સોનું રૂ.1,02,500ની વિક્રમી ટોચે : ક્રૂડતેલ ઉછળ્યા પછી ઝડપી ગબડયું
- વૈશ્વિક સોનું ઉંચામાં ૩૩૯૫ થયા પછી તૂટી ૩૩૪૭ ડોલર
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર જો કે ભાવમાં બેતરફી ઉછળકુદ બતાવી રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના રૂ.૧૦૨૫૦૦ બોલાતા નવી ઉંચી ટોચ દેખાઈ હતી.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૬૮થી ૩૩૬૯ વાળા વધી ઉંચામાં ભાવવ ૩૩૯૫ થયા પછી નીચામાં ભાવ ૩૩૪૭ થઈ ૩૩૫૯થી ૩૩૬૦ ડોલર રહ્યા હતા.
ઈરાન, ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકા દાખલ થતાં વિશ્વ બજારમાં સોનાના ભાવ એક તબક્કે ઉછળી ૩૪૦૦ ડોલરની નજીક પહોંચી ગયા હતા પરંતુ ત્યારબાદ ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી નિકળી હોવાના સમાચાર મળ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાતાં દેશના ઝવેરી બજારોમાં તેજીની અસર દેખાઈ હતી.
જો કે ઉંચા મથાળે નવી માગ ધીમી રહી હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૧૦૨૨૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૧૦૭૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ૩૬.૦૧થી ૩૬.૦૨ વાળા ઉંચામાં ભાવ ૩૬.૨૪ તથા નીચામાં ભાવ ૩૫.૮૩ થઈ ૩૬.૦૪થી ૩૬.૦૫ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૮૬૫૦ વાળા રૂ.૯૮૯૫૦ તથા ૯૯૯ના રૂ.૯૯૦૫૦ વાળા રૂ.૯૯૩૪૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૬૩૦૦ વાળા રૂ.૧૦૭૦૬૩ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી બેરલના ઉંચામાં ૮૧ ડોલર પાર કરી ગયા પછી ઉંચેથી ઝડપી તૂટયાના સમાચારની વૈશ્વિક સોનાના ભાવ પર ઉંચામાં નેગેટીવ ઈમ્પેકટ દેખાઈ હતી. વોર ઈફેકટ વચ્ચે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ વધી ઉંચામાં ૮૧.૪૦ થયા પછી ગબડી નીચામાં ભાવ ૭૬.૩૫ થઈ ૭૬.૯૩ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૭૮.૪૦ તથા નીચામાં ભાવ ૭૩.૧૬ થઈ ૭૩.૫૫ ડોલર રહ્યા હતા.
ઉંચા મથાળે નવી માગ રુંઘાઈ હતી. ઈરાન હવે કેવો પ્રતિકાર કરે છે તેના પર નજર હતી. દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઉંચામાં ૧૩૦૩ થઈ નીચામાં ૧૨૫૦ થઈ ૧૨૮૯થી ૧૨૯૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૧૦૩૫ તથા ઉંચામાં ૧૦૭૫ થઈ ૧૦૬૯થી ૧૦૭૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૦.૫૫ ટકા નીચા બોલાતા હતા.