Business

આયાત ડયૂટીમાં વધતા સોનાની માંગ જૂન ત્રિમાસિકમાં છ ટકા ઘટી ૧૩૧ ટન

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ, જૂન ત્રિમાસિકમાં સોનાની માંગ 6% ઘટીને 131.40 ટન થઈ છે. ઊંચી આયાત ડ્યુટી અને પીએમ મોદીની અપીલને કારણે આ ઘટાડો જોવા મળ્યો. જોકે, મૂલ્યની દ્રષ્ટિએ ₹1,98,100 કરોડની વિક્રમી માંગ નોંધાઈ. ઊંચી ડ્યુટીને કારણે સોનાની દાણચોરી વધી છે, જે 2026માં 100 ટન પહોંચવાની ધારણા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આયાત ડયૂટીમાં વધતા સોનાની માંગ જૂન ત્રિમાસિકમાં છ ટકા ઘટી ૧૩૧ ટન

મૂલ્યની દ્રષ્ટિએ માંગ રૂ. ૧,૯૮,૧૦૦ કરોડના વિક્રમી સ્તરે :વર્તમાન વર્ષમાં દાણચોરી ૧૦૦ ટન પહોંચવા ધારણાં
મુંબઈ : ઊંચી આયાત ડયૂટી તથા સોનાની ખરીદી ટાળવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના લોકોને કરાયેલી અપીલ બાદ વર્તમાન વર્ષના જૂન ત્રિમાસિકમાં ભારતની ગોલ્ડ માગ વાર્ષિક ધોરણે ૬ ટકા ઘટી ૧૩૧.૪૦ ટન રહી છે. ગયા વર્ષના જૂન ત્રિમાસિકમાં એકંદર માગ ૧૩૯.૭૦ ટન રહી હતી એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટમાં જણાવાયું હતું.
મૂલ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો જૂન ત્રિમાસિકમાં સોનાની માગ રૂપિયા ૧,૯૮,૧૦૦ કરોડ વિક્રમી રહી હતી જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂપિયા ૧,૩૨,૫૦૦ કરોડ જોવા મળી હતી. સોનાના ભાવમાં સ્થિરતા રહેશે તો સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં માગમાં વધારો થવાની અપેક્ષા છે.
૨૦૨૬ના સંપૂર્ણ વર્ષમાં સોનાની માગ ૬૫૦થી ૭૫૦ ટનની વચ્ચે રહેવા કાઉન્સિલે અંદાજ મૂકયો છે. ભૌગોલિક રાજકીય તાણ, વ્યાજ દરો તથા ફુગાવાને ધ્યાનમાં રાખતા સોનાની માગ ૭૦૦ ટન આસપાસ રહેશે, પરંતુ ભાવમાં કરેકશન અને ડયૂટીમાં ઘટાડો કરાશે તો માગ ૭૫૦ ટન સુધી પહોંચી શકે છે.
જૂન ત્રિમાસિકમાં જ્વેલરી માગ વાર્ષિક ધોરણે ૧૫ ટકા ઘટી ૭૫.૧૦ ટન રહી છે જે ગયા વર્ષના જૂનમાં ૮૮.૮૦ ટન રહી હતી. બીજી બાજુ ઈન્વેસ્ટમેન્ટ માગ ૯ ટકા વધી ૫૦.૩૦ ટન રહી છે જ્યારે ભારતના ગોલ્ડ ઈટીએફસમાં ૪.૨૦ ટન સોનાનો નેટ ઈન્ફલોસ રહ્યો છે.
૧૫ ટકા આયાત ડયૂટી ઉપરાંત ૩ ટકા જીએસટીને કારણે સોના પર એકંદર ૧૮ ટકા જેટલી ડયૂટી થાય છે.
ઊંચા ડયૂટી દરને પરિણામે જૂન ત્રિમાસિક ગાળામાં સોનાની દાણચોરીમાં વધારો થયો છે. વર્તમાન વર્ષના ૧૩મી મેથી ૩૦ જૂનના ગાળામાં એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ ગેરમાર્ગે આવેલુ ૧૬૦ કીલો સોનું જપ્ત કર્યુ હતું જ્યારે ૧લી એપ્રિલથી ૧૨મી મે સુધીમાં ૮૬.૧૬ કીલો સોનુ પકડાયુ હતું. આમ ડયૂટીમાં વધારા બાદ દાણચોરી વધી ગયાનું સ્પષ્ટ જણાય છે. આ આંક સરકારે સંસદમાં પૂરા પાડયા હતા.
૨૦૨૬માં સોનાની દાણચોરી વધી ૧૦૦ ટન પહોંચવાની શકયતા જોવાઈ રહી છે. જૂન ત્રિમાસિકમાં સોનાની એકંદર આયાત ૨૩ ટકા ઘટી ૯૮.૧૦ ટન રહી હતી. જૂન ત્રિમાસિકમાં સોનાના વૈશ્વિક ભાવ પ્રતિ ઔંસ સરેરાશ ૪૫૦૬ ડોલર રહ્યા હતા જે ગયા વર્ષના સમાન ગાળામાં ૩૨૮૦.૪૦ ડોલર જોવા મળ્યા હતા.