Business

સોનામાં રૂ.અઢી હજારનો કડાકો: ચાંદી વધુ રૂ.૭૦૦૦ તૂટી સાત માસના તળિયે

By GS Team
26 Jun 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરીબજારમાં સોના-ચાંદીમાં મોટો કડાકો બોલાયો છે. વૈશ્વિક બજારમાં સોનું 4000 ડોલરની સપાટી ગુમાવી ઔંશ દીઠ $3963 થયું. ક્રૂડતેલ $70ની અંદર ગયું. અમદાવાદમાં સોનું 10 ગ્રામના રૂ.2500 અને ચાંદી કિલોના રૂ.7000 તૂટ્યા. ડોલર સામે રૂપિયો મજબૂત થતા આયાત સસ્તી થઈ, જેથી ઘરેલુ બજારમાં ભાવ ઘટ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનામાં રૂ.અઢી હજારનો કડાકો: ચાંદી વધુ રૂ.૭૦૦૦ તૂટી સાત માસના તળિયે
  • વિશ્વબજારમાં સોનાએ ૪૦૦૦ ડોલરની સપાટી ગુમાવી
    મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં મંદી ઝડપી આગળ વધી હતી તથા ભાવમાં નવા કડાકાઓ જોવા મળ્યા હતા. પ્લેટીમના ભાવ પણ તૂટયા હતા. વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવ વધુ તૂટયાના સમાચાર હતા. વિશ્વબજાર તૂટતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ પણ ઘટી જતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી છે તથા તેના પગલે બજાર ભાવ તૂટતાં જોવા મળ્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
    વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઘટી બેરલના ૭૦ ડોલરની અંદર જતા રહ્યા હતા. વિશ્વબજારમાં ફંડોનું સેલીંગ વધતાં વૈશ્વિક સોનાના ભાવ ગબડી ઔંશના ૪૦૦૦ ડોલરની અંદર ઉતર્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૫૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના વધુ રૂ.૭૦૦૦ ગબડયા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૦૪૭થી ૪૦૪૮ ડોલરવાળા તૂટી નીચામાં ભાવ ૩૯૬૩ થઈ ૩૯૮૩થી ૩૯૮૪ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૫૯.૪૫ ડોલરથી ઘટી નીચામાં ભાવ ૫૬.૩૫ થઈ ૫૭.૨૪થી ૫૭.૨૫ ડોલર રહ્યા હતા. અમેરિકામાં આગળ ઉપર વ્યાજ દર વધવાની શક્યતા વચ્ચે વિશ્વબજારમાં સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર હતા. ચાંદીના ભાવ વધુ ઘટી હવે ૫૦ ડોલર તથા ક્રૂડના ભાવ વધુ ઘટી ૬૦ ડોલર થવાની શક્યતા હવે બજારમાં ચર્ચાતી થઈ હતી. ચાંદીના ભાવ આ સપ્તાહમાં ૧૪થી ૧૫ ટકા તૂટી સાત મહિનાના તળીયે ઉતર્યા છે.
    અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ તૂટી ૯૯૫ના રૂ.૧૪૪૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૫૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ગબડી રૂ.૨૨૩૦૦૦ બોલાયા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ વધુ રૂ.૨૩૦૦ તૂટયા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ આજે વધુ રૂ.૫૫૦૦ તૂટયા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૭૨.૦૬ થઈ ૭૩.૦૮ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના તૂટી નીચામાં ૬૮.૯૦ થઈ ૬૯.૮૧ ડોલર રહ્યા હતા. દરમિયાન, ઈરાને પોતાના ક્રૂડનો ક્વોટા વધારવા માટે ઓપેકને વિનંતી કરી છે અને ઓપેક જો આ વિનંતી સ્વીકારશે નહિં તો ઓપેક સાથે છેડો ફાડી નાંખવાની ચેતવણી પણ ઈરાને આપી હોવાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૩૯૩૧૩ તથા ૯૯૯ના રૂ.૧૩૯૮૭૩ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ઘટી રૂ.૨૧૫૪૮૫ થઈ રૂ.૨૧૬૫૪૧ રહ્યા હતા.વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઘટી ૧૫૯૨ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૧૯૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જોકે આજે ૧.૩૫ ટકા વધ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે પ્લેટીમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૫૦૦ તૂટી રૂ.૫૩૫૧૨ બોલાયા હતા.