Get The App

સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો

- ઈરાન-અમેરિકા વચ્ચે ફરી ઘર્ષણ વધતાં ક્રૂડ વધી ૧૧૦ ડોલર પાર: પ્લેટીનમના ભાવ રૂ.૨૦૦૦ તૂટયા

- વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં સોનામાં ફંડોનું વ્યાપક સેલીંગ

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી તૂટયા હતા. વિશ્વ બજાર ગબડતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઉછળતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી અને તેના પગલે ઝવેરી બજારોમાં આજે ભાવ નવેસરથી તૂટી ગયા હતા.  વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૭૫૮થી ૪૭૫૯ ડોલરવાળા ગબડી નીચામાં ભાવ ૪૫૫૪ થઆ ૪૬૨૩ ડોલર રહ્યા હતા.

 વિશ્વ બજાર પાછળ  ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૦૦૦ તતા ચાંદીના ભાવ કિલોના રૂ.૮૦૦૦ તૂટી ગયા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ વધી ૧૦૦ની ઉપર જતાં વૈશ્વિક સોનામાં આજે ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યું હતું. જોકે અમેરિકા તથા ઈરાન વચ્ચે ફરી ઘર્ષણ વધ્યાના વાવડ વચ્ચે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટયા મથાળેથી ૯થી ૧૦ ટકા ઉછળ્યા હતા.

અમદાવાદ બજારમાં સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૦૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૧૦૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ તૂટી રૂ.૨૩૦૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૭૫.૨૮ વાળા નીચામાં ૬૯.૬૫ થઈ ૭૦.૬૦થી ૭૦.૬૧ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, ક્રૂડતેલના વૈશ્વિક ભાવ બ્રેન્ટ ક્રૂડના બેરલના ૧૦૧.૪૧થી વધી ૧૦૯.૭૦ થઈ ૧૦૮.૮૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૯૮.૬૩ વાળા વધી ૧૧૦.૬૭ થઈ ૧૦૯.૧૩ ડોલર રહ્યા હતા. બન્ને ક્રૂડ વચ્ચેનો ભાવ તફાવત  સંકડાઈ જતાં બજારના જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ આજે રૂ.૪૦૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૧૨ હજાર તૂટયા હતા. 

મુંબઈ સોનાના ભાવ ઘટી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૬૦૨૧ તથા ૯૯૯ના રૂ.૧૪૬૬૦૮ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ઘટી જીએસટી વગર રૂ.૨૨૭૮૧૩ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસના ૧૯૮૭થી ઘટી ૧૮૮૧ થઈ ૧૯૨૦થી ૧૯૨૧ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના ભાવ ૧૪૯૪ વાળા ૧૪૩૬ થઈ ૧૪૫૯થી ૧૪૬૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૯૪ ટકા તૂટયા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ ઘટી રૂ.૬૨૬૮૧ બોલાયા હતા. દરમિયાન,  ચાંદીના ઈટીએફમાં આજે ૩થી ૪ ટકાની ઝડપી પીછેહટ નોંધાઈ હતી.