Business

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિટેલ લોનમાં સૌથી વધુ વૃદ્ધિ ગોલ્ડ લોનમાં જોવાઇ

By GS TEAM
25 Nov 20252 mins read
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં  રિટેલ લોનમાં સૌથી વધુ વૃદ્ધિ ગોલ્ડ લોનમાં જોવાઇ

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિકમાં દેશના ધિરાણદારો  સલામત ધિરાણ  તથા જાણીતા બોરોઅરોને જ લોન પૂરી પાડવા તરફ વળ્યા હોવાનું જોવા મળ્યું છે. એસેટ કવોલિટી તથા જોખમ સંચાલનને ધિરાણદારો પ્રાધાન્ય આપી રહ્યાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સૌથી વધુ વૃદ્ધિ ગોલ્ડ લોનમાં જોવા મળી છે. 

બેન્કો તથા નોન બેન્કિૅગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસીસ) સલામત ધિરાણ જ પૂરા પાડી રહ્યા છે એટલું જ નહીં નવા બોરોએરોને ધિરાણ પૂરા પાડવાનું ટાળી રહ્યા છે. વેપારગૃહોને ધિરાણ પૂરા પાડવામાં પસંદગી ધરાવી રહ્યા છે. 

વર્તમાન વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિટેલ લોન્સમાં સૌથી વધુ વૃદ્ધિ ગોલ્ડ લોન સેગમેન્ટસમાં જોવા મળી છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ગોલ્ડ લોન્સ વાર્ષિક ધોરણે ૩૫.૮૦ ટકા વધી રૂપિયા ૧૪,૫૦,૦૦૦ કરોડ રહી છે જ્યારે ત્રિમાસિક ધોરણે આ વધારો ૮.૬૦ ટકા રહ્યો છે.

ગોલ્ડ લોનમાં એસેટ કવોલિટીમાં સુધારો થયો છે કારણ કે તે કોલેટરલ આધારિત છે અને તેના ધોરણો પણ સખત બનાવાયા છે. 

અનસિકયોર્ડ ધિરાણ પરના ધોરણોને વધુ સખત બનાવાયા છે ત્યારે વ્યક્તિઓ તથા નાના  વેપાર ગૃહો ગોલ્ડ સામે લોન લેવાનું વધુ પસંદ કરી રહ્યા હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

સમીક્ષા હેઠળના ગાળામાં હોમ લોન્સમાં ૧૧.૧૦ ટકા વધારો થઈ તે રૂપિયા ૪૨,૧૦,૦૦૦ કરોડ પર પહોંચી છે. ત્રિમાસિક ધોરણે આ વૃદ્ધિ ૨.૧૦ ટકા છે. 

ધિરાણદારોએ અનસિકયોર્ડ લોન્સ પૂરી પાડવા પર કાપ મૂકયો છે. નવા બોરોઅરોમાં વધુ પસંદગીકૃત રહ્યા છે. નવા બોરોઅરોને ધિરાણના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.