6:15 વાગ્યા સુધી 6 ટકાથી વધુ એટલે કે 9000 રૂપિયાથી વધુ ઘટીને 1,43,844 પર જ્યારે ચાંદી 12 ટકાથી વધુ એટલે કે 29,700 રૂપિયાથી વધુ તૂટીને 2,18,411 પર આવી ગઈ છે.

સોનું 40 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે આવ્યું

ibjarates.comની વેબસાઇટ પર જાહેર કરાયેલા ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનું ઘટીને 1,51,030 રૂપિયા પર પહોંચી ગયું છે. તેવી જ રીતે 22 કેરેટ ગોલ્ડ ઘટીને 1,38,899 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું. મહત્ત્વનું છે કે યુદ્ધ પહેલા 1,92,000 રૂપિયાના રૅકોર્ડ લેવલ પર પહોંચેલું ગોલ્ડ 40000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તૂટીને 151637 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે.

પોણા બે લાખ રૂપિયાથી વધુ તૂટી ચાંદી

ચાંદીની વાત કરીએ તો તે તેના રૅકોર્ડ હાઇ લેવલથી પોણા બે લાખ રૂપિયા પ્રતિ કિલોથી વધુ તૂટી ગઈ છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીનો ભાવ તેજીની સાથે રૅકોર્ડ હાઈ 4.20 લાખ રૂપિયા પર નોંધાયો હતો. પરંતુ હવે તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ibjarates.com મુજબ ગુરુવારે ચાંદી 2,36,809 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. આ રીતે તેમાં અંદાજે 1.85 લાખ રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ગુરુવારે (19 માર્ચ 2026) પણ ચાંદીના ભાવમાં 13000 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો: શેરબજારમાં મોટો આંચકો, સેન્સેક્સમાં 2400થી વધુનો તો નિફ્ટીમાં 750 પોઇન્ટથી વધુનો કડાકો